<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

રાજકોટમાં કોરોનાનો નવો ઉછાળો : વધુ ૯ કેસ નોંધાતા કુલ આંક ૧૧૪ પર પહોંચ્યો : મલેશિયા અને મુંબઈની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા કેસ સહિત સ્થાનિક સંક્રમણના કેસ પણ સામે આવ્યા : શહેરમાં કોવિડનો ગ્રાફ ચિંતાજનક!

કાલાવડ રોડ, વર્ધમાન નગર, કેવડાવાડી, સોપાન હાઈટ, આકાશદીપ સોસાયટી, રાજલક્ષ્મી સોસાયટી, હેમુગઢવી હોલ પાછળ, નરશી પાર્ક અને મયુરનગર સહિતના વિસ્તારોમાં સંક્રમણ : કુલ ૬૧ દર્દી સાજા થયા અને હાલ ૫૩ હોમ આઈસોલેશનમાં

રાજકોટ,૧૦  જૂન ૨૦૨૫: રાજકોટ શહેરમાં કોવિડ-૧૯ ના નવા કેસોમાં ચિંતાજનક ઉછાળો જોવા મળ્યો છે. આજે, તા. ૦૯/૦૬/૨૦૨૫ ના રોજ વધુ ૯ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાયા છે, જેને પગલે શહેરમાં ૧૯/૦૫/૨૦૨૫ થી અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ કેસોનો આંક ૧૧૪ પર પહોંચી ગયો છે, જે આરોગ્ય તંત્ર માટે નવી ચિંતાઓ ઊભી કરી રહ્યો છે.

મળતી વિગત મુજબ, નવા નોંધાયેલા ૯ કેસો શહેરના વિવિધ વિસ્તારોમાંથી સામે આવ્યા છે, જેમાં કાલાવડ રોડ, વર્ધમાન નગર, કેવડાવાડી, સોપાન હાઈટ, આકાશદીપ સોસાયટી, રાજલક્ષ્મી સોસાયટી, હેમુગઢવી હોલ પાછળ, નરશી પાર્ક-૧ અને મયુરનગરનો સમાવેશ થાય છે. આ કેસો ૨૬ થી ૬૯ વર્ષની વયજૂથના પુરુષો અને સ્ત્રીઓમાં જોવા મળ્યા છે.

નવા કેસોમાં મોટાભાગના દર્દીઓએ રસીના બે અથવા ત્રણ ડોઝ લીધેલા છે, જે દર્શાવે છે કે રસી લીધા બાદ પણ સાવચેતી જરૂરી છે. નોંધનીય છે કે, ૯ કેસ પૈકી બે દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી છે – જેમાં એક મલેશિયાથી પરત ફરેલા ૩૬ વર્ષના પુરુષ અને એક મુંબઈથી આવેલા ૨૬ વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. બાકીના સાત કેસમાં કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, જે સ્થાનિક સંક્રમણની શક્યતા પુષ્ટિ કરે છે. રાહતની વાત એ છે કે, તમામ ૯ દર્દીઓની હાલત 'સ્ટેબલ' હોવાનું આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું છે.

શહેરમાં કોરોનાથી કુલ ૬૧ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે, જ્યારે હાલમાં ૫૩ દર્દીઓ હોમ આઈસોલેશન હેઠળ સારવાર મેળવી રહ્યા છે. રાજકોટમાં કોવિડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને, મહાનગરપાલિકા અને આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને સાવચેતી રાખવા, માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા ફરી એકવાર અપીલ કરવામાં આવી છે.

 

(11:00 AM IST)