News of Friday, 13th June 2025
જૈન સમાજે પનોતા પુત્ર ગુમાવ્યા : વિજયભાઇને સાધુ-સંતો-આગેવાનોએ ભાવાંજલી અર્પી

રાજકોટ, તા., ૧૩ : અમદાવાદમાં ગઇકાલે એર ઇન્ડીયાની લંડન જતી ફલાઇટ ક્રેશ થતા ર૬પ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ફલાઇટમાં ગુજરાતના પુર્વ મુખ્યમંત્રી અને જૈન સમાજના પનોતા પુત્ર વિજયભાઇ રૂપાણી પણ લંડન પરિવાર-મિત્રો પાસે જઇ રહયા હતા. વિજયભાઇના આકસ્મીક અવસાનથી જૈન સમાજમાં દુઃખની લહેર ફરી વળી છે.
રાજકોટ જૈન સમાજ ચારેય ફિરકાના સંતો, સાધ્વીજીઓ, આગેવાનોએ વિજયભાઇને ભાવાંજલી અર્પી હતી.
રાજકોટ જૈન તપગચ્છ સંઘ
વિજયભાઇના આકસ્મીક અવસાનથી સમાજને ન પુરાય તેવી ખોટ પડી છે. તેઓ શહેરના લોકોના માનીતા આગેવાન અને સુખ-દુઃખના સાથી હતા. તેઓ પ્રખર જૈન હતા તેમ રાજકોટ જૈન તપગચ્છ સંઘના પ્રમુખ જીતુભાઇ ચાવાળા, ઉપપ્રમુખ પંકજભાઇ કોઠારી, સેક્રેટરી કિરીટભાઇ સંઘવી તથા ટ્રસ્ટી ગણે વિજયભાઇને શ્રધ્ધાસુમન પાઠવતા જણાવ્યું હતું.
યુનિ. રોડ શ્વે. મૂ. જૈન સંઘ
વિજયભાઇની વસમી વિદાયથી સમગ્ર જૈન સમાજ સ્તબ્ધ બન્યો છે. રાજકોટના પનોતા પુત્રની વિદાયથી સંઘ સ્વજન ગુમાવ્યાની લાગણી અનુભવે છે. પુજીત રૂપાણી ટ્રસ્ટના માધ્યમથી ગરીબ બાળકોના જીવન ઘડતરમાં નિમિત બનનાર વિજયભાઇએ પોતાનું જીવન સમાજને અર્પણ કર્યુ હતું. તેમની ગેરહાજરીથી રાજકોટને મોટી ખોટ પડી છે.
સમગ્ર જૈન સમાજ
અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોના મળત્યુ થયા તેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નું પણ મળત્યુ થયું. તે સમાચાર જાણી સમગ્ર રાજકોટ જૈન સમાજને દુઃખની લાગણી થયેલ છે. જૈન સમાજના પનોતા પુત્ર રત્ન જ નહી પરંતુ ગુજરાતના ગૌરવ સમાન જીવદયા પ્રેમી વિજયભાઈ રૂપાણીએ દેશ માટે અને જૈન સમાજ સહિત નાના - મોટા સૌ માટે અવિસ્મરણીય સત્કાર્યો કર્યા છે. જીવદયા રત્ન વિજયભાઈ રૂપાણીના અવસાનથી જૈન સમાજમાં બહુ મોટી ખોટ પડી છે તેમ રાજકોટ જૈન સમાજના અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, મનોજભાઈ ડેલીવાળા,પ્રવિણભાઈ કોઠારી,એડવોકેટ કમલેશભાઈ શાહ,સતીષભાઈ મહેતા, બિપીનભાઇ પારેખ, વીણાબેન શેઠ, નયનાબેન મોદી, પ્રતાપભાઇ વોરા, સુશીલભાઈ ગોડા, સી.પી.દલાલ,હેમલભાઈ મહેતા, રૂષભભાઈ શેઠ, શૈલેષભાઈ માઉ, ગૌરવભાઈ દોશી, જીતુભાઈ શેઠ, ચેતનભાઈ વખારિયા, વર્ષાબેન પારેખ,રિધ્ધિબેન બાવીસી,રત્નાબેન કોઠારી, અમીબેન દોશી, પ્રદીપભાઈ મહેતા, કમલેશભાઈ મોદી, કિશોરભાઈ દોશીેએ શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું.
સ્થા. જૈન મોટા સંઘ
વિજયભાઇ રૂપાણીની અચાનક વિદાય થી શ્રી સ્થા. જૈન મોટા સંઘના હોદેદાર ટ્રસ્ટીશ્રી તેમજ સંઘના દરેક સભ્યો ઉંડા દુઃખની લાગણી અનુભવે છે. વિજયભાઇ ઉપાશ્રયની બાજાુમાં દિવાનપરામાં રહેતા હતા. અને તેઓ નાનપણથી વિરાણી પોષધશાળામાં જૈન શાળાનો અભ્યાસ બાદ અહીં યુવક મંડળની સ્થાપના કરી સક્રિય સભ્ય રહી ઉપાશ્રયમાં દરેક પ્રવૃતિમાં ભાગ લીધેલ. તેઓ અહીં જ પર્યુષણમાં પ્રતિક્રમણ કરતા હતાં. આ સંઘના સભ્ય હતાં.
તેનું અમને ગૌરવ છે. પરંતુ તેમની અચાનક વિદાયથી અમારો સંઘ ઉંડા દુઃખની લાગણી અનુભવે છે. વિજયભાઇ એકદમ સરળ અને સાદુ જીવન જીવનાર વ્યકિત હતાં. તેમ સંઘ પ્રમુખ હરેશભાઇ વોરા તથા ટ્રસ્ટી ગણે ભાવાંજલી પાઠવતા જણાવ્યું હતું.
(3:14 PM IST)










