તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
રાજ્યભરમાં ઇ-ઓળખનું સર્વર સવા કલાક ધબાય નમઃ દાખલા ન નીકળ્યા
કચેરી ખૂલ્યા બાદ તરંત જ સર્વરમાં ખામી સર્જાતા જન્મ-મરણ નોંધ માટે આવેલ અરજદારોને ભારે હાલાકીઃ લાંબી લાઇનો

રાજકોટ,તા.૧૨: રાજ્યભરમાં આજે સવારે સરકારી કચેરીઓ ખૂલ્યા બાદ ગણતરીની મિનિટોમાં જન્મ અને મરણના દાખલાની કામગીરી માટેનું ઇ-ઓળખ સર્વર ઠપ્પ થઇ જવાના કારણે જન્મ-મરણના દાખલાને લગતી કામગીરી સવા કલાક સુધી બંધ પડી જવા પામી હતી. અરજદારોમાં ભારે દેકારો બોલી ગયો હતો. જો કે, અન્ય કામગીરી પર કોઇ અસર પડી ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ અંગે કોર્પોરેશનના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારે અંદાજે ૧૦:૪૫ કલાકે રાજ્યભરમાં જન્મ-મરણના સર્ટિફીકેટ માટેનું ઇ-ઓળખ સર્વર ઠપ્પ થઇ ગયું હતું. ટેકનીકલ સમસ્યાના કારણે સર્વર ઠપ્પ થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદાજે સવા કલાક સુધી ઇ-ઓળખનું સર્વર ઠપ્પ થવાના કારણે કોર્પોરેશનના સિવિક સેન્ટર ખાતે અરજદારોની લાંબી-લાંબી કતારો લાગી ગઇ હતી. એક તરફ આકાશમાંથી અગનવર્ષા થઇ રહી છે.
બીજી તરફ કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતાં જન્મ-મરણના દાખલા મળતા ન હોવાના કારણે અરજદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સવા કલાક સુધી માત્ર રાજકોટ જ નહિં પરંતુ રાજ્યભરમાં જન્મ-મરણ સર્ટિફીકેટને લગતી મોટાભાગની કામગીરી બંધ રહી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ બાળકના આધાર કાર્ડ માટે જન્મના દાખલામાં પુરૂં નામ હોવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. જેના કારણે જન્મના દાખલામાં સુધારો કરવા માટે લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. કીટ પણ વધારવામાં આવી છે અને લોકો માટે બેસવાની અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આવામાં આજે સતત સવા કલાક સુધી ઇ-ઓળખનું સર્વર બંધ રહેવાના કારણે અરજદારોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ જન્મ અને મરણના સર્ટિફીકેટ માટે કોર્પોરેશનનું પોતીકું સર્વર હતું. જેના કારણે કોઇ મુસિબત સર્જાતી ન હતી.
પરંતુ હવે રાજ્ય સરકાર દ્વારા સેન્ટ્રલાઇઝ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને નવું ઇ-ઓળખ સિસ્ટમ શરૂ કરાઇ છે. જેનું સર્વર વારંવાર ડાઉન થવાના કારણે લોકોએ હાલાકી વેઠવી પડે છે.
(3:22 PM IST)










