<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

ઝુલેલાલનગરમાં ફિલ્‍મી ઢબે આતંક મચાવનાર ટોળકીનો ફૈઝલ ઉર્ફ કાલી અને અબ્‍દુલને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યા

વોટર પ્‍લાન્‍ટ સંચાલક આશિષભાઇના ઘર પર સોડા-બોટલોના ઘા કરી વાહનોમાં તોડફોડ કરી ભય ફેલાવ્‍યો'તો

રાજકોટ તા. ૧૩: જંકશન પ્‍લોટના ઝૂલેલાલનગરમાં રહેતાં અને મીનરલ વોટર પ્‍લાન્‍ટ ચલાવતાં વેપારી યુવાનની સાથે જામનગર રોડ સ્‍લમક્‍વાર્ટરના શખ્‍સે વાહન કેમ મારી સામે આવવા દીધું કહી બોલાચાલી કરી ગાળો દઇ ઝઘડો કરી ધમકી દીધા બાદ આ યુવાન અને તેના ભાઇ પોતાના બીજા કુટુંબી ભાઇના ઘરે હતાં ત્‍યારે મોડી રાતે સ્‍લમ ક્‍વાર્ટરના શખ્‍સે ત્‍યાં ટોળકી સાથે પહોંચી સોડા બોટલોના ઘા કરી તેમજ ધોકા-પાઇપથી વાહનોમાં, ઘરના દરવાજામાં તોડફોડ કરી આતંક મચાવ્‍યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતાં. પ્ર.નગરમાં નોંધાયેલા આ અંગેના ગુનામાં ક્રાઇમ બ્રાંચે સુત્રધાર સહિત બે જણાને પકડી લીઇ કાયદાનું ભાન કરાવ્‍યું છે.

જાણવા મળ્‍યા મુજબ જંકશન પ્‍લોટ સિંધી કોલોની પાસે ઝુલેલાલનગર-૫ના ખુણે રહેતાં અને ઘર નજીક જ ગુરૂનાનક ડ્રીંકીંગ વોટર નામે મીનરલ વોટરનો પ્‍લાન્‍ટ ચલાવતાં આશિષભાઇ ચેતનભાઇ નેભાણી (ઉ.વ.૩૪) નામના યુવાને આ માથાકુટ મામલે સ્‍લમ ક્‍વાર્ટર લાખાબાપાની વાડીમાં રહેતાં ફૈઝલ ઉર્ફ કાલી રહીમભાઇ ભાણુ, ઇરફાન રહીમભાઇ ભાણુ, અબ્‍દુલ દાઉદભાઇ લંજા અને હસન તથા ચાર અજાણ્‍યાની ટોળકી સામે રાયોટીંગ, હુમલો, તોડફોડ, ધમકી, નુકસાનીનો ગુનો દાખલ કરાવ્‍યો હતો. આશિષભાઇએ  નવમી તારીખે સાંજે પોણા આઠેક વાગ્‍યે એક્‍ટીવા હંકારીને સાંઢીયા પુલ પાસે ફ્રુટની લારી છે ત્‍યાં જવા નીકળ્‍યો ત્‍યારે ઘરથી ૨૦૦ મીટર આગળ ચાલ્‍યો ત્‍યાં સામે ફૈઝલ ઉર્ફ કાલી ભાણુ તેનું એક્‍સેસ લઇને આવતો હોઇ આશિષભાઇનું વાહન સાઇડમાં હોવા છતાં ફૈઝલ-કેમ તે મારી માથે એક્‍ટીવા ગાડી નાખી છે? તેમ કહી ગાળો દઇ માથાકુટ કરી હતી.

બાદમાં બીજા દિવસે ફૈઝલે ટોળકી રચી આતંક મચાવી હુમલો કર્યો હતો. આ ગુનામાં ક્રાઇમ બ્રાંચે ફૈઝલ ઉર્ફ કાલી રહીમભાઇ ભાણુ (ઉ.વ.૨૫-ધંધો ગેરેજ સંચાલક, રહે. સ્‍લમ ક્‍વાર્ટર નં. ૧૧૪, જામનગર રોડ) તથા અબ્‍દુલ દાઉદભાઇ લંજા (ઉ.વ.૩૦-ધંધો ડ્રાઇવીંગ, રહે. લાખાબાપાની વાડી, જામનગર રોડ, સ્‍લમ ક્‍વાર્ટર) સામેને પકડી લઇ પ્ર.નગર પોલીસને સોંપ્‍યા છે.

પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઓઇ એમ. એલ. ડામોર, પીઆઇ સી. એચ. જાદવની રાહબરીમાં પીએસઆઇ એ. એસ. ગરચર, અનીલભાઇ સોનારા, સમીરભાઇ શેખ, મનિષભાઇ ચાવડા, જીલુભાઇ ગરચર, હરપાલસિંહ જાડેજા, ધર્મરાજસિંહ રાણા, અશ્વિનભાઇ પંપાણીયાએ આ કામગીરી કરી હતી.

(2:18 PM IST)