News of Tuesday, 10th June 2025
દાસી જીવણપરામાંથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે હાર્દિક ભટ્ટ ઝડપાયો
લક્ષ્મીનગરના શખ્સને એલસીબી ઝોન-૨ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે પકડી લીધોઃ રાજસ્થાન તરફથી લાવ્યાનું રટણ

રાજકોટ તા. ૧૦: દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા એલસીબી ઝોન-૨ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે નાના મવા રોડ દાસી જીવણપરામાંથી દારૂનો જથ્થો ભરેલી કાર સાથે લક્ષ્મીનગરના શખ્સને પકડી લીધો હતો. પોતે રાજસ્થાન તરફથી આ જથ્થો ભરી લાવ્યાનું રટણ કરતો હોઇ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે માહિતી મળતાં નાના મવા રોડ દાસી જીવણપરા પાસે બંધ શેરીમાં પ્રાઇમ હોસ્પિટલ પાસે વોચ રાખી જીજે૦૧કેડી-૫૦૧૪ નંબરની હુન્ડાઇ કાર આંતરી લઇ તપાસ કરતાં તેમાંથી રૂા. ૩૧૨૦૦ની દારૂની ચોવીસ બોટલો મળી આવતાં ચાલક હાર્દિક ભુપતભાઇ ભટ્ટ (ઉ.વ.૨૭-રહે. લક્ષ્મીનગર-૩, નવજીવન મકાન સામે, નાના મવા રોડ)ને પકડી લઇ દારૂ, કાર મળી રૂા. ૧,૫૬,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસના કહેવા મુજબ હાર્દિક અગાઉ પણ માલવીયાનગરમાં મારામારીના ગુનામાં પકડાયો હતો. પોતે હાલ છુટક મજૂરી કરે છે અને રાજસ્થાન તરફથી દારૂ લાવ્યાનું રટણ કરે છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી જગદીશ બાંગરવાની સુચના અનુસાર પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, આર. વી. મિયાત્રા, હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા, ધર્મરાજસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી.
(2:11 PM IST)










