તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
તેલના ડબ્બાની અંદર સ્કોચ-વ્હીસ્કીના ‘ચપલા' છુપાવી ગોવાથી લાવ્યોઃ પેડક રોડનો ચંદુ ઝડપાયો
એલસીબી ઝોન-૧ના બી. વી. ચુડાસમા, મનરૂપગીરી, ભરતભાઇની ટીમનો પેડક રોડ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં દરોડોઃ સત્યજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા અને રવિરાજભાઇ પટગીરની બાતમી

રાજકોટ તા. ૧૨: શહેર એલસીબી ઝોન-૧ ટીમે પેડક રોડ સેટેલાઇટ ચોક બોમ્બે સુપર હાઇટ્સ-૧ના પાર્કિંગમાં દરોડો પાડી ચંદુ ઉર્ફ સંજય લક્ષમણભાઇ ટોપીયા (ઉ.વ.૫૨-રહે. બોમ્બે સુપર હાઇટ્સ- ફલેટ નં. ૫૦૨)ને રૂા. ૬૭ હજારના દારૂના જથ્થા સાથે ઝડપી લઇ હોન્ડા કાર જીજે૦૩એનબી-૫૯૯૩ કિંમત રૂા. પાંચ લાખની પણ કબ્જે કરી છે. આ શખ્સે પોલીસથી બચવા તેલના ખાલી ડબ્બાની અંદર દારૂના ચપલાનો જથ્થો છુપાવ્યો હતો અને ગોવાથી ડીકીમાં આ ડબ્બા ભરી રાજકોટ લાવ્યો હતો. પરંતુ દારૂ વેંચે એ પહેલા પકડી લેવાયો હતો.
ટીમ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા પેટ્રોલીંગમાં હતી ત્યારે કોન્સ. રવ્રિાજભાઇ પટગીર, દિવ્યરાજસિંહ જાડેજા અને સત્યજીતસિંહ જાડેજાને બાતમી મળતાં દરોડો પાડી ચંદુને ઝડપી લીધો હતો. તેની પાસેની કારમાંથી બ્લેક એન્ડ વ્હાઇટ સ્કોચના ૧૮૦ એમએલના ૨૮૮૦૦ના ૯૬ ચપલા, બ્લેક ડોગના ૧૮૦ એમએલના ૧૪૪૦૦ના ૪૮ ચપલા, બ્રોકન હાર્ટ ગ્વાવા વોડકાના ૧૮૦ એમએલના ૧૪૪૦૦ના ૪૮ ચપલા, વેટ-૬૯ના ૧૮૦ એમએલના ૧૪૪૦૦ના ૪૮ ચપલા મળી આવતાં તે તથા કાર, મોબાઇલ મળી ૫,૬૭,૪૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલો ચંદુ ઉર્ફ સંજય અગાઉ પણ ડીસીબી, બી-ડિવીઝન, આજીડેમમાં દારૂના છ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. ઇન્ચાર્જ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડીસીપી સજ્જનસિંહ પરમારની સુચના અંતર્ગત પીએસઆઇ બી. વી. ચુડાસમા,એએસઆઇ મનરૂપગીરી ગોસ્વામી, ભરતભાઇ વાઘેલા, હેડકોન્સ. હિતેષભાઇ પરમાર, કોન્સ. રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ જાડેજાએ આ કામગીરી કરી હતી. આશખ્સે પોતે ગોવાથી આ દારૂ લાવ્યાનું કહ્યું હતું. પોલીસે કારની ડેકી ખોલી જોતાં તેમાં તેલના ડબ્બા મળ્યા હતાં. આ ડબ્બા અંદરથી દારૂના ચપલાનો જથ્થો મળી આવ્યો હતો.
(4:03 PM IST)










