તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
આહીર સ્વ. લાખાભાઇ ખાદાની પુણ્યસ્મૃતિમાં ગુરૂવારે શિવમ પાર્કમાં મહારકતદાન કેમ્પ
વવાણીયાથી ખાદા પરિવારે કુરીવાજોને તિલાંજલી અને શિક્ષણને પ્રાધાન્યનું બ્યુંગલ ફુંકેલુ : આજે પણ આ પરિવાર વૈચારિક ક્રાંતિના માર્ગે

રાજકોટ તા. ૧૭ : વવાણીયા ગામના આહીર શ્રેષ્ઠી સ્વ. લાખાભાઇ ખાદાના પૂણ્ય સ્મરણાર્થે તા. ૧૯ ના ગુરૂવારે રાજકોટમાં મહારકતદાન કેમ્પનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આયોજન સમિતિના આગેવાનોએ જણાવ્યુ હતુ કે તા. ૧૯ ના ગુરૂવારે સવારે ૭ થી ૧૨ વાગ્યા સુધી શિવમ પાર્ક કોમન પ્લોટ, વિરાબાપાના મંદિરની બાજુમાં, મવડી સ્વામીનારાયણ ગુરૂકુળ, આદર્શ એવન્યુ પાછળ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ આ રકતદાન કેમ્પમાં એકત્ર થનાર રકત સીવીલ હોસ્પિટલના થેલેસેમીયા પીડીત દર્દીઓ તેમજ જરૂરતમંદ દર્દીઓના લાભાર્થે અર્પણ કરાશે.
સગા સંબંધી, કુટુંબીજનો અને સ્વૈચ્છિક રીતે કોઇપણ વ્યક્તિ આ કેમ્પમાં રકતદાન કરી શકશે. વધુમાં વધુ લોકોએ રકતદાન કરવા સ્વ. દેવાણંદબાપા ખાદા પરિવાર અને ‘માંની મહેર ગ્રુપ' દ્વારા અનુરોધ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે મહાત્માગાંધીના અધ્યાત્મ ગુરૂ શ્રીમદ્દ રાજચંદ્રની પૂણ્યભુમિ વવાણીયા ગામે ૭૦ વર્ષ પહેલા અખિલ ભારત યાદવ મહાસભાના નેજા હેઠળ દેવાણંદ બાપા, પેથલજીભાઇ ચાવડા, તેજાભાઇ ભગાભાઇ ડાંગર, આયદાનભાઇ પટેલ સહિતે આગેવાની લઇ આહીર પરિવારોને કુરીવાજોને તિલાંજલી આપવા દીકરીઓને શિક્ષિત બનાવવા પરિવર્તનનું બ્યુંગલ ફુંકયુ હતુ.
દેવાણંદ બાપા તથા તેમના પુત્ર સ્વ. લાખાભાઇએ મીઠુ પકવતા અગરીયાઓના ઉત્થાન માટે આજીવન કામ કરેલુ. ઉપરાંત શ્રીમદ્દ રાજચંદ્ર ટ્રસ્ટની જાળવણી તથા પ્રચાર માટે ટ્રસ્ટી તરીકે સેવા આપી છે.
બોરીચા સમાજ સૌપ્રથમ રામજી મંદીર ફડસરના નિર્માણમાં સ્વ. દેવાણંદબાપાનો સિંહ ફાળો રહ્યો હતો. સામાજીક ક્ષેત્રે પરિવર્તનના વિચારોના પ્રણેતા ખાદા પરિવારે વૈચારિક ક્રાંતિના સંસ્કારો આજની પેઢીએ પણ યથાવત જાળવી રાખ્યા છે.
સ્વ. દેવાણંદબાપાના પુત્ર સ્વ. લાખાભાઇ ખાદાની ૨૫મી પુણ્યતીથી નિમિતે તેમના પરિવારજનો દ્વારા મહારકતદાન કેમ્પ જેવુ સેવાકીય આયોજન હાથ ધરાયુ છે.
વધુને વધુ લોકોએ રકતદાન માટે ઉમટી પડવા ‘માંની મહેર ગ્રુપ' તથા ખાદા પરિવાર દ્વારા અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા વાલાભાઇ ખાદા, રાણાભાઇ ખાદા, મેરામભાઇ ખાદા, દિનેશભાઇ ખાદા, રમેશભાઇ ખાદા, આયદાનભાઇ ખાદા, મહેશભાઇ ખાદા, કૈલાશભાઇ ખાદા, કીરીટભાઇ ખાદા, વિરેન્દ્રભાઇ ખાદા, સાગરભાઇ ખાદા, સહદેવભાઇ ખાદા, કુલદીપભાઇ ખાદા, રાજભાઇ ખાદા, પાર્થભાઇ ખાદા, વિશાલભાઇ ખાદા, જયવીરભાઇ ખાદા વગેરે નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:33 PM IST)










