News of Monday, 9th June 2025
અક્કલનું પ્રદર્શન : BBAના છાત્રોને M.COM. માં શરતી પ્રવેશ આપવાનો કુલપતિ ઉત્પલ જોષીનો આશ્ચર્યજનક નિર્ણય
ગુડ એકેડેમીક રેકોર્ડ નહી, પોસ્ટ ગ્રેજયુએશન સળંગ, ટેટ-ટાટ પરીક્ષા લાયક નહિ... આવી શરતો છતાં મંજુરીઃ અમલ સ્થગીત કરવા ડો.નિદત બારોટની માંગ

રાજકોટ, તા., ૯: બી ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ઉત્પલ જોશી ટુંકા સમયમાં અનેક વિવાદાસ્પદ નિર્ણયો માટે જાણીતા થયા છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા BBA કરેલ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં કોઇ ઉપયોગ ન થાય તેવા M.Com. ના કોર્ષમાં શરતી પ્રવેશ આપવામાં આવી રહયો છે. ત્યારે શિક્ષણમાં અન્યાય સામે અવાજ ઉઠાવતા શિક્ષણ વિદ્યાશાખાના ડીન ડો. નિદત્ત બારોટે આ વિવાદાસ્પદ પ્રવેશ પરીપત્રનો તુરંત અમલ સ્થગીત કરવા માંગ કરી છે.
ડો. નિદત બારોટે કુલપતિ જોશીને પત્ર પાઠવી BBA કરેલા વિદ્યાર્થીઓને M.Com. પ્રવેશ માટે કેટલીક શરતો દર્શાવેલ છે. જેમ શરત ૧. વિદ્યાર્થીઓને ગુડ એકેડિમિક રેકોર્ડ ગણાશે નહીં. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પ્રવેશ આપે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા લે, વિદ્યાર્થી ગોલ્ડ મેડલ મેળવે અને છતાં ગુડ એકેડેમિક રેકોર્ડ નહીં ગણાય, આવું આપણે શેના આધારે નક્કી કરીએ ?? શરત ૨. ભવિષ્યમાં જ્યાં ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશન સળંગ ગણવાનું રહેતું હશે ત્યાં તેમનો નોકરી માટેનો હક્ક રહેશે નહીં કઈ ડિગ્રી ધારકોને નોકરી આપવી તે નોકરી આપનાર નક્કી કરે છે, આપણે શરત મૂકી નોકરી માટે હક્ક રહેશે નહીં, તેમ કેવી રીતે કહી શકીએ ??
શરત ૩. વિદ્યાર્થીઓ B.Ed. પાસ કરી અને વિદ્યાસહાયકની TET - TAT પરીક્ષામાં લાયક ગણી શકશે નહીં. કોને શિક્ષક તરીકે લાયક ગણવા તે કમિશ્રર શાળાઓ અને રાજ્ય સરકાર નક્કી કરે છે. આ શરત આપણે મૂકી અને વિદ્યાર્થીઓનું અહિત કેવી રીતે કરી શકીએ ??
ડો.નિદત બારોટે વધુમાં જણાવ્યું હતું કે, ઉપરોક્ત શરતોને આધીન M.Com. માં પ્રવેશ BBA ના વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે, આવો પરિપત્ર કુલપતિશ્રી દ્વારા સત્તામંડળોની બહાલી કરેલ છે અને તે પરિપત્ર થયેલ છે. આવી અગત્યની નીતિવિષયક બાબત રાજ્ય સરકારે એક્ટ સ્ટેચ્યુટથી વિવિધ સત્તામંડળની રચના કરી તેમને સત્તા આપી છે. આ નિર્ણય બોર્ડ ઓફ ડીન્સ, એકૈડમિક કાઉન્સિલ અને બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં મંજૂરી લેવાય તો, તેના પર ચર્ચા થાય અને યોગ્ય નિર્ણય લેવાય. આપ આ પરિપત્રનો અમલ સ્થગિત કરી સક્ષમ સત્તામંડળમાં ચર્ચા અને મંજૂરી અર્થે મૂકો. આપની વિશેષ સત્તા અને બહાલી જ્યાં અનિવાર્ય હોય ત્યાજ કરવી જોઈએ.
(4:17 PM IST)










