News of Friday, 13th June 2025
વિજયભાઈ રૂપાણીના નિધનથી ગુજરાતના જાહેર જીવને એક ધ્રુવતારક ગુમાવ્યો છે : ઉદય કાનગડ
ગુજરાતની ધરતી પર વિમાન ક્રેશની કાળજા કંપાવનારી ઘટનાએ માનવ મનને હચમચાવી નાંખ્યા છે : આ કરૂણાંતીકાથી ગુજરાત જ નહી સમગ્ર દેશવાસીઓ હતપ્રભઃ દૂર્ઘટનાના દિવંગતોને અશ્રુભીની શ્રધ્ધાંજલી :ઉદય કાનગડ : મુખ્યમંત્રીપદે હોવા છતાંય કોઈપણ કાર્યક્રમમાં જનતા જનાર્દન સાથે હાથ મીલાવી તેના હાલ-ચાલ પુછવા, તેમની સાથે વાર્તાલાપ કરવો જેવી વિજયભાઈ રૂપાણીની સાદગી, સરળતા, સાહજિક્તા અને સંવેદનશીલતા લોકોને હંમેશા સ્પર્શતી હતી : દુર્ઘટનામાં નિધન પામેલા રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની આકસ્મિક વિદાયથી ગુજરાત-સૌરાષ્ટ્ર અને રાજકોટના જાહેર જીવનને ન પુરી શકાય તેવી ખોટ પડી છેઃ શોકભરી શબ્દાંજલિ પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડ : વિજયભાઈ રૂપાણી સાથે વિતાવેલા સંસ્મરણો હરહંમેશ માનસપટ પર રહેશેઃ ઉદય કાનગડ

રાજકોટ : ગુજરાતના અમદાવાદથી લંડન જઈ રહેલા ક્રૂ મેમ્બર સહિત ૨૪૨ લોકોની સવારી સાથેનું વિમાન ટેકઓફ થયાના થોડા સમય પછી જ ક્રેશ થઈ જવાથી સર્જાયેલી કાળજા કંપાવનારી ગમખ્વાર દૂર્ઘટનામાં હતભાગી દિવંગતોને અશ્રુભીની શ્રધ્ધાંજલી પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું કે ગુજરાતની ધરતી પર વિમાન ક્રેશની આ દૂઃખદાયી ઘટનાએ માનવ મનને હચમચાવી નાંખ્યા છે. આ કરૂણાંતીકાથી ગુજરાત જ નહી સમગ્ર દેશવાસીઓ અવાચક થઈ ગયા છે.ઁન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનુ છેઁ ની જેમ પોત-પોતાના પ્રસંગો-ધંધાઅર્થે લંડન જવા પ્રસ્થાન કરનાર વિમાનયાત્રીઓ વિમાન ક્રેશને કારણે ઘડીના છઠ્ઠા ભાગમાં મોતના મુખમાં હોમાઈ ગયા અને સમગ્ર ગુજરાત શોકમાં ગરકાવ થઈ ગયું અને લોકોમાં હતાશા વ્યાપી ગયેલ છે.
વધુમાં ઉદય કાનગડએ જણાવેલ કે અમદાવાદ ખાતે સર્જાયેલી વિમાન કેસની દુર્ઘટનામાં રાજયના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું પણ દુઃખદ નિધન થયેલ છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર-રાજકોટમાં શોકનું મોજું પ્રસરી ગયું છે. ૨ ઓગષ્ટ, ૧૯૫૭ના રોજ બર્મા દેશના રંગુન ખાતે જન્મેલા વિજયભાઈ રૂપાણીએ રાજકોટને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થી પોતાની કારકીર્દી શરૂ કરી સંગઠન અને સતાકીય ક્ષેત્રે અનેક મહત્વપૂર્ણ આયામો હાંસલ કરી રાજયના ૧૬માં મુખ્યમંત્રીપદ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં સક્રિય હતા ત્યારથી વિજયભાઈ રૂપાણીએ પોતાાના જીવન જાહેર જીવનનો પ્રારંભ કરેલ હતો, ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયં સંઘ સાથે અને જનસંઘ સાથે જોડાયા. ૧૯૭૬ માં દેશમાં કટોકટી સમયે વિજયભાઈ રૂપાણી ભાવનગરનાં અને ભુજ-મહાનગરનાં કારાગારમાં બંદી હતા.એ બંને કારાગરોમાં એ ૧૧ માસ સુધી હતાં. ૧૯૭૮ થી ૧૯૮૧ સુધી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રચારક, ૧૯૮૭માં રાજકોટ મહાનગરપાલિકામાં સભ્ય તરીકે ચૂંટાયા અને જલ નિકાસ સમિતિના અધ્યક્ષ બન્યા. એ જ વર્ષે રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિનાં અધ્યક્ષ બન્યા અને ૧૯૮૮ થી ૧૯૯૬ સુધી એ પદ પર આરૂઢ રહયા. ૧૯૯૬-૯૮ રાજકોટના મેયર તરીકે, ૧૯૯૮માં ભાજપ ગુજરાત રાજય વિભાગનાં વિભાગાધ્યક્ષ થયા. સ્વ. કેશુભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વિજયભાઈ રૂપાણીએ ઘોષણાપત્ર સમિતિના અધ્યક્ષનું વહન કર્યું.૨૦૦૬માં ગુજરાત પર્યટન વિભાગના અધ્યક્ષ બન્યા.૨૦૦૬ થી ૨૦૧૨ એ રાજયસભા ના સદસ્ય હતા. જયારે નરેન્દ્રભાઈ મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે વિજયભાઈ રૂપાણી ગુજરાત વિભાગનાં ચાર વાર અધ્યક્ષ, ગુજરાત મહાનગરપાલિકા વિત વિભાગના એક વાર અધ્યક્ષ બન્યા હતાં. ત્યારબાદ ગુજરાતના કેબીનેટ મંત્રી અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે જવાબદારી સંભાળી ત્યારબાદ ૨૦૧૬માં ગુજરાતના ૧૬માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતળત્વ દ્વારા પંજાબ અને ચંદીગઢના પ્રભારી તરીકે વિજયભાઈ રૂપાણીને જવાબદારી સોંપાવામાં આવેલ હતી.
આમ રાજકીય-સેવાકિય અને સામાજિકક્ષેત્રે સદૈવ અગ્રેસર વિજયભાઈ રૂપાણીએ મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન પોતાના વતન રાજકોટને એઈમ્સની ફાળવણી, અટલ સરોવર અને ન્યુ રેસકોર્ષની ભેટ આપીને રાજકોટવાસીઓના માનસ પટુમાં મુઠ્ઠી ઉચેરૂ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સાથોસાથ સંવેદનશીલ અને સાલસ સ્વભાવને કારણે તેઓએ કાર્યકર્તાઓ અને લોકોના હૃદયમાં અમિટ લોકચાહના પ્રાપ્ત કરી હતી. ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર્તાઓનું નિર્માણ અને ઘડતરમાં તેની ભૂમિકા મહત્વની હતી. સંગઠનક્ષેત્રે તેમણે પોતાના બ્હોળા અનુભવ થકી પાર્ટીના કાર્યકર્તાઓના માર્ગદર્શ બન્યા હતા. મુખ્યમંત્રીપદે હોવા છતાંય કોઈપણ કાર્યક્રમમાં જનતા જનાર્દન સાથે હાથ મીલાવી તેના હાલ-ચાલ પુછવા, તેમની સાથે વાર્તાલાપ કરવો જેવી વિજયભાઈ રૂપાણીની સાદગી, સરળતા, સાહજિક્તા અને સંવેદનશીલતા લોકોને સ્પર્શતી હતી. ખાસ કરીને રાજકોટના આગેવાનો-કાર્યકર્તાઓ કે જે વર્ષોથી વિજયભાઈ રૂપાણી સાથે લાગણી અને આત્મીયતાના સંબંધથી જોડાયેલા હતા તેઓ પોતાના પરિવારના મોભી-સ્વજય ગુમાવ્યા હોય તેવી વેદના વ્યકત કરી શોકમાં ગરકાવ થઈ ગયા છે. અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દુર્ઘટનામાં વિજયભાઈ રૂપાણીના નિધન સાંભળી ગુજરાતભરમાં જયારે શોકનું મોજું પ્રસરી ગયું છે ત્યારે વિજયભાઈ રૂપાણીના આકસ્મિક નિધનથી ગુજરાત-સૌરાષ્ટ્ર-રાજકોટના જાહેર જીવનને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. વિજયભાઈ રૂપાણી સાથે વિતાવેલા સંસ્મરણો હરહંમેશ માનસપટ પર રહેશે ત્યારે પરમકળપાળુ પરમાત્મા રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત અમદાવાદ પ્લેન દુર્ઘટનાના તમામ દિવંગતોના આત્માને ચિર શાંતિ અર્પણ કરે અને પરમાત્માના ચરણોમાં સ્થાન આપે તેવી પ્રાર્થના સાથે શોકભરી શબ્દાંજલિ અર્પણ કરતા અંતમાં ધારાસભ્ય શ્રી ઉદય કાનગડએ જણાવેલ હતું.
(4:29 PM IST)










