<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

નાના મવા જયભીમનગરમાં ૩૧ વર્ષના નરસી રાઠોડનું વિજકરંટ લાગતાં મોત

પાણીની મોટરનો વાયર હાથમાં વિંટાઇ ગયો હોઇ તે કાઢતી વખતે બનાવઃ યુવાનને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયોઃ પરંતુ દમ તોડી દીધોઃ પરિવારજનોમાં ગમગીની

રાજકોટ તા. ૧૯: વરસાવદી ઋતુમાં જીવજંતુ કરડવાના અને વિજકરંટ લાગવાના બનાવો વધી જતાં હોય છે. બે દિવસ પહેલા જ રૈયાધારમાં એક બાળકીનું ઘર પાસે વિજથાંભલાના તાણીયાને ચાલુ વરસાદે અડી જતાં કરંટ લાગવાથી મોત થયું હતું. દરમિયાન નાના મવામાં રહેતાં એકત્રીસ વર્ષના યુવાનનો વિજકરંટ  લાગવાથી ભોગ લેવાતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે.

જાણવા મળ્‍યા મુજબ નાના મવા જયભીમનગર-૪/૫ના ખુણે રહેતો નરસીભાઇ પાલાભાઇ રાઠોડ (ઉ.વ.૩૦) નામનો યુવાન સાંજે ઘરે હતો ત્‍યારે વિજકરંટ લાગતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ ટુંકી સારવારને અંતે તેનું મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, શક્‍તિસિંહ, ધર્મેન્‍દ્રભાઇ, પ્રશાંતભાઇએ તાલુકા પોલીસને જાણ કરતાં એએસઆઇ ડી. સી. જોષીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃત્‍યુ પામનાર નરસીભાઇ બે ભાઇ અને એક બહેનમાં નાના તથા અપરિણીત હતાં. તેના માતા-પિતા હયાત નથી. તે કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતાં હતાં. તેના ભાઇએ જણાવ્‍યું હતું કે પાણીની મોટર ચાલુ કરી તે વખતે મોટરનું દોરડુ નરસીભાઇના હાથમાં વીંટાઇ ગયું હતું. તે કાઢતી વખતે તેમાંથી કરંટ આવી ગયો હતો.

(2:08 PM IST)