<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

વિજયભાઇને ગીતો ગાવાનો ખુબ શોખ હતોઃ તેઓ મને કયારેય ડ્રાઇવર તરીકે ગણતા ન હતાઃ પરિવારના સભ્‍ય માનતા

રપ વર્ષથી ડ્રાઇવર રવજીભાઇ આઘાતમાં સરી પડયાઃ મારી ચિંતા કરતા...કહેતા તું ભૂખ્‍યો ન રહેતો...

રાજકોટ તા. ૧૩: ગઈકાલે અમદાવાદ ખાતે થયેલી પ્‍લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણીના નિધનના સમાચાર મળતાની સાથે જ તેમના વતન રાજકોટમાં શોકની ગહેરી લાગણી છવાઈ ગઈ છે. આ દુઃખદ સમાચારથી તેમના અંગતજનો અને કાર્યકરોમાં ગમગીની વ્‍યાપી છે. વિજયભાઈ સાથે છેલ્લા ૨૫ વર્ષથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રવજીભાઈ દવેરાને આ સમાચાર મળતા જ તેઓ આઘાતમાં સરી પડ્‍યા હતા.

‘‘વિજયભાઈએ મને કયારેય ડ્રાઇવર નહીં, પણ પરિવારનો સભ્‍ય માન્‍યો''

રવજીભાઈ દવેરાએ ભીની આંખોએ જણાવ્‍યું કે, ‘‘ૅવિજયભાઈ રૂપાણી સાથે કામ કરનાર દરેક વ્‍યક્‍તિને પરિવારની જેમ સાચવતા હતા. તેમને ગીતો ગાવાનો ખૂબ જ શોખ હતો.'' તેમણે યાદ કરતા કહ્યું કે, ‘‘જ્‍યારે અમે રાજસ્‍થાન સુધી પ્રચારમાં જતા, ત્‍યારે તેઓ મને એક જ રૂમમાં રોકાતા હતા. તેઓ કયારેય મને ડ્રાઇવર તરીકે ગણતા જ નહોતા, પણ હંમેશા પરિવારના સભ્‍ય તરીકે જ રાખતા હતા.''

રવજીભાઈએ વધુમાં જણાવ્‍યું કે, ‘‘અન્‍ય કયાંય પણ પ્રવાસમાં જાય તો પહેલા મારી ચિંતા કરતા અને કહેતા કે,‘‘ઁતું ભૂખ્‍યો ન રહેતો. મારે મીટીંગ ચાલશે, તું જમી લેજે અને તું આરામ પણ કરી લેજે, આપણે પછી અન્‍ય જગ્‍યાએ પણ નીકળવાનું છે.''

(4:21 PM IST)