<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

ભાજપ અધ્‍યક્ષ તરીકે અને સૌ. યુનિ.ના કુલપતિ તરીકેના મારા કાર્યકાળમાં વિજયભાઇનું માર્ગદર્શન ખુબ ઉપયોગી રહેતુ : પ્રો. કમલેશ જોષીપુરા

 

ગુજરાતના પૂર્વ મુખ્‍યમંત્રી અને ભાજપના વરિષ્‍ઠ આગેવાન વિજયભાઇ રૂપાણીના દુઃખદ અવસાન બદલ ઉંડા દુઃખની લાગણી વ્‍યકત કરી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. કમલેશ જોષીપુરાએ જણાવ્‍યુ છે કે વિજયભાઇ રૂપાણી કુશળ સંગઠક, વૈચારિક રીતે પૂર્ણ પ્રતિબધ્‍ધ અને આદર્શ સુશાસક હતા. ૧૯૭૫થી અમારા પરિવાર સાથે અવિરત નાતો રહ્યો છે. વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા તરીકે અમારા ઘડતરમાં વિજયભાઇનો સિંહફાળો રહ્યો છે. સુખી અને સંપન્ન પરિવારમાંથી આવતા વિજયભાઇએ પોતાના જીવનના ત્રણ વર્ષો કઠોર પરિશ્રમ સાથે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પૂર્ણ સમયના કાર્યકર્તા તરીકે આપેલ. અધ્‍યાપકોના પણ તેઓ શિસ્‍તબધ્‍ધ વિદ્યાર્થીની છાપ ધરાવતા. નાની ઉંમરે કટોકટી કાળમાં મિસ્‍સા હેઠળ ધરપકડ તેમણે વહોરી હતી. મહાનગરપાલીકામાં ચુંટાયા પછીના થોડા સમયમાં જ તેમણે ભાજપની નેતાગીરીની મોટી જવાબદારી સંભાળી લીધી હતી. કુશળ સંગઠક તરીકે પ્રદેશ મહામંત્રી તરીકે કામ કરી બતાવેલ. ભારતીય જનતા પાર્ટીમાં મારા અધ્‍યક્ષપદના કાર્યકાળમાં પણ મને વિજયભાઇ રૂપાણી સાથે કામ કરવાની તક મળી હતી. તે દરમિયાન રાજકોટની ટીમે મહાનગરપાલીકામાં ૬૦માંથી ૫૯ બેઠકો જીતી બતાવી હતી. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ તરીકેના મારા કાર્યકાળ દરમિયાન તેઓ પ્રદેશ ભાજપ મહામંત્રી હતા એટલે તેમનું સુંદર માર્ગદર્શન મળતુ રહેતુ. વંદે માતરમ ગીતની શતાબ્‍દી નિમિતે સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કાર્યક્રમમાં તેઓએ ‘આવો બચ્‍ચો તુમ્‍હે દિખાએ ઝાંખી હિન્‍દુસ્‍તાન કી' ગીત ગાઇને વિદ્યાર્થીઓમાં જુસ્‍સો પ્રેર્યો હતો. તેમની વિદાયથી પડેલ ખોટ કયારેય નહીં વિસરાય તેમ અંતમાં શોક વ્‍યકત કરતા પ્રો. કમલેશભાઇ જોશીપુરા (મો.૯૮૨૪૨ ૧૨૦૩૩)એ જણાવ્‍યુ છે.

(4:06 PM IST)