<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 17th June 2025

મોટા મવા તાલુકા પ્રાથમિક શાળા પાછળ ઉકરડામાંથી અજાણ્‍યા પુરૂષની લાશ મળી

મૃતકના વાલીવારસ હોય તો તાલુકા પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૧૭: મોટા મવામાં તાલુકા  પ્રાથમિક શાળા પાછળથી અજાણ્‍યા પુરૂષની લાશ મળતાં ચકચાર જાગી છે. જાણવા મળ્‍યા મુજબ મોટા મવામાં શાળાની પાછળ આવેલા ઉકરડામાં એક અજાણ્‍યો આશરે ૪૦થી ૪૨ વર્ષનો યુવાન બેભાન જેવી હાલતમાં પડયો હોવાની જાણ થતાં ૧૦૮ પહોંચી હતી. તેના તબિબ મહેન્‍દ્રભાઇ ગોસ્‍વામીએ તેને મૃત જાહેર કરતાં પોલીસ કન્‍ટ્રોલ રૂમ દ્વારા તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. બનાવને પગલે પીએસઆઇ કે. એચ. કારેણામેડમ સહિતના સ્‍ટાફે ઘટના સ્‍થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો.

મૃત્‍યુ પામનારે સફેદ રંગનું આખી બાંહનું ટી-શર્ટ પહેર્યુ છે, જેમાં આગળના ભાગે અંગ્રેજીમાં લખાણ છે. તેમજ આછુ પેન્‍ટ પહેર્યુ છે. ઓળખ થઇ શકે તેવી કોઇ ચીજવસ્‍તુ મળી નથી. ૧૦૮ના તબિબના કહેવા મુજબ કદાચ આ પુરૂષ તડકા, વરસાદમાં ભુખ્‍યા પડી રહેવાને કારણે કે બિમારીથી મૃત્‍યુ થયુ હોઇ શકે છે. પોલીસે મોતનું કારણ જાણવા પોસ્‍ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. તસ્‍વીરમાં દેખાતાં મૃતકના કોઇ વાલીવારસ હોય તો તાલુકા પોલીસનો ૬૩૫૯૬ ૨૭૪૧૫ અથવા પોલીસ કન્‍ટ્રોલ રૂમમાં ૦૨૮૧ ૨૪૫૭૭૭૭ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. 

(3:36 PM IST)