<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

હૃદય બંધ પડી જતાં બેંક મેનેજર, રિક્ષાચાલક સહિત ચારની જિંદગીની સફરનો અંત આવ્‍યો

હંસરાજનગરના ધર્મેશભાઇ ટાંક ઘર પાસે, મનહરપરાના લક્ષમણભાઇ વાઘેલા રિક્ષામાં, વૈશાલીનગરના ચૈતન્‍યભાઇ જોષી ઘરે તેમજ નવા થોરાળાના પ્રકાશભાઇ સોલંકી ઘરે બેભાન થઇ ગયા બાદ મૃત્‍યુ

રાજકોટ તા. ૯: શહેરમાં હૃદય રોગના હુમલાથી મોતના વધુ ચાર બનાવ નોંધાયા છે. જેમાં બેંક મેનેજર સહિત ચાર લોકોનો સમાવેશ થાય છે. પોપટપરા હંસરાજનગર ગોરેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતાં ધર્મેશભાઇ પ્રાણલાલભાઇ ટાંક (ઉ.વ.૪૬) પોતાનું મોટરસાઇકલ હંકારીને જતાં હતાં  ત્‍યારે ઘર નજીક જ ચક્કર આવતાં પડી જતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેમને તબિબે નિષ્‍પ્રાણ જાહેર કરતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

ધર્મેશભાઇ નાગરિક બેંકમાં ચીફ મેનેજર તરીકે ફરજ બજાવતાં હતાં. બનાવની જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ કે. કે. ચાવડા અને રાઇટર વિરેન્‍દ્રસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. હાર્ટએટેક આવી ગયાનું  જાહેર થયું હતું.

બીજા બનાવમાં બેડીપરા ફાયર બ્રિગેડ પાછળ મનહરપરામાં રહેતાં લક્ષમણભાઇ હરજીભાઇ વાઘેલા (ઉ.વ.૪૬) ઘર નજીક આરએમસી વેસ્‍ટ ઝોન ઓફિસ પાસે રિક્ષામાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તે રિક્ષા હંકારી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં બે પુત્ર છે. પોતે ચાર ભાઇ અને એક બહેનમાં નાના હતાં. હાર્ટએટેક આવી ગયાનું ખુલ્‍યું હતું. આ અંગે થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં રૈયા રોડ વૈશાલીનગર-૫માં રહેતાં ચૈતન્‍યભાઇ જેઠાલાલ જોષી (ઉ.વ.૫૪) ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. તેમને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. હાર્ટએટેક આવી ગયાનું જણાવાયું હતું. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

ચોથા બનાવમાં તેમજ નવા થોરાળા મેઈન રોડ શેરી નં ૬માં રહેતા પ્રકાશભાઈ પ્રવિણભાઈ સોલંકી (ઉ.વ.૩૬) નામના યુવાનને તે બેભાન થઇજતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. થોરાળા પોલીસને જાણ કરવામાંઆવતાં હેડકોન્‍સ. નિલેષભાઇ ડામોર સહિતે કાર્યવાહી કરી હતી. મૃતક યુવાન અપરિણીત હતો અને બે ભાઇમાં મોટો હતો. હાર્ટએટેક આવી ગયાનું તપાસમાં ખુલ્‍યું હતું.

આંચકી ઉપડયા બાદ નેપાળી યુવાનનું મોત

જ્‍યારે પાંચમા બનાવમાં નિર્મલા રોડ યોગી નિકેતન પ્‍લોટ આશ્રય એપાર્ટમેન્‍ટમાં  રહેતાં મહેન્‍દ્ર કર્ણભાઇ સાઉદ-નેપાળી (ઉ.વ.૨૭)ને આંચકી ઉપડતાં બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

બેભાન હાલતમાં છ મહિનાની બાળકીનું મૃત્‍યુ

છઠ્ઠા બનાવમાં રેલનગર શિવમ્‌ પાર્ક-૬/૭ના ખુણે ક્રિષ્‍ના બંગ્‍લોઝ બી-૨માં રહેતાં મયુરસિંહ ઝાલાના છ મહિનાની વયના દિકરી નૈત્રીબાની તબિયત બગડતાં ઝનાના હોસ્‍પિટલમાં દાખલ કરાયેલ. પરંતુ સારવારમાં મૃત્‍યુ થતાં પરિવામાં શોક છવાઇ ગયો હતો. બિમારીથી મૃત્‍યુ થયાનું જણાવાયું હતું. આ અંગે પ્ર.નગર પોલીસે કાર્યવાહી કરી હતી.

(1:20 PM IST)