<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

કુવાડવા રોડ લાતી પ્લોટના વેપારી રાજેન્દ્રભાઇ રાંક સાથે ૮.૯૮ લાખની ઠગાઈ: ચાંદીકામનો કારીગર લાલો ૯ કિલો ચાંદીની પાયલ લઈ ભાગી ગયો

શરૂઆતમાં સમયસર રેણનું કામ કરી આપી વિશ્વાસ કેળવ્યો પછી માલ લઈ 'છૂ' થઈ ગયો: બી ડિવિઝન પોલીસે તપાસ આદરી

રાજકોટઃ શહેરના સામા કાંઠે પેડક મેઈન રોડ આર્યનગર સોસાયટી તુલસી પાનની સામે શ્યામ મકાન ખાતે રહેતાં અને કુવાડવારોડ લાતી પ્લોટ શેરી નં. ૮/૧૩ના ખુણા પર એચ.પી.પેટ્રોલ પંપની પાસે શ્યામ સિલ્વર ઓર્નામેન્ટ નામની ચાંદીની પેઢી ચલાવતાં રાજેન્દ્રભાઈ હરદાસભાઈ રાંક-પટેલ નામના ૪૧ વર્ષીય વેપારી સાથે યુવરાજનગર વરૂણ કોલ્ડ સ્ટોર પાછળ મફતિય પરા ભગવતી સોસાયટીમાં રહેતાં લાલો રમેશભાઈ મકવાણાએ ૮,૯૮,૫૦૦ની છેતરપિંડી કરતાં ફરિયાદ થઈ છે.

આ બારામાં બી ડિવિઝન પોલીસે વેપારી રાજેન્દ્રભાઇની ફરિયાદ પરથી બીએનએસની કલમ ૩૧૬ (૨) મુજબ ગુનો દાખલ કર્યો છે.

  આરોપી લાલા સાથે ફરિયાદી વેપારીને છેલ્લા છ મહિનાથી વ્યાપારીક સબંધ હોઇ અને આરોપી અવાર નવાર ફરિયાદી પાસેથી ચાંદીની પાયલ રેણ કરવાના કામ માટે લઈ જતો હોઈ છેલ્લે આરોપી લાલો ચાંદીના પાયલ રેણ કરવા ચાંદીની સર (રોલ) વજન આશરે ૯.૭૬૩ કિ.ગ્રામ કિ.રૂ.૮.૯૮,૫૦૦ના લઈ ગયા બાદ આજ સુધી પરત ના આપી ભાગી ગયો છે.

   વેપારી  રાજેન્દ્રભાઈ રાંકએ વધુમાં જણાવ્યું છે  કે હું પરિવાર સાથે રહું છું અને લા તી પ્લોટ શેરી નં.૮/૧૩ ના ખુણા પર એચ.પી. પેટ્રોલ પંપની પાસે ""શ્યામ સિલ્વર ઓર્નામેન્ટ" નામની ચાંદીની પેઢી ચલાવી વેપાર ધંધો કરું છું. આ પેઢીમાં અમે ચાંદીના દાગીના બનાવું છું જેમાં ચાંદીના સાંકળા, પાયલ, બેંગલ્સ, વિછીંયા વિગેરે બનાવીએ છે. આ તમામ વસ્તુઓ અમે ઉતરપ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ વિગેરે રાજ્યોના વેપારીઓને વેંચીએ છીએ. અમારી પેઢીમાં પંદર વ્યક્તિઓ મજુરીકામ કરે છે.

આશરે છ મહિના પહેલા અમારી પેઢીમાં કામ કરતા કર્મચારી વિશાલ ગોહેલએ તેના મામાના દિકરા લાલો રમેશભાઈ મકવાણા સાથે ઓળખાણ કરાવેલ અને વાત કરેલ કે આ લાલો ચાંદીના પાયલનું રેણ (સોલ્ડીંગ) કામ કરે છે તમારે કામ કરાવવાનુ હોય તો લાલાને આપજો. જેથી મેં લાલાને શરૂઆતમાં દસેક કિલો ચાંદીના પાયલ રેણ કરાવવા આપેલ.જે મને સાતેક દિવસમાં કામ કરી પરત કરી દિધેલ અને આવી રીતે તે મારી પાસેથી અવાર-નવાર ચાંદીની પાયલ રેણ કરાવવા લઈ જતો અને સમયસર કામ કરી પાયલો પહોચાડી આપતો હતો. જેથી અમને તેના પર વિશ્વાસ બેસી ગયેલ હતો.

દરમિયાન ગઈ તા. ૧૩/૦૫/૨૦૨૫ના સવારના આશરે સાડા આઠેક વાગ્યે લાલો અમારી પેઢી ખાતે ચાંદીની પાયલ રેણ કરવા માલ લેવા આવેલ. જેથી અમે તેને ચાંદીની સર (રોલ) વજન આશરે ૯.૭૬૩ કિલોગ્રામના રોલ રેણ કરવા દિધેલ, જે મને પાંચ દિવસમાં કામ કરી પરત કરી આપવાની ખાત્રી આપી હતી. પરંતુ પાંચ દિવસ થઈ ગયા તેમ છતા લાલો અમને પાયલનુ રેણુ કામ કરી પરત આપવા ના આવતા અમે તેને ફોન કરેલ.

પરંતુ તેનો મોબાઈલ સ્વીચ ઓફ હતો જેથી અમે અમારી રીતે તપાસ કરેલ તો જાણવા મળેલ કે આ લાલો તેના ઘરે નથી. જેથી લાલાના ફઈનો દિકરો વિશાલ તેમજ અમ અમારી રીતે આજ સુધી લાલાને શોધતા હતાં પરંતુ એ મળી ના આવાતા અમે આ બાબતે ફરિયાદ કરવાનુ નક્કી કર્યું હતું. લાલો કુલ રૂપિયા ૮,૯૮, ૫૦૦ની ચાંદીની પાયલ લઈ ભાગી ગયો છે. આ બનાવની વધુ તપાસ પીઆઇ એસ. એસ. રાણેની રાહબરીમાં પો.સબ.ઇન્સ.એ.બી.ચૌધરી ચલાવી રહ્યા છે.

(9:53 AM IST)