તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
સામુ કેમ જોવે છે? કહી એડવોકેટ ઇન્દ્રજીતસિંહ મકવાણાને ત્રણ શખ્સે બેફામ ગાળો દઇ બેઝબોલના ધોકાથી માર માર્યો
યુવા એડવોકેટ ગોપાલનગરથી ટુવ્હીલર પર કોર્ટ ખાતે જઇ રહ્યા હતાં ત્યારે બનાવ : માથામાં દસ ટાંકા આવ્યાઃ ગોંડલ રોડ મક્કમ ચોક સત્યવિજય આઇસ્ક્રીમ પાસે બબાલઃ હુમલા બાદ પાર્ક કરાયેલા ટુવ્હીલરને સફેદ રંગની ઇનોવાથી ઠોકરે લઇ ત્રણેય શખ્સ ભાગી ગયાઃ એ-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૭: શહેરમાં વાહન અડી જવા મામલે કે પછી સાઇડ કાપવા પ્રશ્ને અથવા તો સામુ જોવા મામલે માથાકુટના બનાવો અવાર-નવાર બને છે. આવા જ એક બનાવમાં ઢેબર રોડ પર રહેતાં એડવોકેટ યુવાનને તે કોર્ટ તરફ ટુવ્હીલર લઇને જઇ રહ્યા હતાં ત્યારે મક્કમ ચોક નજીક પહોંચતા ઇનોવામાં બેઠેલા શખ્સે સામુ કેમ જોવ છે? કહી ગાળો દીધા બાદ આ શખ્સ અને તેની સાથેના બે શખ્સે મળી બેઝબોલના ધોકાથી બેફામ માર મારી લોહીલુહાણ કરી નાંખી ઢીકાપાટુ પણ મારતાં સારવાર માટે દાખલ થવું પડયું છે. સરાજાહેર એડવોકેટ પર હુમલો કરી ભાગી ગયેલા ત્રણ શખ્સોની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ ઢેબર રોડ ગોપાલનગર-૧૨ શ્રમજીવી સોસાયટી પાછળ શ્રીશક્તિ કૃપા ખાતે રહેતાં એડવોકેટ ગુર્જર રાજપૂત ઇન્દ્રજીતસિંહ પૃથ્વીસિંહ મકવાણા (ઉ.વ.૨૭) નામના યુવાનને લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં તેણે તબિબની પુછતાછમાં પોતાના પર ગોંડલ રોડ મક્કમ ચોક પાસે હુમલો થયાનું કહેતાં પોલીસને જાણ કરાઇ હતી. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, શક્તિસિંહ, પ્રશાંતભાઇએ એ-ડિવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે ઇન્દ્રજીતસિંહની ફરિયાદ પરથી સફેદ ંરંગની ઇનોવા કારના ચાલક અને બે અજાણ્યા સામે બીએનએસની કલમ ૧૧૫ (૨), ૧૧૮ (૧), ૩૫૨, ૩ (૫) મુજબ ધોકાથી માર મારી ગાળો દેવાનો અને મુંઢ માર મારવાનો ગુનો નોંધી આરોપીઓનો શોધખોળ હાથ ધરી છે.
ઇન્દ્રજીતસિંહ મકવાણાએ જણાવ્યું હતું કે મેં એલએલબીનો અભ્યાસ પુરો કર્યો છે અને હાલ વકિલ સાથે આસીસ્ટન્ટ તરીકે કામ કરુ છું. સોળમીએ સોમવારે સવારે અગિયારેક વાગ્યે હું ઘરેથી કોર્ટ તરફ જવા મારુ જ્યુપીટર ટુવ્હીલર જીજે૦૩એચબી-૯૪૨૬ લઇને નીકળ્યો હતો. મક્કમ ચોકથી આગળ સત્યવિજય આઇસ્ક્રીમ-ધર્મશાળા નજીક પહોંચ્યો ત્યારે સફેદ કલરની ઇનોવા મારી આગળ હતી. મેં અગાળ જવા બાઇકનું હોર્ન વગાળતાં અને આગળ વધતાં એક શખ્સ ઇનોવામાંથી ઉતરીને મારી પાસે આવ્યો હતો અને ‘તું કેમ મારી સામે જુએ છે?' તેમ કહેતાં મેં તેને ‘સામુ જોવામાં કંઇ વાંધો છે?' તેમ કહેતાં અજાણ્યા શખ્સે મને બેફામ ગાળો દીધી હતી. બાદમાં બીજો શખ્સ ઇનોવાની ડેકીમાંથી બેઝબોલનો ધોકો લઇને આવ્યો હતો અને મને માથાના ભાગે આડેધડ ઘા મારી દીધા હતાં.
આ દરમિયાન બીજા બે શખ્સોએ પણ તેની સાથે મળી મને ગાળો દઇ ઢીકાપટુનો માર માર્યો હતો. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં આ ત્રણેય ઇનોવમાં બેસી ભાગી નીકળ્યા હતાં. જતાં જતાં આ લોકો તેની કારની ઠોકરે એક ટુવ્હીલર પાર્ક કરાયેલુ હોઇ તેને પણ ટક્કર મારતાં ગયા હતાં. મને લોહી નીકળતાં હોઇ એકઠા થયેલા લોકોમાંથી કોઇએ ફોન કરતાં ૧૦૮ આવી હતી અને સારવાર માટે ખસેડયો હતો. સીટી સ્કેન તથા એક્સ રે રિપોર્ટ કરાવ્યો હતો. માથાના ભાગે મને દસ ટાંકા આવ્યા હતાં. શરીરે મુંઢ ઇજાઓ થઇ હતી.
એ-ડિવીઝન પીઆઇ બી. વી. બોરીસાગરની રાહબરીમાં પીએસઆઇ એચ. એન. જેઠવાએ ગુનો નોંધી હુમલો કરી સફેદ ઇનોવામાં ભાગી ગયેલા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.
(2:27 PM IST)










