<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

રાઇડના વિવાદ વચ્‍ચે લોકમેળાની તૈયારીઓ શરૂઃ આજથી ફોર્મ વિતરણઃ રાઇડ સંચાલકોના સમર્થનમાં અન્‍ય સ્‍ટોલ ધારકો જોડાયા

કલેકટરની સાફ વાતઃ રાઇડ અંગેના નિયમોમાં કોઇ બાંધછોડ નહિ થાયઃ અમારી બીજી તૈયારી છે જ...

રાજકોટ તા. ૯ :.. સૌરાષ્‍ટ્રની ઓળખ સમાન પ્રસિદ્ધ લોકમેળો આ વખતે પણ શરૂઆતથી  વિવાદોમાં આવી ગયો છે. ગત વર્ષે SOP (સ્‍ટાન્‍ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) ના કડક નિયમોને કારણે રાઇડ સંચાલકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મંજૂરી આપવામાં ન આવતા અનેક પ્રશ્નો ઉભા થયા હતા. ત્‍યારે, આજથી, આગામી ૨૦૨૫ ના લોકમેળાની તૈયારીઓ લોકમેળા સમિતિ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. આજથી મેળાના સ્‍ટોલ અને રાઇડ્‍સ માટેના ફોર્મ વિતરણની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. જોકે, આજે બપોરે ર વાગ્‍યા સુધીમાં એક પણ સ્‍ટોલ ધારકો દ્રારા ફોર્મ ઉપાડવામાં આવ્‍યા નથી

પ્રાપ્ત વિગતો અનુસાર, રાઇડ સંચાલકોએ સ્‍પષ્ટપણે જણાવી દીધું છે કે જ્‍યાં સુધી તેમના SOP સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે ત્‍યાં સુધી તેઓ એક પણ ફોર્મ ભરશે નહીં. એટલું જ નહીં, રાઇડ સંચાલકોના સમર્થનમાં અન્‍ય સ્‍ટોલ ધારકો અને વેપારીઓએ પણ જ્‍યાં સુધી રાઇડ સંચાલકોનો પ્રશ્ન હલ ન થાય ત્‍યાં સુધી ફોર્મ ન ઉપાડવાનો નિર્ણય કર્યો છે.

મેળા એસોસિએશનની મહત્‍વપૂર્ણ બેઠક

સૌપ્રથમ વખત   બાલ ભવન ખાતે મેળા એસોસિએશન ૨૦૨૫ ની સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. આ બેઠકમાં રાઇડ સંચાલકો, સ્‍ટોલ ધારકો તેમજ અન્‍ય વેપારીઓ સહિત મોટી સંખ્‍યામાં મેળા સાથે સંકળાયેલા લોકોએ ભાગ લીધો હતો.આ સાધારણ સભામાં જ્‍યાં સુધી રાઇડ સંચાલકોની SOP હળવી કરવામાં ન આવે અને તેમને મેળામાં રાઇડ્‍સ લગાવવાની મંજૂરી ન મળે ત્‍યાં સુધી એક પણ ફોર્મ ન ઉપાડવા અંગેનો ઠરાવ પણ સર્વાનુમતે પસાર કરવામાં આવશે તેવી શકયતા છે. આ ઠરાવ મેળા સમિતિ અને વહીવટી તંત્ર પર દબાણ વધારશે.

દરમિયાન આ બાબતે કલેકટરે સ્‍પષ્‍ટ નિર્દેશ આપ્‍યો છે કે રાઇડ સંચાલકો મેળામાં નહિ આવે તો આપણને કોઇ વાંધો નથી, અમારી બીજી તૈયારી છે જ, અને રાઇડ- અંગેના નિયમોમાં કોઇ ફેરફાર કે બાંધછોડ નહિ થાય.

(3:30 PM IST)