તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 18th June 2025
મોરબી રોડના રણજીતભાઇએ ઇન્સ્ટાગ્રામમાં એડ જોઇ ક્લીક કર્યુ અને ૧૬.૬૭ લાખ ગુમાવી દીધા
શેરબજારની ટીપ્સ મેળવી સારુ વળતર મેળવવા જતાં ઠગાઇઃ રોકાણ સામે ૪૧.૧૫ લાખનો નફો બતાવાયોઃ પણ વિડ્રો કરવા જતાં કંઇ ન મળ્યું: પીઆઇ એમ. એ. ઝણકાતે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૮: શેર બજારમાં કમાણીની, ઉંચા વળતરની લાલચ આપી છેતરવાના કિસ્સામાં વધુ એક બનાવ ઉમેરાયો છે. શહેરના મોરબી રોડ પર ગણેશનગરમાં રહેતાં અને નોકરી કરતાં રણજીતભાઇ રૂડાભાઇ સોલંકી (ઉ.વ.૪૩)એ ઇન્સ્ટાગ્રામમાં શેરબજારની ટીપ્સ મેળવી સારુ રીટર્ન મેળવો એવી જાહેરાત વાંચી સંપર્ક કરતાં અને ફોન કરનારે જેમ કહ્યું તેમ કરતાં તેને ૧૬ લાખ ૬૭ હજાર ગુમાવવા પડયા છે.
આ બારામાં શહેર સાયબર ક્રાઇમ પોલીસે રણજીતભાઇ સોલંકીની ફરિયાદ પરથી અલગ અલગ બેંકોમાં ખાતા ધરાવતાં ત્રણ ખાતેદાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. રણજીતભાઇએ કહ્યું હતું કે મેં ૨૩/૪/૨૫ના રોજ ઇન્સ્ટાગ્રામના ઉપયોગ વખતે એક એડ જોઇ હતી. જેમાં શેરબજારમાં ટીપ્સ મેળવી સારામાં સારુ રીટર્ન મેળવો એવુ લખાણ હોઇ મેં ક્લીક કરતાં એક વ્હો્ટસએપ નંબર આવ્યા હતાં. જેમાં શારોન ત્રિવેદી નામ લખેલુ હતું. તેણે મને શેરબજાર વ્શિે સમજાવ્યું હતું.
તેણે જે રીતે વાત કરી તે સાંભળી હું વિશ્વાસમાં આવી ગયો હતો. પછી તેણે મોકલેલી લિંક પરથી ગૂગલ પ્લેસ્ટોરમાંથી એપ ડાઉનલોડ કરી હતી. ત્યારબાદ મારા પાન કાર્ડની ડિટેલ મંગાઇ હતી જે આપી હતી. એ પછી મને મોદી રબ્બર લી.ના શેરમાં રોકાણ કરવા કહેવતાં મેં ૪ લાખનું રોકાણ કર્યુ હતું. બાદમાં કટકે કટકે ૧૬,૬૭,૦૦૦નું રોકાણ કર્યુ હતું. જેની સામે મને તુરત જ ૪૧,૧૫,૩૩૨નો નફો બતાવાયો હતો. આ રકમ મેં વિડ્રો કરવા પ્રયાસ કરતાં મને કહેવાયુ હતું કે હજુ બેંક સાથે સેટલમેન્ટ કરવા બીજા ૪ લાખ તમારે ભરવા પડશે. મેં રકમ ભરવાની ના પાડતાં મને નફાની કે મેં રોકાણ કરેલી કોઇ રકમ પાછી અપાઇ નહોતી. જેથી ફ્રોડ થયાનું જણાતાં સાયબર ક્રાાઇમ હેલ્પલાઇન ૧૯૩૦ પર ફોન કરી ફરિયાદ કરી હતી. તેમ વધુમાં રણજીતભાઇએ જણાવતાં વિજયસિ઼હ જાડેજાએ ગુનો દાખલ કરાવતાં વધુ તપાસ પીઆઇ એમ. એ. ઝણકાતે હાથ ધરી છે.
(3:37 PM IST)










