<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

વિજયભાઈ, એમના સમગ્ર રાજકીય જીવનમાં દરેક તબક્કે કલાકારોને ખૂબ માનસન્માન આપતા રહેલ: હેમુ ગઢવી સ્મૃતિ સંસ્થાપન

રાજકોટ: "સંવેદનાની રજાઈમાં ખૂબ નજીક નજીકમાં, ખૂણે ખૂણે જઈ ટાંકા લેવા પડે છે. આખી રજાઈમાં ફરી વળવું પડે છે."

શ્રી હેમુ ગઢવી સ્મૃતિ સંસ્થાપન સંસ્થાના  ;શ્રી બિહારીભાઈ ગઢવી (મો. ૯૯૨૫૦ ૭૫૪૩૭)એ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરતા જણાવ્યું છે કે વિજયભાઈએ  વિદ્યાર્થી પરિષદના કાળથી લઇ કોર્પોસ્ટર, મેયર, રાજ્યસભા સાંસદ, કેબિનેટ મંત્રી અને  મુખ્ય મંત્રી પદ સુધીની રાજકીય યાત્રામાં  ખૂબ સૌમ્યતાપૂર્વક, લાગણીઓ બરકરાર રાખી સમાજના દરેક સ્તરમાં એમણે પોતાની હાજરી સાતત્યપૂર્વક જાળવી રાખી એટલે એ દરેકને પોતાના લાગ્યા. સૌને લાગ્યું કે વિજયભાઈ એમને ક્યાંક ને ક્યાંક સ્પર્શ્યા છે. એમનું ઋણ પોતાના ઉપર છે. નહીંતર રાજકોટના ઇતિહાસમાં ન ભૂતો ન ભવિષ્યતિ જેવો જનસૈલાબ આમ સ્વયંભુ સડકો ઉપર ન ઉમટે. યાદ રહે આમાં સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી આવેલા લોકો પણ હતા. અને એ પણ નોંધવું પડે કે બહુધા યુવા વર્ગ હતો.

બિહારીભાઈ જણાવે છે કે કલાના ક્ષેત્ર ને વિજયભાઈ હંમેશા પોતીકું માનતા. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના બૌદ્ધિક સત્રોની ઘણી સંધ્યાઓ જીતુભાઇ અને બિહારીભાઈનો સાથ લઇ તેઓ લોક ડાયરાની રમઝટથી શણગારતા. એમના સમગ્ર રાજકીય જીવનમાં દરેક તબક્કે તેઓ કલાકારોને ખૂબ સન્માન આપતા. અનેક સરકારી અને પારિવારિક કાર્યકમોમાં તેઓ કલાજગતને નિમંત્રતા અને કાર્યક્રમો માણતા. ક્યારેક તેઓ મંચ ઉપરથી જાતે પણ શૌર્ય  ગીતો લલકારી જાણતા.

 બિહારી ભાઈ વિશેષમાં શ્રદ્ધાંજલિ અર્પતા લખે છે કે હેમુ ગઢવી પરિવાર સાથે તેઓનો નાતો ઘણો ઘનીષ્ઠ અને લાગણીપૂર્ણ રહ્યો. સિત્તેરના દાયકામાં હેમુ ગઢવી માર્ગ પરનાં અમારા નિવાસ સ્થાન સમીપે શ્રી હિતેષભાઇ પંડયાની સંગતમાં વિદ્યાર્થી પરિષદના કાર્યક્રમો ની તૈયારીઓથી લઇને હેમુ ગઢવી માર્ગ નામકરણ, હેમુ ગઢવી નાટ્ય ગૃહ નામકરણ, અને સંગઠનથી લઇ સરકારના વડા તરીકે તેઓએ હંમેશા અમારા પરિવાર તરફ પ્રેમ અને સૌજન્ય દાખવેલ અને દરેક પ્રસંગે સક્રિય સહયોગ આપેલો. સ્વ. હેમુ ગઢવીના જન્મભૂમિ સ્મારક 'હેમ તીર્થ"ના લોકાર્પણ બાદ એના નિભાવની ચિંતા અમને સતાવી રહી હતી. અમારી એક જ મુલાકાતમાં એમણે અમારી આ ચિંતાને કાયમને માટે દૂર કરી દીધી હતી. આજે ગુજરાત સરકારશ્રીના વાર્ષિક અનુદાનથી આ સ્મારક અમે સુંદર રીતે જાળવી શક્યાં છીએ. ગુજરાતી લોકસંગીતની એમની આ અભૂતપૂર્વ સેવા આમ કાળજેયી બની છે. અમારા પરિવારના સારા માઠા પ્રસંગોએ એમની હાજરી અને હૂંફ અમને સદાય મળી છે. પૂ. હરિબા (હેમુ ગઢવીના ધર્મ પત્નિ અને અમારાં માતુશ્રી)નાં નિધન સમયે એમનો સાંત્વના આપતો ફોન બિહારીભાઇ ઉપર તરત આવી ગયેલો. વિજયભાઈનાં અવસાનથી ગુજરાતે એક પનોતા પુત્રને ગુમાવ્યો છે અને હેમુ ગઢવી પરિવારે એક આપ્તજન.ઈશ્વર એમને વૈકુંઠમાં વાસ આપે અને એમના પરિવારને આ વજ્રઘાત સહેવાની શક્તિ આપે એજ પ્રાર્થના..

 

(1:48 PM IST)