તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
ચેમ્બર પ્રમુખ સાથે વિજયભાઇનાં સંભારણા
જયારે જયારે વી.પી. વૈષ્ણવ સ્વ.વિજયભાઈ રૂપાણીજીને રૂબરૂ મળતા ત્યારે તેઓ પુછતા કે વી.પી. હેપી ત્યારે હું કહેતો કે હેપી. પણ આજે વી.પી. અનહેપી.. :વેપાર-ઉદ્યોગના પ્રશ્નોને વાચા આપવા વિજયભાઇનો સહયોગ અનન્ય રહયો : વી.પી.વૈષ્ણવ

રાજકોટ, તા.૧૭: અમદાવાદ ખાતે એર ઈન્ડિયાના વિમાન ક્રેશ દુર્ઘટનામાં ગુજરાત રાજયના માનનીય પુર્વ મુખ્યમંત્રી સ્વ.શ્રી વિજયભાઈ રૂપાણીજીનું દુઃખદ અવશાન થયેલ છે. તેમની ચીર વિદાયને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવ ઘેરા શોક અને દુઃખની લાગણી વ્યકત કરી અશ્રુભીની શ્રધ્ધાંજલી પાઠવે છે. તેમજ તેમના પરિવાર પર આવી પડેલ આ વિયોગનું દુઃખ સહન કરવાની પરમકળપાળુ પરમાત્મા શકિત આપે તેવી પ્રાર્થના...
સ્વ.શ્રી વિજયભાઈ રૂપાણીજી સતત પ્રજા માટે ચિંતત રહેનાર, સરળ વ્યકિતત્વ જીવન ધરાવનાર અને એક કોમનમેનની છાપ છોડીને રાજકોટની પ્રજાને અચાનક જ અલવિદા કહી દેવાથી ખુબ જ આઘાત લાગ્યો છે. આવા ખમીરવંતાની વિદાયથી રાજકોટ-સૌરાષ્ટ્રને ખુબ જ મોટી ખોટ પડી છે. હજુ પણ માનવામાં આવતું નથી કે સ્વ.વિજયભાઈ આપણી વચ્ચે નથી રહયા, રાજકોટમાં કોઈ એવું ઘર નથી કે જયાં શોક છવાયો ન હોય, એ નગરસેવક હતા ત્યારે કે પછી મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ માયાળુ અને સંવેદનશીલ રહ્યા છે. રાજકોટમાં નાનામાં નાના માણસને તેઓ સહજતાથી મળતા અને સૌને પોતાના જ માનતા.
તેઓશ્રીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમ્યાન હરહંમેશ ગાંધીનગર હોય કે રાજકોટ હોય ગમે ત્યારે રૂબરૂ મુલાકાતો આપતા અને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના વેપાર-ઉદ્યોગકારોના દરેક પ્રશ્નોને વાચા આપવામાં પુરતો સહયોગ આપ્યો હતો. રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી તરીકે રહીને ગુજરાતના વિકાસને વેગવંતુ બનાવ્યું તેમજ રાજકોટની વિકાસને આગેકુચમાં તેઓનું મહત્વનું યોગદાન રહ્યું છે. જેમાં સૌની યોજના થકી શહેરનું જળ સંકટ હળવું કર્યું, એઈમ્સ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, નવી જીઆઈડીસી, અનેક ઓવરબ્રીજો, અટલ સરોવર, સીસીટીવી આઈવે પ્રોજેકટ, સરકારી સ્કુલોનું આધુનીકરણ જેવા અનેકવિધ હજારો કરોડના વિકાસકામોની ભેટ આપી છે. આમ ‘મોસાળે જમણ અને માં પીરસનાર' સ્વ.વિજયભાઈએ રાજકોટને ઘણું બધુ આપ્યું છે... ત્યારે આપને અમો કયારેય નહી ભુલી શકીએ...
છેવાડાના માનવીની સેવામાં સદાય ઓતપ્રોત રહેલા એવા સ્વ.વિજયભાઈ રૂપાણીજી સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખશ્રી વી.પી. વૈષ્ણવના સંભારણા જીંદગીભર યાદ રહેશે. તેમજ આ દિવ્ય આત્માને પરમકળપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના... તેમ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીની અખબારી યાદીમાં જણાવેલ છે.(
(3:54 PM IST)










