News of Friday, 13th June 2025
રાજકોટની સંજના પર ચોટીલાખા ખેરડી ગામે પતિ,સસરા, દિયરનો હુમલોઃ હાથ ભાંગી નાંખ્યા
સાતેક મહિનાથી રિસામણે હોઇ પતિ નવઘણે સવારે ફોન કરી છુટાછેડાની વાત કરી અને રાતે બોલેરો લઇ રાજકોટથી ખેરડી પહોંચી ધમાલ મચાવી : વચ્ચે પડેલા બનેવી ભાદાભાઇ ગોહેલને પણ ઇજાઃ બંનેને સારવાર માટે

રાજકોટ તા. ૧૩: શહેરના જુના માર્કેટ યાર્ડ પાસે મંછાનગરમાં માવતર ધરાવતી અને માલધારી સોસાયટીમાં સાસરૂ ધરાવતીનામની પરિણીતા હાલ રિસામણે માવતરે હોઇ અહિથી બહેન-બનેવીના ઘરે ચોટીલાના ખેરડી ગામે ભીમ અગીયારસ કરવા ગયા બાદ ત્યાં જ રોકાઇ હોઇ પતિએ ગઇકાલે તેણીને ફોન કરી છુટાછેડાની વાત કર્યા બાદ રાતે બોલેરોમાં પોતાના પિતા, ભાઇ સહિતની સાથે ખેરડી જઇ પત્નિ પર લોખંડના પાઇપ-ધોકાથી હુમલો કરી બેફામ ફટકારી હાથ ભાંગી નાંખતાં અને વચ્ચે પડેલા તેણીના બનેવીને પણ ફટકારતાં બંનેને સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
મંછાનગરમાં સાસરૂ ધરાવતી સંજનાબેન નવઘણ રાજપરા (ઉ.વ.૨૩) ગત રાતે નવેક વાગ્યે ચોટીલાના કાળાસર નજીકના ખેરડી ગામે પોતાની બહેન વેલુબેન અને બનેવી ભાદાભાઇ વસ્તાભાઇ ગોહેલના ઘરે હતી ત્યારે રાતે રાજકોટ માલધારી સોસાયટીમાં પતિ નવઘણ, સસરા ભુપતભાઇ રાજપરા અને દિયર જયસુખ સહિતના લોકો બોલેરો લઇને ખેરડી આવ્યા હતાં અને સીધા જ સંજનાબેન પર ધોકા-પાઇપથી તૂટી પડી આડેધડ ફટકારતાં દેકારો મચી ગયો હતો.
સાળીને બચાવવા બનેવી ભાદાભાઇ ગોહેલ (ઉ.વ.૫૫) વચ્ચે પડતાં તેને પણ માર મારવામાં આવ્યો હતો. દેકારો મચી જતાં બીજા લોકો ભેગા થઇ જતાં સંજનાબેનનો પતિ, સસરા, દિયર સહિતના ભાગી ગયા હતાં. સાળી-બનેવી બંનેને લોહીલુહાણ હાલતમાં ચોટીલા હોસ્પિટલમાં અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ, ધર્મેન્દ્રભાઇ, તોૈફિકભાઇ, શક્તિસિંહે ચોટીલા પોલીસને જાણ કરી હતી.
સંજનાબેને કહ્યું હતું કે મારા લગ્ન નવઘણ સાથે થયા છે અને સંતાનમાં બે પુત્ર છે. પતિ નવઘણ ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તે દારૂ પી મારકુટ ઝઘડા કરતો હોઇ જેના કારણે હું સાતેક મહિનાથી મારા માવતરે આવી ગઇ છું. ભીમ અગિયારસ કરવા હું રાજકોટ માવતરના ઘરેથી ખેરડી બહેન બનેવીને ત્યાં ગઇ હોઇ પછી ત્યાં જ રોકાઇ હતી. ગઇકાલે પતિએ મને ફોન કરી છુટાછેડાની વાત કરી ઝઘડો કર્યો હતો. બાદમાં પતિ, સસરા, દિયર સહિતનાએ ખેરડી આવી હુમલો કર્યો હતો. ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
(12:20 PM IST)










