તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 17th June 2025
ન્યુ રાજકોટ (વેસ્ટ ઝોન) વિસ્તારમાં સૌથી વધુ ૬૭ મી.મી. (ર.૮૦ ઇંચ) પાણી પડયું
શહેરમાં ગઇકાલે રાત્રીના ૧ર ની સવારના ૮ વાગ્યા સુધીમાં દે ધનાધન : સેન્ટ્રલ ઝોન (જુના રાજકોટ) ના વિસ્તારમાં ૬૦ મી.મી., ઇસ્ટ ઝોન (સામા કાંઠે) માં ૪૭ મી.મી. વરસાદ મનપાના ફાયર કંટ્રોલ રૂમમાં નોંધાયો : જળાશયોમાં સૌની યોજનાનું પાણી ઠાલવવાનું બંધ

રાજકોટ, તા., ૧૭ : ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં નૈરૂત્ય ચોમાસાએ એન્ટ્રી કરી છે ત્યારે ગત શનિવારે શહેરમાં વિજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર ત્રણ ઈંચથી વધુ પાણી વરસી ગયા બાદ ગઈકાલે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે સાંજ સુધી ઝાપટાઓ વરસ્યા હતાં અને રાત્રીના ફરી જોરદાર વરસાદ શરૂ થતાં ગઈકાલે ઝાપટા સ્વરૂપે વરસ્યા બાદ રાત્રીના અનરાધાર વરસ્યો હતો તેમજ વહેલી સવારે છ વાગ્યે ફરી અનેક વિસ્તારોમાં દે ધનાધન પાણી વરસતા ૨૪ કલાક દરમિયાન શહેરમાં ચાર ઈંચથી વધુપાણી વરસી ગયું છે. જેથી મોસમનો કુલ વરસાદ ૮.૫ ઈંચને પાર થઈ ગયો છે.
ગઈકાલે શહેરમાં આખો દિવસ વાદળછાયુ વાતાવરણ રહ્યા બાદ દિવસ દરમિયાન ઝાપટાઓ પડ્યા હતા તેમજ રાત્રીના ધીમીધારે વરસાદ શરૂ થયે જે સવારે છ વાગ્યા સુધી ચાલુ રહેલ ત્યાર બાદ વરસાદે ઉગ્ર સ્વરૂપ પકડતા વેસ્ટઝોનમાં ૬૭ મીમી, સેન્ટ્રલઝોનમાં ૬૦ મીમી અને ઈસ્ટઝોનમાં ૪૭ મીમી પાણી વરસી જતાં વેસ્ટઝોનનો કુલ વરસાદ ૨૬૦ મીમી તથા સેન્ટ્રલઝોનનો કુલ વરસાદ ૨૨૧ મીમી અને ઈસ્ટઝોનનો કુલ વરસાદ ૧૬૬ મીમી સાથે સિઝનનો ત્રણેય ઝોનનો વરસાદ ૬૪૭ મીમી નોંધાયો હતો. ફાયર વિભાગના જાહેર થયેલ આંકડા મુજબ સિઝનનો કુલ વરસાદ ૮ફૂ ઈંચને પાર થઈ ગયો છે અને આજે પણ સવારથી ઝાપટા સ્વરૂપે વરસાદ ચાલુ હોય બપોર બાદ વધુ વરસાદ વરસવાની સંભાવના જોવાઈ રહી છે.
રાજકોટમાં ગઈકાલે રાત્રી દરમિયાન વધુ ચાર ઈંચ પાણી વરસી જતાં મહાનગરપાલિકાની પોલ ફરી વખત ખુલી પડી હતી. ઠેર ઠેર પાણી ભરાવાની ઘટનાઓની સાથો સાથ મનપાના સીવીક સેન્ટરમાં સોસાયટીમાં પાણી ઘુસી જવાની તેમજ સ્ટ્રોમ વોટર યોજનાઓ અને ભુગર્ભગટરો ચોકપ થયાની ફરિયાદોનો ધોધ વહ્યો હતો. રાત્રીના વરસાદ આવતા તંત્ર દ્વારા પણ ફરિયાદોના નિકાલ માટે સવાર સુધી દોડાદોડી કરી હોવાનું જાણવા મળેલ છે. હવામાન વિભાગ દ્વારા આગામી તા. ૨૦ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલ હોય આજે બપોર બાદ વરસાદ તુટી પડે તેવું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે.
શહેરમાં શનિવારના રોજ ઝંઝાવાતી ત્રણ ઈંચ વરસાદ વરસી ગયા બાદ છેલ્લા બે દિવસથી વાદળછાયુ વાતાવરણ હતું જેમાં ગઈકાલે સાંજથી આજે સવાર સુધીમાં વધુ ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો. હવામાન વિભાગના આંકડા મુજબ રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં ૨૧૬ મીમી વરસાદ વરસી ગયાનું નોંધાયું છે. જ્યારે ફાયર બ્રિગેડના આંકડા મુજબ ગઈકાલનો ફક્ત બે ઈંચ વરસાદ દરસાવવામાં આવે છે. જેના લીધે બન્ને વિભાગના આંકડાઓમાં તાલમેલ ન હોય વરસાદનો સાચો આંકડો જાણવા મળી સકતો નથી. છતાં હવામાન વિભાગ દ્વારા ૧ જૂનથી વરસાદી આંકડાઓ જાહેર કરાવમાં આવી રહ્યા છે. જેની સામે ફાયર વિભાગ દ્વારા રાજકોટમાં પ્રથમ વરસાદ પડ્યો ત્યારથી મે મહિનાથી ગણતરી કરી વરસાદના આંકડાઓ જાહેર કરવામાં આવી રહ્યા છે
(4:17 PM IST)










