તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
રાજકોટમાં રોગચાળાએ બે બાળકીનો ભોગ લીધો
કમળો થતાં જુના યાર્ડ પાસે સાગરનગરમાં રહેતી ૯ વર્ષની વિજ્યા અને ઝાડા થઇ ગયા બાદ વિરડા વાજડીની ૬ વર્ષની ધ્રુવીનું મોતઃ પરિવારજનોમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૧૮: વરસાદી ઋતુના આરંભ સાથે રોગચાળાએ પણ માથું ઉંચકી લીધુ છે. બે અલગ અલગ બનાવમાં બે બાળકીનો ભોગ લેવાયો છે. જુના માર્કેટીંગ યાર્ડ પાસે સાગરનગરમાં રહેતાં પરિવારની ૯ વર્ષની દિકરીનું કમળો થયા બાદ મોત થયું છે. તો કાલાવડ રોડના વિરડા વાજડી ગામે રહેતાં મજૂર પરિવારની ૬ વર્ષની દિકરીને ઝાડા થઇ ગયા બાદ મોત થયું હતું. આ બનાવની બંનેના પરિવારોમાં શોક છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ યાર્ડ પાસે સાગરનગર-૯માં રહેતાં રામાભાઇ ભાંગરાની દિકરી વિજ્યા (ઉ.વ.૯)ને કમળો થઇ ગયો હોઇ અમદાવાદ સારવાર કરાવાઇ હતી. બાદમાં નાના મવા રોડ પરની ચિલ્ડ્રન હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
વિજ્યા ત્રણ બહેન અને એક ભાઇમાં વચેટ હતી અને ધોરણ-૫માં અભ્યાસ કરતી હતી. તેને કમળો થયા બાદ લીવર અને મગજ પર અસર થઇ ગઇ હતી. તેણીના પિતા જેસીબીનો વ્યવસાય ધરાવે છે. હોસ્પિટલ મારફત જાણ થતાં આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. લાડકવાયીના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
બીજા બનાવમાં કાલાવડ રોડ પર વિરડા વાજડીમાં રહેતાં મુળ દાહોદના અમિતભાઇ બામણીયાની દિકરી ધ્રુવી (ઉ.વ.૬)ને પરમ દિવસે ઝાડા થઇ જતાં તબિયત બગડતાં મેટોડા ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવાઇ હતી. ડોક્ટરે દવા આપી સારુ ન થાય તો રિપોર્ટ કરવાની સલાહ આપી હતી. પરંતુ બીજા દિવસે એટલે કે ગઇકાલે ધ્રુવીની તબિયત વધુ બગડતાં અને બેભાન થઇ જતાં રાજકોટ ઝનાના હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. અહિ તેણીનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ દ્વારા એ-ડિવીઝન પોલીસને અને ત્યાંથી યુનિવર્સિટી પોલીસને જાણ કરવામાં આવતાં એએસઆઇએ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. ધ્રુવી ત્રણ બહેન અને એક ભાઇમાં બીજા નંબરે હતી. તેના પિતા સીએનસી કંપનીમાં નોકરી કરે છે. મૃતદેહને અંતિમવિધી માટે વતન લઇ જવાયો હતો. (૧૪.૫)
(10:50 AM IST)










