News of Friday, 13th June 2025
કાલે વિશ્વ રકતદાતા દિવસ - ‘‘રકત આપો, આશા આપો : મળીને જીવન બચાવીએ''

દર વર્ષે ૧૪ મી જૂને વિશ્વ રકતદાતા દિવસ ઉજવાઇ રહ્યો છે. જેનો હેતુ સ્વૈચ્છિક રકતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવવી અને રકતદાતાઓના જીવનદાયી યોગદાનને માન્યતા આપવી. આ વર્ષની થીમ ‘રકત આપો, આશા આપો : મળીને જીવન બચાવીએ'. સ્વચ્છ અને સલામત રકતના મહત્વ પર ભાર આપે છે. કારણ કે જીવન બચાવવાનો એકમાત્ર વિકલ્પ સમયસર મળતું શુધ્ધ રકત છે.
રાજકોટ સહિત સમગ્ર દેશમાં તીવ્ર ઉકળાને કારણે રકતદાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને રકતની અછત સર્જાઇ છે. એવું છતાં આજના વૈજ્ઞાનિક યુગમાં પણ લોહીનોં કોઇ વિકલ્પ નથી. માત્ર માનવજાત જ માનવજાતને લોહી આપી શકે છે. થેલેસેમિયા, કેન્સર, સર્જરી કે અકસ્માત પીડિતોને સમયસર લોહી મળવું જીવનરક્ષક બની રહે છે.
રાજકોટનું ‘લાઇફ બ્લડ સેન્ટર' છેલ્લા ૪૭ વર્ષથી ગુણવત્તાયુકત રકતદાન સેવાઓમાં અગ્રેસર છે. NABH માન્યતા પ્રાપ્ત આ સંસ્થાએ અત્યાર સુધીમાં ૭.૫ લાખથી વધુ યુનિટ રકત આપી ૫૮૦૦ થી વધુ કેમ્પ આયોજીત કર્યા છે અને ૭ લાખથી વધુ થેલેસેમિયા પરીક્ષણ કર્યા છે.
વિશ્વ રકતદાતા દિવસ નિમિતે લાઇફ બ્લડ સેન્ટર તરફથી આવતીકાલે ૧૪મી જુને શનિવારે સવારે ૮ થી રાત્રીના ૯ સુધી રકતદાન માટે અપીલ કરવામાં આવી છે. રકતદાન માટે પત્રકાર મિત્રો, સેવાભાવી નાગરિકો, યુવા સંસ્થાઓ અને સોશ્યલ સંગઠનોને આમંત્રિત કરવામાં આવે છે કે તેઓ આ જીવનદાયી યજ્ઞમાં સહભાગી બની- જીવન બચાવવાની આ શક્તિમાન પ્રક્રિયામાં પોતાનું યોગદાન આપે.
તાજેતરમાં ૬ જૂનના રોજ ગુજરાત રાજયના માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલે પ્રોજેકટ ‘લાઇફ'ની મુલાકાત લીધેલી. જેમાં પ્રોજેકટ ‘લાઇફ' સંચાલિત લાઇફ બ્લડ સેન્ટર દ્વારા રકતદાન ક્ષેત્રે વિશાલ ફલક પર થતી પ્રવૃત્તિઓથી પ્રભાવિત થઇ પ્રસન્નતા વ્યકત કરી હતી. આ પ્રસંગે લોકો વધારેમાં વારે રકતદાન કરે અને માનવસેવાના કાર્યમાં સહભાગી થઇ લોકો જાગૃતતા કેળવવા અપીલ કરી હતી. આ ઉપરાંત મુખ્યમંત્રી શ્રી દ્વારા રાજય સરકારના આરોગ્ય વિભાગ અને પ્રોજેક ‘લાઇફ' સાથે મળીને થેલેસેમિયા ફ્રી ગુજરાત માટે ઝુંબેશ ચલાવે તેવી પણ અપીલ કરવામાં આવી છે.
આ અંગેની વધુ માહિતી માટે ફોન નં. + ૯૧ ૨૮૧ ૨૨૩૪૨૪૨ અથવા મો.નં. + ૯૧ ૮૫૧૧૨૨૧૧૨૨ ઉપર સંપર્ક કરવો.
-: સંકલન :-
મિતલ કોટિચા શાહ
જોઇન્ટ એક્ઝિકયુટીવ ટ્રસ્ટી અને સીઇઓ
(11:55 AM IST)










