<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

અમદાવાદ પ્‍લેન દુર્ઘટનાઃ રાજકોટના મુકતાબેન તથા નરશીભાઇના DNA ટેસ્‍ટ લેવાયાઃ રીપોર્ટ બાદ મૃતદેહોને લાવવા કલેકટરે ખાસ ટીમ મોકલી

રાજકોટ રૂરલ પ્રાંત વિમલ ચક્રવર્તી-મામલતદાર કેતન સખીયા અને અન્‍ય સ્‍ટાફ સિવીલ હોસ્‍પીટલમાં જ રોકાશે :રાજકોટમાં બંનેના ઘરે પણ પશ્ચિમી મામલતદાર દોડી ગયાઃ વિજયભાઇ પૂર્વ મુખ્‍યમંત્રી હોય તમામ પ્રોટોકોલ માટે આદેશો...

રાજકોટ તા. ૧૩: અમદાવાદ ભયાનક પ્‍લેન દૂર્ઘટના થઇ તેમાં સવાર ર૪૧ના કરૂણ મોત નિપજયા છે. આખા ગુજરાત-દેશમાં હાહાકાર, ગમગીની, હૈયાફાટ રૂદનો છવાયા છે, શોકની કાલિમા છે, આ ઘટનામાં રાજકોટના રહેવાસી અને ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી તથા પંજાબના પ્રભારી શ્રી વિજયભાઇ રૂપાણીનું કરૂણ મોત નિપજયું છે, આ ઉપરાંત રાજકોટના વતની અને રાજકોટમાં રહેતા અને લંડન જતા-મુકતાબેન બચુભાઇ ડાંગર તથા સિનિયર એડવોકેટ નરશીભાઇ સગપરીયા (ઉ.વ.૬૦)ના પણ કરૂણ મોત નિપજયા છે.

આ હૃદયદ્વાવક ઘટનામાં રાજકોટના ત્રણેય હતભાગીના DNA ટેસ્‍ટ સંદર્ભે સરકારની સૂચના આવતા કલેકટરશ્રી પ્રભવ જોષીએ ગઇકાલે મોડી રાત્રે જ અમદાવાદ ખાતે ટીમ મોકલી છે, જેમાં રાજકોટ રૂરલ પ્રાંત શ્રી વિમલ ચક્રવર્તી, પડધરી મામલતદાર શ્રી કેતન સખીયા તથા અન્‍ય બે નાયબ મામલતદારો અમદાવાદ સિવીલ ખાતે મોડી રાત્રે પહોંચી ગયા હતા.

બાદમાં મુકતાબેન ડાંગર અને નરસીભાઇ સગપરિયાના  DNA ટેસ્‍ટ લેવાયા છે, હવે ૪૮ થી ૭ર કલાકમાં રીપોર્ટ આવશે, ઉપરોકત બંનેના નજીકના સગાઓના  DNA ટેસ્‍ટ મેચ થયા બાદ બંનેના મૃતદેહને સ્‍પે. એમ્‍બ્‍યુલન્‍સ વાન કે અન્‍ય સ્‍પે. વાહનોમાં કલેકટરની ટીમ સાથે રાજકોટ લવાશે, અને બાદમાં અંતિમ સંસ્‍કારની કાર્યવાહી થશે.

રાજકોટના ત્રણ હતભાગી હોવાનું બહાર આવતા ગઇકાલે મોડી સાંજ બાદ કલેકટરે પશ્ચિમી મામલતદાર શ્રી અજીતકુમાર અને તેમની ટીમને ત્રણેયના ઘરે દોડાવ્‍યા હતા, ત્‍યાંથી એડ્રેસ, ફોન નંબર સહિતની બાબતો મેળવી કલેકટરને રીપોર્ટ કરાયો છે.

શ્રી મુકતાબેન ડાંગર

લંડનમાં જ પુત્ર-પુત્રવધુ સાથે રહેતા મુકતાબેન રાજકોટ આંટો દેવા આવ્‍યા હતા, અને ગઇકાલે લંડન જતી ફલાઇટમાં હતા, અને અકસ્‍માતનો ભોગ બન્‍યા હતા.

મુકતાબેનને એક પુત્ર મયુર ડાંગર અને બે પુત્રી છે, મયુર ડાંગર તેમના પત્‍ની-બાળકો સાથે લંડનમાં રહે છે, મુકતાબેનના વિઝા પૂરા થતા રાજકોટ આવ્‍યા, અને ફરીથી વિઝા મંજૂર થતા લંડન થઇ રહ્યા હતા. તેમને તેમના પુત્રી મીનુબેન અને જમાઇ મનોજભાઇ બોરીચા અમદાવાદ મુકવા ગયા હતા. બંને મુકતાબેનને મુકી એરપોર્ટથી બહાર નીકળ્‍યા ત્‍યાં પ્‍લેન ક્રેશ થયાની જાણ થતા પુત્રી અને જમાઇ ફરી અમદાવાદ-એરપોર્ટ પર દોડી ગયા હતા, પરંતુ ગઇકાલે મોડી સાંજ સુધી કોઇ વિગતો મળી ન હતી.

નરસીભાઇ સગપરીયા

રાજકોટના કાલાવડ રોડ પર ભકિતધામ મંદિરની પાછળ રૂડા-૧માં રહેતા એડવોકેટ નરશીભાઇ સગપરિયા (ઉ.વ.૬૦) પણ અમદાવાદથી લંડન જવા ઉપડેલી ફલાઇટમાં બેઠા હતા. પ્‍લેન ક્રેશ થયા બાદ નરશીભાઇનો પણ પત્તો લાગ્‍યો નહતો. નરશીભાઇની પુત્રી લંડન સાસરે છે. પુત્રીને મળવા જવા માટે નરશીભાઇ અમદાવાદથી ફલાઇટમાં નીકળ્‍યા હતા. પ્‍લેન ક્રેશ થયાની ઘટના જાહેર થતાં નરશીભાઇના ભત્રીજા ભાવિનભાઇ સગપરિયા સહિતના પરિવારજનો અમદાવાદ દોડી ગયા હતા અને અકસ્‍માતમાં નરશીભાઇનું મૃત્‍યુ થયાનું સ્‍પષ્‍ટ થયું હતું. ડીએનએ રિપોર્ટ બાદ મૃતદેઢહ સોંપાશે તેવું પણ તેમણે કહ્યું હતું. બનાવથી સગપરિયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. 

(4:32 PM IST)