તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
રાજકોટથી બાઇક પર માનતા ઉતારવા ગયેલા પવન મંધાણીનું આણંદ નજીક ‘હિટ એન્ડ રન'માં મોત
નોકરી મળે પછી મેલડી માતાના મંદિરે પગે લાગવાની મામાએ માનતા રાખી હતી : મામાના દિકરા દિપકને બંને પગમાં ઇજાઃ ૨૬ વર્ષનો યુવાન માતા-પિતાનો એક જ પુત્ર હતોઃ કાપડની દૂકાનમાં નોકરી કરતો હતોઃ રેલનગર ઘનશ્યામ રેસીડેન્સીમાં રહેતાં પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૯: રાજકોટથી બાઇક હંકારી આણંદ ખાતે માનતા પુરી કરવા ગયેલા યુવાનનું આણંદ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં મોત થયું છે. તેની સાથે બાઇકમાં બેઠેલા તેના મામાના દિકરાને ઇજા થતાં સારવાર હેઠળ છે. મૃત્યુ પામનાર યુવાન માતા-પિતાનો એકનો એક પુત્ર હતો.બનાવની જાણવા મળેલી વિગતો મુજબ રેલનગર ઘનશ્યામ રેસીડેન્સી-૨૯/૨માં રહેતો પવન દિલીપકુમાર મંધાણી (ઉ.વ.૨૬) ગત આઠમી તારીખે આણંદના અમુલ ચોકલેટ પ્લાન્ટ નજીક બાઇક હંકારીને જતો હતો ત્યારે તેની પાછળ આણંદ રહેતો તેના મામાના દિકરો દિપકભાઇ મહેશલાલ (ઉ.વ.૨૫) પણ બેઠો હતો. આ બાઇકને કોઇ અજાણ્યો વાહનનો ચાલક ઠોકરે લઇ ભાગી જતાં બંને મામા-ફઇના ભાઇઓને ગંભીર ઇજા થતાં આણંદ અને ત્યાંથી અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે પવનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
અહિ સવારે તેનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ અને તોૈફિકભાઇ જુણાચે જરૂરી કાર્યવાહી કરી આણંદ પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર પવન એક બહેનથી નાનો અને માતા-પિતાનો એક જ પુત્ર હતો. તેના પિતા ફ્રુટ વેંચી ગુજરાન ચલાવે છે. પવનને નોકરી મળી જાય એ માટે થઇને આણંદ રહેતાં તેના મામા મહેશલાલ હરૂમલ બાલચંદાણીએ આણંદ નજીક મેલડી માતાના મંદિરે પગે લાગવાની માનતા રાખી હતી. કાપડની દૂકાનમાં નોકરી મળી જતાં પવન માનતા ઉતારવા ગયો હતો. સાથે આણંદથી મામાનો દિકરો પણ ગયો હતો. બંને દર્શન કરી પરત આવી રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. યુવાન આધારસ્તંભ દિકરાના મોતથી રેલનગર ઘનશ્યામ રેસીડેન્સીના પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. (૧૪.૫)
(10:55 AM IST)










