<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

વિજયભાઈએ હંમેશા રાજકોટની ચિંતા કરી છે

તેઓ કોઈપણ જાતિ જ્ઞાતિના ભેદભાવ વગર સમાજના પીડિતોના પ્રશ્નો ઉકેલતા, અમે બન્‍ને ખૂબ સારા મિત્રો હતાઃ રાજકીય ક્ષેત્રે યોગદાન આપવા આગ્રહપૂર્વક પ્રસ્‍તાવ કર્યો હતોઃ નરેશભાઈ પટેલ

રાજકોટઃ શહેરના  વિકાસમાં જેમને મહત્‍વનું યોગદાન રહેલ છે તેવા સંઘ પરિવારના આજીવન સેવક અને ભારતીય જનતા પાર્ટીના સંચાલનમાં વિવિઘ હોદ્દા ઉપર ફરજ બજાવી પોતાનુ જીવન સામાજિક ઉત્‍થાન માટે ન્‍યોછાવર  કરેલ તેવા રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્‍યના તત્‍કાલીન પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીની અણધારી વિદાયથી સમગ્ર ગુજરાત શોકાતુંર છે ત્‍યારે ખોડલધામ પરિવાર પણ તેમના પરત્‍વેની ઘેરા દુઃખની સંવેદનાઓ વ્‍યક્‍ત કરેલ હોવાનું શ્રી નરેશભાઈ પટેલે જણાવ્‍યું છે.

તેઓએ જણાવેલ કે અંગત રીતે તેમની સાથેના સંસ્‍મરણો યાદ કરુ તો વિજયભાઇ સમક્ષ જ્‍યારે પણ સામાજિક પ્રશ્નો રજૂ કરવામાં આવતા ત્‍યારે તે પ્રશ્નોને વાંચા આપવા અને ઉકેલ માટે તેઓ હંમેશા પરિણામલક્ષી શ્રેષ્ઠ પ્રયત્‍નો કરતા હોવાના ફળ સ્‍વરૂપે સમાજના પીડિત વર્ગોની ઘણી સમસ્‍યાઓ ઉકેલવામાં સફળતા મેળવી હતી.

વ્‍યક્‍તિગત રીતે, અમે બંને સારા મિત્રો હતા. વિજયભાઇએ  મોવડી મંડળની સાથે પરામર્શ કરી મને રાજકીય શ્રેત્રે યોગદાન આપવા માટે આગ્રહપૂર્વક પ્રસ્‍તાવ કર્યો હતો પરંતુ મને સમાજ શ્રેષ્ઠીશ્રીઓ  સામાજીક કાર્યોને અગ્રિમતા આપવા માટે કાર્યરત રહેવાનો આગ્રહ રાખતા સમાજશ્રેષ્ઠીઓના નિર્ણયને સ્‍વીકારીને વિજયભાઇની મને રાજકારણમાં જોડાવાની દરખાસ્‍તનો સવિનય અસ્‍વીકાર કર્યો હતો પરંતુ અમો બન્ને સામાજિક અને સત્તાકીય માધ્‍યમથી કોઈપણ જાતી જ્ઞાતિના ભેદભાવ વગર સમાજના પીડીતોના પ્રશ્નો ઉકેલવામાં તાલમેલથી એકબીજાના પૂરક તરીકે સમાજના હિતમાં કાર્ય કરેલ છે , તે કયારેય ભૂલાશે નહીં. વિજયભાઈ રૂપાણીના નિધનના આઘાતજનક સમાચાર સાંભળીને અમો સ્‍તબ્‍ધ નિઃશબ્‍દ થઈ ગયેલ. વિજયભાઈ મેયર તરીકે હોય કે પક્ષના સંગઠનમાં હોય કે મુખ્‍યમંત્રી હોય, તેઓએ દરેક તબક્કે રાજકોટની ચિંતા કરી છે, ખેવના રાખી છે અને રાજકોટને માંગ્‍યા કરતા વધારે સેવાઓ પ્રદાન કરી છે. આથી જ તેને રાજકોટના વિકાસ પુરુષ તરીકે પાણી વાળા સંવેદનશીલ મુખ્‍યમંત્રી તરીકે ચાહના મેળવી હતી, તે કદી વિસરાશે નહીં.અનિવાર્ય કારણોસર રુપાણી પરિવાર પરત્‍વે સંવેદના પ્રગટ કરવા રુબરુ જઈ શકાયું નથી તેનો વસવસો મને કાયમ સતાવશે. વિજયભાઈ રૂપાણીના પરિવાર ઉપર આવી પડેલ આફતને સહન કરવાની શક્‍તિ સાથે ઈશ્વર તેમના આત્‍માને મોક્ષ આપે તેવી પ્રભુ મહાદેવના ચરણોમાં પ્રાર્થના તેમ શ્રી નરેશભાઈ પટેલે અંતમાં જણાવ્‍યું છે. 

(4:25 PM IST)