તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th June 2025
શાપરના પારડીમાં પ્રેમસંબંધના મનદુઃખમાં હિતેષ રાઠોડ અને તેના પિતા પર હુમલો
હિતેષ જેને પ્રેમ કરતો હતો એ યુવતિએ અગાઉ આપઘાત કરી લેતાં ત્યારથી ડખ્ખો ચાલતો હતો

રાજકોટ તા. ૧૦: શાપર વેરાવળના પારડી ગામે ગાયત્રી પાર્કમાં રહેતાં અને સેન્ટીંગ કામની મજૂરી કરતાં હિતેષ ચંદ્રકાંતભાઇ રાઠોડ (ઉ.વ.૨૯) પર રાતે ઘર નજીક ગામના જ શખ્સોએ ધોકા, છરીથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં દેકારો મચી ગયો હતો. અવાજ સાંભળી પિતા ચંદ્રકાંતભાઇ દયાળજીભાઇ રાઠોડ (ઉ.વ.૬૨) છોડાવવા માટે દોડતાં તેના ઉપર પણ હુમલો કરાયો હતો.
હિતેષ અને તેના પિતાને લોહીલુહાણ હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, તોૈફિકભાઇ, ધર્મેન્દ્રભાઇ, શક્તિસિંહ સહિતે શાપર પોલીસને જાણ કરી હતી. હિતેષના કહેવા મુજબ પોતાના છુટાછેડા થઇ ગયા છે. અગાઉ પોતે એક પરિણીતાને પ્રેમ કરતો હતો. બે મહિના પહેલા તેણીએ આપઘાત કરી લીધો હતો. આ પછી તેણીના માવતર પક્ષના લોકો સાથે પોતાને મનદુઃખ ચાલતું હોઇ તેનો ખાર રાખી આ હુમલો કરાયો હતો. હસુ, હર્ષદ, અભી, મિલન સહિતે હુમલો કર્યો હોવાનું હિતેષે કહેતાં હોસ્પિટલ પોલીસ ચોકીના ચોપડામાં આ મુજબની પ્રાથમિક નોંધ થઇ હતી. શાપર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(3:46 PM IST)










