<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 8th June 2025

કોઠારીયા રિંગ રોડ પર રહેતાં યુપીના પરિવારની ૧૩ વર્ષની દિકરીનું અપહરણ

મૂળ યુપીના છોટુકુમાર પાસવાન વિરૂધ્ધ આજીડેમ પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટઃ શહેરના કોઠારીયા રિંગ રોડ પર કારખાનામાં કામ કરી ત્યાં જ રહેતાં યુપીના પરિવારની ૧૩ વર્ષની દિકરીનું અપહરણ થઈ જતાં આજીડેમ પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.

પોલીસે આ બારામાં બાળકીના પિતાની ફરિયાદ પરથી લીલાવતી પાર્ટી પ્લોટ સામે, કોઠારીયા રેલ્વેબ્રીજ અમદાવાદ હાઇવે ગોંડલ રોડ રાજકોટ ખાતે આવેલ સેલન પમ્પ એન્ડ મોટર્સ નામના કારખાનામાં કામ કરતો છોટુકુમાર રાજેન્દ્ર પાસવાન કે જેનું મુળ ગામ સલૌના થાના-રજોન જી.બાકા (બિહાર) છે તેના ઉપર શંકાના આધારે ગુનો નોંધ્યો છે.

અપહૃત સગીરાના પિતાએ જણાવ્યું છે કે હું કોઠારીયા રીંગ રોડ, પર ગ્રીનટેક પોલી પ્લાસ્ટ નામના કારખાનામાં મજુરી કામ કરી ત્યાંજ રહુ છુ. મારે સંતાનમાં બે દિકરી છે જેમાં સૌથી મોટી.૧૩ વર્ષની છે. હું છેલ્લા દશેક વર્ષથી રાજકોટ ખાતે રહું છું.

ગઇ તા.૧૧/૦૫/૨૦૨૫ ના રોજ રાત્રીના આશરે દશેક વાગ્યે અમો ઘરના સભ્યો વાળુપાણી કરીને સુઇ ગયેલ હતા. મારી ૧૩ વર્ષની દિકરી તથા મારી પત્ની તથા નાની દિકરી અંદર રૂમમાં સુતા હતા અને હું રૂમની બહાર સુતો હતો આ દરમ્યાન રાત્રીના આશરે એક વાગ્યે હું જાગેલો અને જોયેલ તો મારી તેર વર્ષની દિકરી અંદર રૂમમાં ન હતી જેથી મેં મારી પત્નીને જગાડીને વાત કરેલી અને આ પછી અમોએ મારી દિકરીની આજુબાજુમાં તપાસ કરેલી પરંતુ મળી આવેલ નહી.

 મારી દીકરી બાબતે તપાસ કરતા જાણવા મળેલું કે અમારા કારખાનાની નજીકમાં આવેલ પ્લોટ નંબર-૭  ખાતે આવેલ સેલન પમ્પ એન્ડ મોટર્સ નામના કારખાનામાં કામ કરતો છોટુકુમાર રાજેન્દ્ર પાસવાન કે જેનું મુળ ગામ સલૌના થાના-રજોન જી.બાકા (બિહાર) છે તે તેણીને ભગાડી ગયો છે. આજીડેમ પોલીસ મથકના પીઆઇ એ.બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઈ પી.એચ. પઢેરિયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(9:54 AM IST)