<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th June 2025

પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા રાજકોટમાં આવતીકાલે બપોર સુધી સ્વૈચ્છિક બંધ પાડવા તમામ વેપારીઓ - ઉદ્યોગકારોને ચેમ્બર ઓફ કોમર્સ સહિત વેપારી - ઉદ્યોગ સંગઠનોની અપીલ!

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા રાજકોટના પનોતા પુત્રના નિધનથી ચેમ્બર ઓફ કોમર્સ સહિત વેપારી-ઉદ્યોગ સંગઠનોમાં ઘેરો શોક : 'સૌની યોજના'થી લઈને AIIMS સુધીના વિકાસ કાર્યોને બિરદાવ્યા : વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોની આત્માઓને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

રાજકોટ : અમદાવાદ ખાતે એર ઇન્ડિયાના વિમાન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. વિજયભાઈ રૂપાણીના દુઃખદ અવસાનથી રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આ કરુણ ઘટનાને પગલે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (RCCI) તથા તમામ વેપારી-ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશનો દ્વારા વેપાર-ઉદ્યોગકારોને આવતીકાલ, તા. ૧૪-૦૬-૨૦૨૫, બપોર સુધી સ્વૈચ્છિક રીતે બંધ પાળીને દિવંગત નેતાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા ખાસ અપીલ કરવામાં આવી છે.

ઘેરા શોક અને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ:
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના પ્રમુખ શ્રી વી.પી. વૈષ્ણવ, સહિત હોદ્દેદારો અને કારોબારી સભ્યો દ્વારા સ્વ. વિજયભાઈ રૂપાણીના નિધન પર ઘેરા શોક અને દુઃખની લાગણી વ્યક્ત કરી ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમની યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, "તેમના પરિવાર પર આવી પડેલ આ વિયોગનું દુઃખ સહન કરવાની પરમકૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરીએ છીએ."

રાજકોટના પનોતા પુત્રને અવિસ્મરણીય યોગદાન:
યાદીમાં વધુમાં જણાવાયું છે કે, ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે પ્રસ્થાપિત થયેલા રાજકોટના પનોતા પુત્ર અને સૌના હૃદયસ્થ એવા નેતા સ્વ. વિજયભાઈ રૂપાણીના અવસાનથી સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટને ખૂબ જ મોટી ખોટ પડી છે, જે ક્યારેય પણ પૂરી શકાશે નહીં. આપણા સૌની ફરજના ભાગરૂપે, સદગતના આત્માને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી તથા તમામ વેપારી-ઇન્ડસ્ટ્રિયલ એસોસિયેશનો દ્વારા આવતીકાલે બપોર સુધી સ્વૈચ્છિક બંધ રાખવા અપીલ કરવામાં આવી છે.

વિકાસ કાર્યો અને જનસેવાનો વારસો:
સ્વ. વિજયભાઈ રૂપાણીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે રાજકોટના વિકાસમાં અનેકવિધ યોગદાન આપ્યા હતા. તેમાં 'સૌની યોજના' થકી શહેરનું જળ સંકટ હળવું કરવું, AIIMS (ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ), ઇન્ટરનેશનલ એરપોર્ટ, અટલ સરોવર જેવા અનેકવિધ વિકાસ કામોની ભેટ આપીને રાજકોટના વિકાસને વેગવંતો બનાવ્યો હતો. તેઓ છેવાડાના માનવીની સેવામાં સદાય ઓતપ્રોત રહેલા આ દિવ્ય આત્માને પરમકૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી છે.

આ સાથે જ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ દિવંગતોની આત્માઓને પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. તેમજ જે લોકો ઈજાગ્રસ્ત છે અને સારવાર હેઠળ છે તેઓ જલ્દીથી સ્વસ્થ થાય તેવી પરમકૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના કરવામાં આવી છે. આ માહિતી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા જારી કરાયેલી અખબારી યાદીમાં જણાવવામાં આવી છે.

(6:11 PM IST)