News of Tuesday, 10th June 2025
અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક : પૂજા રાજગોરે DCP, PI, LCBના 15 અધિકારી અને 2 મહિલા PSI સામે કોર્ટમાં ફરિયાદ નોંધાવી
પૂજા રાજગોરે લખ્યું કે ડીસીપીએ અમારા મોબાઇલ લઈ લીધા અને કહ્યું કે તમે બંને કબૂલી લો કે અમિત ખૂંટને તમે હનીટ્રેપમાં ફસાવ્યો છે. બાકી તમારા બંને વિરુદ્ધ એવો કેસ બનાવીશ કે આખી જિંદગી બહાર નહીં નીકળી શકો.

રાજકોટ: અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં સ્યુસાઇડ નોટમાં જેના પર હનીટ્રેપનો આરોપ છે તે પૂજા રાજગોરે રાજકોટ જે.એમ.એફ. કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. પૂજા રાજગોરે DCP જગદીશ બાંગરવા, રાજકોટ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના PI, LCB સ્ટાફના 15 અધિકારી અને 2 મહિલા PSI વિરુદ્ધ રાજકોટ કોર્ટમાં ફરિયાદ કરી છે. ફરિયાદ ઉચ્ચ હોદ્દા ધરાવતા પોલીસ અધિકારીઓ વિરુદ્ધની હોવાથી નિષ્પક્ષ તપાસ માટે ફરિયાદની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપવામાં આવે તેવી માગ કરી છે. હાલ પૂજા ગોંડલ સબજેલમાં કાચા કામના કેદી તરીકે જયુડિશિયલ કસ્ટડીમાં છે.
પૂજા રાજગોરે ફરિયાદમાં લખ્યું કે "ડીસીપીએ અમને ધમકી આપી હતી કે તમે બંનેએ કરેલા કાંડને કારણે જ અમિત ખૂંટે આત્મહત્યા કરી છે. તમે બંને આમાં ફસાઈ જવાના છો અને સતત અમને કહ્યું કે તમને એવા ફિટ કરવા છે કે તમે આખી જિંદગી બહાર નીકળી નહીં શકો. ત્યાં ડીસીપીએ અમારા મોબાઇલ લઈ લીધા હતા અને કહ્યું કે તમે બંને કબૂલી લો કે અમિત ખૂંટને તમે હનીટ્રેપમાં ફસાવ્યો છે. બાકી તમારા બંને વિરુદ્ધ એવો કેસ બનાવીશ કે આખી જિંદગી બહાર નહીં નીકળી શકો."
(7:36 PM IST)










