તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 12th June 2025
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ૧૯૦ કાયમી જગ્યાઓ માટે ભરતીની સરકારની મંજૂરી
કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતની વર્ષભેર ચલાવેલી રજૂઆતનો પડઘો

રાજકોટ, તા. ૧રઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા ઘણા સમયથી શૈક્ષણિક અને બિન શૈક્ષણિક ખાલી જગ્યાઓના કારણે વહીવટ અને શિક્ષણકાર્ય પર સીધી અસર પડી રહી હતી. ૩૭૨ મંજૂર પદો સામે ફક્ત ૧૫૪ જગ્યાઓ પર કાયમી ભરતી થઈ હતી જ્યારે ૨૧૮ જગ્યાઓ લાંબા સમયથી ખાલી હતી. આવી સ્થિતિમાં આઉટર્સોસિંગ એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ દ્વારા કામ ચલાવવામાં આવતું હતું.
વિદ્યાર્થી હિતને ધ્યાનમાં રાખી આ મહત્વની જગ્યાઓ ભરાવા માટે કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે છેલ્લા એક વર્ષથી સતત પ્રયાસો હાથ ધર્યા હતા. આરટીઆઈ મારફતે સ્પષ્ટ માહિતી મેળવીને યુનિવર્સિટીમા ખાલી પડેલી અધધ જગ્યાઓને મીડિયાના માધ્યમોથી ઉજાગર કરીને રાજ્યસરકાર સમક્ષ વિવિધ સ્તરે રજૂઆતો કરવામાં આવી હતી. છેલ્લે તા. ૨૫ માર્ચ, ૨૦૨૫ ના વિધાનસભામાં વિરોધપક્ષના નેતા અમિતભાઈ ચાવડાના માધ્યમથી આ મુદ્દે રાજ્ય સરકાર સમક્ષ તાકિદપૂર્વક રજૂઆત થઈ હતી.
વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે, વિદ્યાર્થીઓને મજબૂત શૈક્ષણિક અને વહીવટી માળખું મળે એ માટે અમારી ટીમે સતત લડત આપી હતી. સરકાર દ્વારા આ મંજૂરી એક સકારાત્મક પગલું છે. ખાલી પડેલી જગ્યાઓમા ભરતી થશે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વહીવટી કામો ખૂબ ઝડપથી અને સરળતાથી થશે જેથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતોમા અનેક મુશ્કેલીઓનો ઉકેલ આવી શકશે. સરકારે ભરતીની જે સમય મર્યાદા નક્કી કરી છે તે પ્રમાણે ભરતી સુવ્યવસ્થિત અને પારદર્શકતાથી તાકીદે કરવા અમે આશા રાખી છે.
(3:23 PM IST)










