<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 9th June 2025

આશાપુરા રોડના ચાંદીના વેપારી તેજસ રાણપરા સાથે ગુંદાવાડીના નલીન પાટડીયાની ૬ લાખની ઠગાઇ

સ્‍વામિનારાયણ ભગવાનની મુર્તિના ચાંદીના વાઘા બનાવવાનું કામ મજુરી પર રાખી નયને આ ચાંદી બારોબાર બીજા કામમાં વાપરી નાખીઃ એ-ડિવીઝન પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૯: શહેરના આશાપુરા રોડ પર ચાંદીના ઘરેણાની દુકાન ધરાવતાં વેપારીને સ્‍વામિનારાયણ ભગવાનની મુર્તિના ચાંદીના વાઘા બનાવવાનો ઓર્ડર મળતાં તેણે આ કામ ગુંદાવાડીના કારીગરને મજુરી લેખે સોંપી મુર્તિ તથા વાઘા બનાવવા છ લાખનું ચાંદી આપ્‍યા હતાં. પરંતુ કારીગરે વાઘા ન બનાવી ચાંદી બારોબાર બીજા કામમાં વાપરી નાંખતા અને ચાંદી કે મુર્તિ પાછા ન આપતાં ઠગાઇની ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવમાં એ-ડિવીઝન પોલીસે યુનિવર્સિટી રોડ આયુર્વેદિક હોસ્‍પિટલ પાછળ આઇકોન પ્‍લેટીનિયમ-૭૦૨ ખાતે રહેતાં અને આશાપુરા રોડ ખાતે શ્રીજી સિલ્‍વર નામે ચાંદીના ઘરેણાની દુકાનમાં વેપાર કરતાં તેજસભાઇ સુરેશભાઇ રાણપરા (ઉ.વ.૨૭)ની ફરિયાદ પરથી ગુંદાવાડી ગિરીરાજ એપાર્ટમેન્‍ટ બ્‍લોક નં. ૨૦૨માં રહેતાં નલીન અમરશીભાઇ પાટડીયા વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

તેજસભાઇએ જણાવ્‍યું છે કે હું શ્રીજી સિલ્‍વર નામે ભાગીદારીમાં પેઢી ચલાવુ છું. અમને ૧૫/૧/૨૫ના રોજ ભગવાનની મુર્તિના વાઘા કરવા માટેનો ઓર્ડર મળ્‍યો હતો. અમે આ કામ ચાંદીના ઘરેણા બનાવવતા કારીગર નલીન પાટડીયાને સોંપ્‍યું હતું. અમે તેને આરસની સ્‍વામિનારાયણ ભગવાનની મુર્તિ અને ૪૮૯૩.૫૦૦ ગ્રામ ચાંદી આપ્‍યું હતું. ચાંદીના વાઘા બનાવવાનું કામ એક મહિનામાં પુરૂ કરવાની તેણે ખાત્રી આપી હતી. જેમાં મજુરી રૂપિયા ૨૭ નક્કી થઇ હતી. આ કામ માટે તે અમારી પાસેથી ફાઇન ચાંદી ૧૧૨૬.૮૧૦ ગ્રામ તથા મજૂરીના રૂાીયા લઇ ગયેલ. પરંતુ સમય પુરો થવા છતાં તેણે કામ પુરુ કર્યુ નહોતું.

આથી અમે સ્‍વામિનારાયણ ભગવાનની મુર્તિ અને ચાંદી અથવા ચાંદીમાંથી બનાવેલા વાઘા પાછા માંગતા તેણે આપ્‍યા નહોતાં. વધુ ઉઘરાણી કરતાં તેણે કહેલુ કે તમે જે ચાંદી આપ્‍યું હતું તે મેં બીજા કામમાં વાપરી નાખ્‍યું છે, હવે નવુ કોઇ કામ આવશે તો તમને વાઘા બનાવી દઇશ અથવા ચાંદી પાછુ આપી દઇશ. જો કે અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં તે છ લાખનું ચાંદી આપતો ન હોઇ અંતે ફરિયાદ નોંધાવવાનું મેં નક્કી કર્યુ હતું. તેમ વધુમાં તેજસભાઇએ જણાવતાં એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ ડી. વાય. મહંતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

(4:24 PM IST)