તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
ગ્રામ પંચાયત ચૂંટણીઃ રાજકોટ જીલ્લાની ૩૮ ગ્રામ પંચાયતો બિનહરીફ
કાલે તમામ પ્રાંતની ગાંધીનગરમાં તાલીમઃ કાલની R.O. મીટીંગ રદ્દઃ હવે ૧૭મીએ યોજાશે... :હવે સરપંચ માટે ૧૦૭ તો સભ્યો માટે પ૮૮ ઉમેદવારો મેદાનમાં: રપ૦૦નો પોલીંગ સ્ટાફ

રાજકોટ તા. ૧રઃ રાજકોટ જિલ્લામાં આગામી ૨૨ જૂન, ૨૦૨૫ ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કુલ ૬૪ ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, સરપંચ પદ માટે કુલ ૧૯૧ ફોર્મ ભરવામાં આવ્યા હતા. જેમાંથી ૨ ફોર્મ અમાન્ય ઠર્યા હતા, જ્યારે ૧૮૯ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા. સભ્ય પદ માટે કુલ ૯૦૮ ફોર્મ ભરાયા હતા , જેમાંથી ૫ ફોર્મ અમાન્ય અને ૯૦૩ ફોર્મ માન્ય જાહેર કરાયા હતા. ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા બાદ, સરપંચ પદ માટે ૬૨ ઉમેદવારોએ અને સભ્ય પદ માટે ૪૪ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા.આખરી યાદી મુજબ, ૨૦ ગ્રામ પંચાયતોના સરપંચ બિનહરીફ જાહેર થયા છે. જ્યારે ૨૭૧ સભ્યો બિનહરીફ થયા છે. આ સાથે, કુલ ૩૮ ગ્રામ પંચાયતો બિનહરીફ થઈ છે.
હવે ૨૨ જૂનના રોજ યોજાનાર મતદાનમાં, સરપંચ પદ માટે ૧૦૭ ઉમેદવારો અને સભ્ય પદ માટે ૫૮૮ ઉમેદવારો હરીફાઈમાં છે. જિલ્લાના કુલ ૨.૨૬ લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પ્રક્રિયા સુચારુરૂપે પાર પડે તે માટે, ૨૫૦૦ પોલિંગ સ્ટાફ તૈનાત કરવામાં આવશે. સંવેદનશીલ બૂથો પર પોલીસ તંત્ર દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.
આવતીકાલથી ગાંધીનગર ખાતે ચૂંટણી પંચ દ્વારા પ્રાંત અધિકારીઓની ચૂંટણીલક્ષી બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટના પ્રાંત અધિકારીઓ પણ ભાગ લેશે. આ તાલીમને કારણે આવતીકાલે યોજાનાર R.O. મીટીંગ પણ રદ્દ કરાઇ છે.
(3:01 PM IST)










