<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 18th June 2025

૧૩ લાખની થાર ગાડી ભાડે લઇ જઇ મોહિત કુકડીયા ગાયબ થઇ ગયોઃ જયદિપ તન્‍ના સાથે છેતરપીંડી

યુનિવર્સિટી રોડ પર રહેતો જયદિપ પાનના વેપાર સાથે કાર ભાડે આપવાનું કામ પણ કરે છેઃ માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કર્યો

રાજકોટ તા. ૧૮: શહેરના યુનિવર્સિટી રોડ પર રહેતાં અને પાનની દૂકાન ચલાવવા સાથે કાર ભાડે આપવાનું કામ પણ કરતાં યુવાન પાસેથી નાના મવા રોડ ક્‍વાર્ટરમાં રહેતો શખ્‍સ બે દિવસ માટે તેર લાખની કિંમતની થાર કાર ભાડેથી લઇ ગયા બાદ વધુ બે દિવસ કાર રાખવાની છે, ભાડુ મોકલી દઉ છું કહીને કાર પોતાની પાસે રાખ્‍યા બાદ છેલ્લે કાર સાથે ગૂમ થઇ જતાં અને ફોન પણ બંધ કરી દેતાં પોલીસને જાણ કરવામાં આવી છે.

આ બનાવમાં માલવીયાનગર પોલીસે યુનિવર્સિટી રોડ એચપી પેટ્રોલ પંપ સામે મંગલમ્‌ પાર્ક-૨માં શુભમંગલ ખાતે રહેતાં જયદિપ ભરતભાઇ તન્‍ના (ઉ.વ.૩૦)ની ફરિયાદ પરથી નાના મવા રોડ આરએમસી ક્‍વાર્ટરમાં રહેતાં મોહિત કિશોરભાઇ કુકડીયા તથા તપાસમાંખુલે તેની સામે ગુનો નોંધ્‍યો છે.

જયદિપ તન્‍ના પરિવાર સાથેરહે છે અને એચપી પંપ સામે મનમંદિર પાન નામે દૂકાન ચલાવે છે. તેના પિતા હયાત નથી અને નાનો ભાઇ અમદાવાદ નોકરી કરે છે. જયદિપે વધુમાં જણાવ્‍યું છે કે હું પાનનો વેપાર કરવાની સાથે સાથે મિત્ર જીજ્ઞેશ પરષોત્તમભાઇ રાજ્‍યગુરૂ સાથે મળી કાર ભાડે આપવાનું કામ પણ કરીએ છીએ. અમરાી આ કામ માટેની ઓફિસ મવડી રોડ ગ્રામીણ બેંકવાળી શેરીમાં જયશ્રી ચામુંડા ટ્રાવેલ્‍સ નામે છે. અમારી પાસે ત્રણ કાર છે. જેમાં થાર જીજે૦૩પીડી-૯૯૯૪ મારા નામે છે. તા. ૮/૫ના સાંજે સાતેક વાગ્‍યે દુકાને હતો ત્‍યારે મને મોહિત કુકડીયાનો ફોન આવ્‍યો હતો. તે અગાઉ ત્રણેક વખત કાર ભાડે લઇ ગયો હોઇ જેથી તેની સાથે પરિચય હતો.

મોહિતે થાર કાર ભાડેથી જોઇએ છે તેમ કહેતાં મેં એક દિવસનું ભાડુ ૪૦૦૦ થશે તેમ કહ્યું હતું. જેથી મોહિતે બે દિવસ માટે કાર જોઇએ છે તેમ કહેતાં મેં હા પાડી હતી અને કાર મવડી ચોકડીએ જેમાડી હોટલ પાસે છે ત્‍યાં જઇ મારા ભાગીદાર જીજ્ઞેશભાઇના દિકરા ઓમભાઇ ઉભા છે તેને મળજો એટલે કાર આપી દેશે તેમ કહ્યું હતું. બાદમાં સાંજે સાડા આઠેક વાગ્‍યે ઓમે મને ફોન કરી મોહિત કુકડીયા થાર કાર લઇ ગયાનું કહ્યું હતું. જો કે બે દિવસ થઇ જવા છતાં મોહિત કાર પાછી આપવા ન આવતાં મેં ફોન કરતાં તેણે હજુ એક દિવસ કાર રાખવાની છે અને ભાડુ હું મોકલાવું છું તેમ કહ્યું હતું.

આ પછી ત્રીજા દિવસે મેં તેને ફરી ફોન કરતાં તેણે હજુ એક દિવસ કાર રાખવાની છે કહી ભાડુ આપ્‍યું હતું. ત્‍યારબાદ દિવસ પુરો થતાં મેં કાર માગતા તેણે પોતે કાર બીજા દિવસે આપી જશે તેમ કહ્યું હતું. પરંતુ પછી તેનો ફોન બંધ થઇ ગયો હતો. છેલ્લા પંદર દિવસથી ફોન બંધ આવે છે.  આમ મારી ૧૩ લાખની કાર મોહિત કુકડીયા ભાડેથી લઇ જવાના બહાને લઇ ગયા બાદ પાછી આપતો ન હોઇ વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ નોંધાવી હતી. તેમ વધુમાં જયદિપ તન્‍નાએ કહેતાં પીઆઇ જે. આર. દેસાઇની રાહબરીમાં હેડકોન્‍સ. આર. એ. ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:12 PM IST)