તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
દેણુ થઇ જતાં મવડી રોડના અર્જુન જ્વેલર્સમાંથી કર્મચારીએ ચોર્યા રૂા.૨૫.૬૨ લાખના દાગીના
દાગીનાના સ્ટોકમાં ઘટ આવતાં સીસીટીવી કેમેરા ચેક થતાં નૈમિષ જાનીની કરતૂત સામે આવીઃ શેઠ સમક્ષ કબુલાત આપીઃ દાગીના સોની બજારમાં વેંચી દીધાનું રટણઃ તાલુકા પોલીસે ગુનો નોંધી દાખલ કરી તપાસ શરૂ કરી

રાજકોટ તા. ૧૦: શહેરના મવડી રોડ પર આવેલા અર્જુન જ્વેલર્સ નામના શો રૂમમાંથી રૂા. ૨૫,૬૨,૫૦૦ના સોનાના દાગીના ચોરાઇ જતાં તાલુકા પોલીસને જાણ કરવામાં આવી છે. આ ચોરી શો રૂમમાં જ હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે નોકરી કરતાં કર્મચારીએ કરી હોવાનું ખુલતાં તાલુકા પોલીસે તેને સકંજામાં લેવા અને ચોરેલા દાગીના કબ્જે કરવા તજવીજ શરૂ કરી છે. કર્મચારીએ પોતે દેણામાં આવી ગયો હોવાથી દાગીના કટકે કટકે ચોરી સોની બજારમાં વેંચી નાખ્યાનું રટણ કર્યુ હતું. તેની કરતુતો સીસીટીવી કેમેરામાં પણ કેદ થઇ હતી.
આ બનાવ અંગે તાલુકા પોલીસે મોટા મવા સ્મશાન પાસે ફિલ્ડ માર્શલ રોડ પર આંગન ગ્રીન સીટી બ્લોક નં. ૫૨માં રહેતાં અને મવડી રોડ પર સાતેક વર્ષથી અર્જુન જ્વેલર્સ પ્રા.લિ. નામે સોના-ચાંદીના રીટેલ વેપારના શો રૂમમાં મેનેજર તરીકે નોકરી કરતાં હિતેષભાઇ બાવનજીભાઇ વસોયા (ઉ.વ.૪૧)ની ફરિયાદ પરથી શો રૂમમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે નોકરી કરતાં નૈમિષ વિજયભાઇ જાની વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
હિતેશભાઈ ફરિયાદમાં જણાવ્યું છે કે અમારા શો રૂમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટમાં નૈમિષ જાની તથા યશ ઠુમ્મર ફરજ બજાવે છે. ગતતા. ૨૨/૫ના અર્જુન જ્વેલર્સનું સ્ટોકનું કામ યશભાઈ ઠુમ્મર સંભાળતા હોઇ તેમણે સ્ટોક ચેક કરતા શોરૂમની તિજોરીમાં જોતા એક પ્લાસ્ટિકના પાઉચમાં રાખેલ સોનાના દાગીના જેમાં સોનાના ત્રણ ચેન જેમાં એક ચેન ૮૦ ગ્રામનો હોઇ જેમાંથી એક ભાગ જે આશરે ૧૩.૫ ગ્રામનો ચેઇન પાઉચમાં પડ્યો છે તથા બીજો ભાગ ૬૮.૫ ગ્રામનો ચેઇન જેની કિંમત રૂપિયા ૬.૯૭ લાખ તથા બીજા બે ચેઇન જે ૨૪-૨૪ ગ્રામના એમ કુલ બે ચેઇન ૪૮ ગ્રામના જેની કિંમત રૂપિયા ૪.૮૭ લાખ હોઇ તે તથા સોનાની ત્રણ વીંટી જે આશરે ૧૬.૫ ગ્રામની એમ કુલ ત્રણ વીંટીના રૂપિયા ૪.૨૮ લાખ, સોનાની માળા ૧.૭૨ લાખ, હાથમાં પહેરવાની રિંગ રૂ. ૭૫,૫૦૦, સોનાનું પેન્ડલ ૧.૭૫ લાખ, બ્રેસલેટ ૫.૨૮ લાખ એમ કુલ ૧૦ નંગ સોનાના દાગીના જેની કિંમત રૂ. ૨૫,૬૨,૫૦૦ છે તે જોવા મળ્યા ન હતા.
જેથી આ બાબતે શોરૂમની કોર ટીમને વાત કરી હતી. ત્યારબાદ ફરિયાદીએ તેમના સ્ટાફની પૂછપરછ કરી હતી પરંતુ આ ચોરી થયેલ સોનાના દાગીના બાબતે કંઈ જાણવા મળ્યું ન હતું. ત્યારબાદ તા. ૬/૬/૨૦૨૫ ના શોરૂમના સીસીટીવી ફૂટેજ ચેક કરતા તારીખ ૧૫/૩/૨૦૨૫ ના લોકરની બાજુમાં કેસ કાઉન્ટર પર મુકેલ પ્લાસ્ટિકના ડબ્બામાં પ્લાસ્ટિકના પાઉચમાં રહેલા દાગીના પૈકી અમુક દાગીના શો રૂમમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે નોકરી કરનાર નૈમીશ જાની ચોરી કરી ગયાનુ નજરે પડ્યું હતું. જેથી તા.૭/૬/૨૦૨૫ ના નૈમિશને ચોરીના દાગીના બાબતે પૂછતા તેણે કબુલાત આપી હતી કે મારે દેણું થઈ ગયું હોય જેથી મેં સોનાના દાગીના ચોરી કર્યા છે. આ બાબતે શોરૂમના માલિક મનીષભાઈને વાત કરી હતી.
બાદમાં શોરૂમ માલિક મનીષભાઈએ નૈમિશને વાતચીત કરવા શોરૂમે બોલાવતા તેને દાગીના બાબતે પુછપરછ કરતા આશરે ૨૫,૬૨,૫૦૦ ના સોનાના દાગીના કટકે કટકે ચોરી કર્યાનું જણાવ્યું હતું. જેથી તેને આ દાગીના પરત આપી દેવાનું કહેતા તેણે ચોરી અંગે રૂપિયા ૨૫ લાખનું લખાણ કરી જેમાં સહી કરી આપી હતી. બાદમાં આ બાબતે શોરૂમના મેનેજર દ્વારા અહીં શોરૂમના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ નૈમીષ વિજયભાઈ જાની સામે તિજોરીમાં મુકેલ ૨૫૨ ગ્રામ ૧૦ નંગ સોનાના દાગીના કિંમત રૂપિયા ૨૫,૬૨,૫૦૦ ની તારીખ ૧૫/૪/૨૦૨૪થી તારીખ ૧૫/૩/૨૦૨૫ ના સમય દરમિયાન ચોરી કર્યા અંગે આ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં પીએસઆઇ એસ. પી. ચોૈહાણે ગુનો નોંધી આરોપીની પુછતાછ શરૂ કરી છે. તેણે દાગીના સોની બજારમાં વેંચી માર્યાનું રટણ કર્યુ હોઇ ખરાઇ કરવા તજવીજ થઇ રહી છે.
(4:02 PM IST)










