<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 12th June 2025

લક્ષમણ ટાઉનશીપમાં દૂધના ધંધાર્થી બે ભાઇઓ રવિ, વિજય પર વિશાલ ઉર્ફ ટકાનો છરીથી હુમલોઃ ધમકી

વાંકાનેર વિનયગઢના બંને ભાઇઓને વિશાલે તમારે દૂધના પૈસા લાલા પાસેથી લેવાના છે એ તેની પાસે ન માંગતા કહી ગાળો દઇ દૂધ વેંચવાની ના પાડી ઘા કર્યાની તાલુકા પોલીસમાં ફરિયાદ

રાજકોટ તા. ૧૨: વાંકાનેરના વીનયગઢ ગામના બે ભાઇઓ પશુપાલન અને દૂધનો ધંધો કરતાં હોઇ રાજકોટ અલગ અલગ ગ્રાહકોને દૂધ આપવા આવતાં હોઇ તેમને કાલાવડ રોડ લક્ષમણ ટાઉનશીપમાં રહેતાં એક ગ્રાહક પાસેથી પૈસા લેવાના હોઇ આ બાબતે ટાઉનશીપમાં જ રહેતાં અન્‍ય શખ્‍સે તમારે તેની પાસેથી નહિ મારી પાસેથી પૈસા લેવાના છે તેમ કહેતાં બંને ભાઇ તેની પાસે પૈસા લેવા જતાં ઢીકાપાટુનો માર મારી તેમજ એક ભાઇને છરી ઝીંકી દઇ હવે પછી અહિ દૂધ વેંચવા આવતાં નહિ કહી ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

આ અંગે તાલુકા પોલીસે વાંકાનેરના વીનયગઢના રવિ બીજલભાઇ ડોંડા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી રાજકોટ લક્ષમણ ટાઉનશીપમાં રહેતાં વિશાલ ઉર્ફ ટકો મરાઠી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

વિશાલ પરિવાર સાથે રહે છે અને માલઢોર, દૂધનો ધંધો કરે છે. તેનો નાનો ભાઇ વિજય તેના ગામથી વાહનમાં દૂધ ભરી રાજકોટ ખાતે અલગ અલગ સ્‍થળે દૂધ આપવા જાય છે. વિશાલે વધુમાં જણાવ્‍યું હતું કે મારા ભાઇ વિજયને તે લક્ષ્મણ ટાઉનશીપમાં ગ્રાહક લાલાભાઇ પાસેથી હિસાબના પૈસા લેવાના હોઇ ત્‍યાં જતાં અહિ જ રહેતાં વિશાલ ઉર્ફ ટકાએ તું લાલા પાસેથી પૈસા માંગતો નહિ, હું ઇ-વીંગમાં રહુ છું અને ત્‍યાં આવીને પૈસા લઇ જજે. આમ કહી ધમકી આપી હતી.

આ પછી બુધવારે હું અને મારો ભાઇ વિજય બંને લક્ષમણ ટાઉનશીપમાં ઇ-વીંગમાં જતાં પગથીયા પાસે વિશાલ ઉભો હોઇ અમને ગાળો દઇ લાલા પાસે પૈસાની ઉઘરાણી કેમ કરો છો? હવે આ ટાઉનશીપમાં દૂધ આપવા આવતા નહિ કહી ગાળો દેતાં ના પાડતાં તેણે બંને ભાઇઓ સાથે ઝપાઝપી કરી ઢીકાપાટા માર્યા હતાં. બાદમાં વિશાલે નેફામાંથી છરી કાઢી મારા ભાઇને પડખામાં એક ઘા મારી દીધો હતો. મેં તેને વધુ મારથી બચાવ્‍યો હતો. દેકારો મચી જતાં માણસો ભેગા થઇ જતાં વિશાલ ભાગી ગયો હતો. મારા ભાઇને ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરતાં ઓપરેશનમાં લઇ જવાયો હતો. તે બેભાન હોઇ જેથી મારે ફરિયાદ નોંધાવવી પડી હતી. તાલુકા એએસઆઇ કેલ્‍વીનભાઇ પી. સાગરે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 

(2:56 PM IST)