તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
તારા વાળ બહુ લાંબા છે, આવા ન ચાલે...કૃણાલને ગામના ચોકમાં ઘુસ્તાવી વાળ કાપી નાંખ્યા!
ગોંડલના સડક પીપળીયાનો બનાવઃ યુવાન શીખંડ લેવા નીકળ્યો ત્યારે સંતિષ, માર્કંડ, પ્રયાગે આંતરી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કર્યાનો પણ આક્ષેપ

રાજકોટ તા. ૧૨: ગોંડલના સડક પીપળીયા ગામે રહેતાં અને કારખાનામાં નોકરી કરતાં કૃણાલ મેઘજીભાઇ મારૂ (ઉ.વ.૨૧) નામના યુવાનને સાંજે સાડા આઠેક વાગ્યે તે ઘરેથી ચાલીને ગામની ડેરીએ શીખંડ લેવા જતો હતો ત્યારે રસ્તામાં સતિષ, માર્કંડ અને પ્રયાગ નામના શખ્સોએ તેને ઉભો રાખી ‘તે વાળ આટલા બધા લાંબા કેમ રાખ્યા છે? આવા વાળ નહિ રાખવાના' તેમ કહી ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી તેમજ ગામના એક વાળંદની બોલાવી ચોકમાં જ કૃણાલના માથાના પાછળના કેટલાક વાળ કાપી નાંખ્યા હતાં. મુંઢ ઇજાઓ થતાં આ યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડાયો છે.
બનાવની જાણ હોસ્પિટલ પોલીસ ચોકીના રામશીભાઇ, મહેન્દ્રભાઇ, તોૈફિકભાઇ, શક્તિસિંહ, ધર્મેન્દ્રભાઇએ ગોંડલ તાલુકા પોલીસને કરી હતી. કૃણાલે જણાવ્યું હતું કે પોતે કારખાનામાં કામ કરે છે. સાંજે ઘરેથી શીખંડ લેવા નીકળ્યો ત્યારે સતિષ સહિતના ત્રણ શખ્સો નશો કર્યો હોય તેવી હાલતમાં હતાં. તેણે મને ઉભો રાખ્યો હતો અને મારા વાળ લાંબા હોઇ તે બાબતે મને જેમતેમ બોલી જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી ગાળો દેતાં ગાળો બોલવાની ના પાડતાં માર માર્યો હતો. બાદમાં ગામના વાળંદને બોલાવી ચોકમાં જ મારા વાળ કપાવી નાંખ્યા હતાં. આ વખતે મારો મિત્ર આવી જતાં મને છોડાવ્યો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
(2:47 PM IST)










