તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 9th June 2025
રૈયાધાર ઇન્દિરાનગરમાં ઘરમાં ઘુસી આશાવર્કર મહિલા પર પડોશી રમેશનો બ્લેડથી હુમલો
રસોડાનો જુનો સામાન લેવાની જ્યોતિબેને પાડતાં રમેશને ન ગમ્યું: દેકારો થતાં પોતાના ગળા પર પણ જાતે ઇજા પહોંચાડી હતીઃ યુનિવર્સિટી પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૯: રૈયાધાર ઇન્દિરાનગર-૩૨માં રહેતાં અને રૈયાધારમાં જ અર્બન હેલ્થ કેરમાં આશા વર્કર તરીકે નોકરી કરતાં જ્યોતિબેન મયુરભાઇ વાઘેલા (ઉ.વ.૩૪) રાત્રીના સમયે ઘરમાં સુતા હતાં ત્યારે પડોશી રમેશ દેવજીભાઇ રાઠોડે દરવાજો ખુલ્લો હોઇ અંદર ઘુસી જઇ બ્લેડથી હુમલો કરી જ્યોતિબેનને હોઠ, ગળા પર ઇજા પહોંચાડતાં તેણીએ દેકારો મચાવતાં પરિવારજનો જાગી જતાં રમેશે પોતાની જાતે પોતાના ગળા પર પણ ઇજા પહોંચાડી લીધી હતી. આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે જ્યોતિબેનની ફરિયાદ નોંધી છે.
જ્યોતિબેને પોલીસને જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલા અમારા પડોશી રમેશ રાઠોડ પોતાના રસોડાના ડ્રોઅરનો સામાન શેરીની બહાર ભાંગતોડ કરવા લાવ્યા હોઇ જેથી મેં રમેશને કહેલુ કે તમે મારા સાસુ જશુબેનને પુછી જોજો કદાચ તેમને આ સામાન લેવો હશે. જેથી તેણે પોતાને ૨૦૦ રૂપિયામાં સામાન વેંચવો છે તેમ કહી સામાન ક્યાં રાખુ તેમ પુછતાં મેં તેને અમારા સામેના મકાનમાં મુકી દેવા કહ્યું હતું.
બાદમાં મારા સાસ જશુબેનને મેં સામાન સસ્તામાં મળે છે તેમ કહેતાં તેમણે આપણે નવુ ફર્નિચર કરાવવું છે જેથી સામાન નથી લેવો તેમ કહ્યું હતું. બાદમાં હું અમદાવાદ માસીની દિકરીના લગ્ન થયા હોઇ તેને તેડવા માટે ગયા હતાં. દરમિયાન રાતે રમેશે ફરી મને ફોન કરી સામાન વિશે પુછતાં મેં તેને અમારે નથી લેવો તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં રમેશે રાતે અમારો દરવાજો ખુલ્લો હોઇ ઘરમાં ઘુસી જઇ મારા પર હુમલો કરી બ્લેડથી મને હોઠ અને દાઢીના ભાગે ઇજા પહોંચાડી દીધી હતી. તેમજ ગાળો દઇ ઢીકાપાટુનો માર માર્યો હતો. હું રાડો પાડવા માંડતા તેણે પોતાની જાતે પોતાના ગળા પર બ્લેડ મારી દીધી હતી અને ભાગી ગયો હતો.
બાદમાં મને મારા દિયર સારવાર માટે હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં ઓપીડી સારવાર બાદ રજા અપાઇ હતી. રમેશ પણ સારવાર માટે દાખલ થયો હતો. તે ઝનુની સ્વભાવનો હોઇ જેથી અમારે ફરિયાદ કરવી નહોતી. પરંતુ બાદમાં અમે ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં તેણીએ કહેતાં પીએસઆઇ એન. કે. પંડયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
(4:15 PM IST)










