<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

લોધીકાના પાળની ગાયત્રી હાઇસ્‍કૂલના ટ્રસ્‍ટી-ક્‍લાર્ક કાકો-ભત્રીજો ૨ લાખની લાંચમાં ઝડપાયા

નિવૃત શિક્ષકના એરીયર્સ, રજા બીલના રૂા. ૧૨.૫૦ લાખ પાસ કરવા માટે બંનેએ ૩ લાખ માંગી ૨ લાખમાં સેટીંગ કર્યુ હતું : ભોગ બનનાર લાંચ આપવા ઇચ્‍છતા ન હોઇ રાજકોટ એસીબીને જાણ કરતાં વાણીવાયાડીમાં ઘરે જ ટ્રેપ ગોઠવી શાળાના : મેનેજીંગ ટ્રસ્‍ટી ગુણવંતરાય ચુનીલાલ ખીરા અને ક્‍લાર્ક ભત્રીજા ધર્મેન્‍દ્ર ભાનુશંકર ખીરાને દબોચી લેવાયા : રાજકોટ શહેર એસીબી પીઆઇ આર. આર. સોલંકી અને ટીમની મદદનીશ અધિક્ષક એન. કે. ગોહિલના માર્ગદર્શનમાં કાર્યવાહી : મોરબી એસીબીની ટીમે કાકા-ભત્રીજાના ઘરની પણ જડતી કરીઃ વધુ તપાસ સુરેન્‍દ્રનગર એસીબીએ હાથ ધરી

રાજકોટ તા. ૧૦: લાંચીયાઓને ઝડપી લેવા એન્‍ટી કરપ્‍શન બ્‍યુરો-એસીબીની ટીમો સતત કાર્યવાહી કરતી રહે છે. દરમિયાન રાજકોટ જીલ્લાના લોધીકા તાબેના પાળ ગામે આવેલી ગાયત્રી એજન્‍યુકેશન ટ્રસ્‍ટ સંચાલીત શ્રી ગાયત્રી હાઇસ્‍કૂલમાં ફરજ બજાવી નિવૃત થયેલા શિક્ષકને પોતાની એરીયર્સ, રજા પગાર સહિતની રકમ રૂા. ૧૨ લાખ ૫૦ હજાર શાળા ટ્રસ્‍ટ પાસેથી લેણી નીકળતી હોઇ તેમણે નિયમાનુસાર આ રકમ મેળવવા માટે કાર્યવાહી કરી હતી. પરંતુ મેનેજીંટ ટ્રસ્‍ટી અને ક્‍લાર્ક એવા કાકા-ભત્રીજાની ડાઢ ડળકી હતી અને આ નિવૃત શિક્ષકની કાયદેસરની રકમ તેને ન મળે તે માટે દાવપેચ ચાલુ કર્યા હતાં. છેલ્લે આ કાકો-ભત્રીજો છેલ્લી પાટીલએ બેસી ગયા હતાં અને નિવૃત શિક્ષક પાસે જો તેની રકમ પાસ કરવી હોય તો ૩ લાખ આપવા પડશે તેવી માંગણી કરી લીધી હતી. રકઝક બાદ બંનેએ બે લાખમાં સેટીંગ કર્યુ હતું. જો કે નિવૃત શિક્ષક લાંચ આપવા ઇચ્‍છતા ન હોઇ રાજકોટ એસીબીને જાણ કરતાં એસીબીએ વાણીયાવાડીમાંથી કાકા-ભત્રીજાને ૨ લાખની લાંચ લેંતા રંગેહાથ દબોચી લીધા છે.

જાણવા મળ્‍યા મુજબ પાળ ગામે આવેલી શ્રી ગાયત્રી હાઇસ્‍કૂલમાં ફરજ બજાવતાં શિક્ષક નિવૃત થયા હતાં. નિવૃતી બાદ તેમણે શાળા ટ્રસ્‍ટમાંથી પોતાની કાયદેસરની રકમ જેમાં મોંઘવારીના ૫૩ ટકા મુજબની એરીયર્સ બીલની રકમ, રજા રોકડ રૂપાંતરની રકમ મળી કુલ ૧૨.૫૦ લાખ લેવાના થતાં હતાં. આથી નિવૃત શિક્ષકે નિયમ મુજબ આ રકમ મેળવવા કાર્યવાહી કરી હતી. પરંતુ તેની રકમ પાસ થઇ રહી નહોતી. આથી તેણે ગાયત્રી એજ્‍યુકેશન ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી ગુણવંતરાય ચુનીલાલ ખીરા (ઉ.વ.૭૪) અને ગાયત્રી હાઇસ્‍કૂલના ક્‍લાર્ક ધર્મેન્‍દ્ર ભાનુશંકર ખીરા (ઉ.વ.૫૫)નો સંપર્ક કર્યો હતો.

મેનેજીંગ ટ્રસ્‍ટી અને ક્‍લાર્ક બંને કાકો-ભત્રીજો થાય છે. આ બંનેએ નિવૃત શિક્ષકની વાત સાંભળી હતી અને બાદમાં કહ્યું હતું કે તમારી કાયદેસરની રકમ એમને એમ મંજુર ન થઇ શકે, જો તમારે તમારી રકમ મેળવવી હોય તો અમને તેમાંથી ૩ લાખ આપવા પડશે. નિવૃત શિક્ષક આ સાંભળી ચોંકી ગયા હતાં. કાકા-ભત્રીજાએ રકઝકને અંતે છેલ્લે ૨ લાખ રૂપિયા માંગી લીધા હતાં અને કહ્યું હતું કે આ રકમ અમારી ઘરે વાણીયાવાડી-૨/૧૬માં જલદીપ મકાન ખાતે આવીને આપી જજો, પછી તમારી રકમ અમે પાસ કરાવી દઇશું.

નિવૃત શિક્ષક પોતાની જ રકમ મેળવવા માટે લાંચ આપવી પડશે એ જાણી આઘાતમાં ગરકાવ થઇ ગયા હતાં. તેઓ લાંચ આપવા ઇચ્‍છતા ન હોઇ રાજકોટ એસીબી  કચેરીનો સંપર્ક કર્યો હતો. મદદનીશ નિયામક એન. કે. ગોહિલની સુચના અનુસાર પીઆઇ આર. આર. સોલંકી અને તેમની ટીમે લાંચનું છટકુ ગોઠવ્‍યું હતું. નક્કી થયા મુજબ નિવૃત શિક્ષક કાકા-ભત્રીજાના ઘરે બે લાખની રોકડ લઇ વાણીયાવાડીમાં પહોંચી ગયા હતાં.

અહિ કાકો-ભત્રીજો બંને હાજર હતાં. વાતચીત કર્યા બાદ લાંચની રકમ બે લાખ સ્‍વીકારી હતી એ સાથે જ અગાઉથી વોચમાં રહેલા એસીબીના અધિકારી અને સ્‍ટાફે  આ બંનેને લાંચની રકમ સાથે રંગેહાથ દબોચી લઇ એસીબી પોલીસ સ્‍ટેશનમાં ગુનો દાખલ કરાવી કાર્યવાહી કરી હતી. મોરબી એસીબીની ટીમે પણ રાજકોટ પહોંચી આ બંનેના ઘરની જડતી લીધી હતી પણ કંઇ વાંધાજનક મળ્‍યું નહોતું. આગળની તપાસ સુરેન્‍દ્રનગર એસીબીની ટીમે હાથ ધરી છે. આ બનાવે સમગ્ર રાજકોટ જીલ્લામાં ચકચાર જગાવી દીધી છે. (૧૪.૫)

(2:17 PM IST)