<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

શાપર પાસે ફેક્‍ટરીમાં બોઇલર ફાટતાં સંચાલક રાજકોટના ભરત કાકડીયાનું મોતઃ ૩ દાઝ્‍યા

તેના ભાઇ, ભાગીદાર અને યુપીના કારીગર દાઝ્‍યાઃ ગોલ્‍ડન ગેઇટ-૨માં પ્રિસીઝન કાસ્‍ટમાં બનાવઃ મૃત્‍યુ પામનાર ૨૭ વર્ષિય સંચાલક મોરબી રોડ પર શિવમ્‌ પાર્કમાં રહેતાં હતાં: પરિવારમાં ગમગીની

મોતને ભેટેલા ભરતભાઇ કાકડીયાનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો,  કારીગર પ્રદ્યુમન રજપૂત અને વિગતો જણાવતાં મૃતક ભરતભાઇના ભાઇ જયેશભાઇ કાકડીયા જોઇ શકાય છે (ફોટોઃ અભિજીત બગથરીયા)

રાજકોટ તા. ૧૦: જીલ્લાના શાપર ગામથી આગળ ગોલ્‍ડન ગેઇટ-૨માં આવેલી ડાઇ કાસ્‍ટીંગની ફેક્‍ટરીમાં રાતે બોઇલર ફાટતાં આગ ભભૂકતાં નાસભાગ મચી ગઇ હતી. જો કે આ દૂર્ઘટનામાં ગંભીર રીતે દાઝી જતાં ફેક્‍ટરી સંચાલક રાજકોટ રહેતાં ૨૭ વર્ષના યુવાનનું મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. જ્‍યારે તેના ભાઇ, ભાગીદાર અને યુપીના એક કારીગર દાઝી જતાં સારવાર માટે ખસેડાયા હતાં.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ શાપરથી આળગ ગોલ્‍ડન ગેઇટ-૨માં આવેલી પ્રિસીઝન એલોયકાસ્‍ટ નામની ફેક્‍ટરીમાં રાતે રાતપાળીમાં કારીગરો ડાઇ કાસ્‍ટીંગનું કામ કરી રહ્યા હતાં. આ વખતે બોઇલરમાં ઓઇલ લીકેજને કારણે કે અન્‍ય કારણોસર આગ ભભૂકતાં અને બોઇલર ફાટતાં કર્મચારી મુળ યુપીના હાલ શાપર રહેતાં પ્રદ્યુમન રામકુવાલ રજપૂત (ઉ.વ.૨૩) લપેટમાં આવી જતાં દાઝી ગયો હતો. તેની સાથે આ ફેક્‍ટરીના સંચાલક-ભાગીદાર રાજકોટ મોરબી રોડ શિવમ્‌ પાર્કમાં રહેતાં ભરતભાઇ ધીરૂભાઇ કાકડીયા (ઉ.વ.૨૭) તેમજ તેના ભાઇ જયેશભાઇ ધીરૂભાઇ કાકડીયા (ઉ.વ.૨૪) અને ભાગીદાર પિયુષભાઇ ગોરધનભાઇ પીપળીયા (ઉ.વ.૩૫) પણ દાઝી ગયા હતાં.

ચારેયને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. જેમાં ફેક્‍ટરી સંચાલક ભરતભાઇ કાકડીયાનું ખાનગી હોસ્‍પિટલમાં મૃત્‍યુ થયું હતું. તેમના ભાઇ જયેશભાઇને પ્રાથમિક સારવાર અપાઇ હતી. જ્‍યારે ભાગીદાર પિયુષભાઇ પીપળીયાને દાખલ કરાયા હતાં. તેમજ કારીગર યુપીના પ્રદ્યુમન રજપૂતને વધુ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, ધર્મેન્‍દ્રભાઇ હુદડ, તોૈફિકભાઇ, શક્‍તિસિંહે લોધીકા પોલીસને કરતાં ગોપાલભાઇ સહિતે કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર ભરતભાઇ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક પુત્ર છે. તેઓ પિયુષભાઇ સાથે ભાગીદારમાં ફેક્‍ટરી ચલાવતાં હતાં. તેમના પિતા હયાત ન હોઇ પોતે પરિવારનો આધારસ્‍તંભ હતાં. દૂર્ઘટનામાં તેમનો ભોગ લેવાઇ જતાં કાકડીયા પરિવારમાં કલ્‍પાંત સર્જાયો હતો. લોધીકા પોલીસે વધુ તપાસ યથાવત રાખી છે. (૧૪.૬)

(2:18 PM IST)