<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

મોટા મવામાં સમજુબેન સંખાવરાના ગળામાંથી સોનાનો ચેઇન ખેંચાયો

વૃધ્‍ધા ઘરેથી બ્રહ્માકુમારી ઓમશાંતિ સેન્‍ટરમાં જવા નીકળ્‍યા ત્‍યારે બાઇકચાલક ચિલઝડપ કરી ગયોઃ તાલુકા પોલીસે તપાસ હાથ ધરી

રાજકોટ તા. ૧૯: ચિલઝડપનો વધુ એક બનાવ બન્‍યો છે. જેમાં મોટા મવામાં રહેતાં વૃધ્‍ધા ઘરેથી ચાલીને નજીકમાં આવેલા ઓમશાંતિ સેન્‍ટર ખાતે જતાં હતાં ત્‍યારે પાછળથી આવેલો બાઇકચાલક ગળામાં ઝોંટ મારી એક લાખની કિંમતનો ચેઇન ખેંચી ભાગી ગયો હતો. આ બનાવ અંગે તાલુકા પોલીસે  કાલાવડ રોડ મોટા મવા સેલેનિયમ સ્‍ક્‍વેરની સામે શિવમ્‌ પાર્ક-૧માં રહેતાં સમજુબેન ડાયાભાઇ સંખાવરા (ઉ.વ.૬૫) નામના વૃધ્‍ધાની ફરિયાદ પરથી બાઇકચાલક વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

સમજુબેન દિકરા હસમુખભાઇ અને પુત્રવધુ ભારતીબેન તથા પોૈત્ર, પોૈત્રી સાથે રહે છે. તેમના પતિ હયાત નથી. બુધવારે સાંજે પોણા પાંચેક વાગ્‍યે તેઓ ઘરેથી નીકળીને ઘર નજીક જ આવેલા બ્રહ્માકુમારી ઓમ શાંતિ સેન્‍ટર ખાતે જવા નીકળ્‍યા ત્‍યારે ચીલઝડપનો બનાવ બન્‍યો હતો. સમજુબેને જણાવ્‍યું હતું કે હું ઘરેથી નીકળીને માંડ આશરે ૨૦૦ ફુટ આગળ ચાલી હતી ત્‍યારે માસુમ સ્‍કૂલવાળા રોડ પર પહોંચતા પાછળથી મારા ગળા પર ઝોંટ મારવામાં આવી હતી. મેં જોતાં એક બાઇકવાળો મારા ગળામાંથી સોનાનો ચેઇન ખેંચી નીકળી ગયો હતો.

હું ગભરાઇ જતાં ઘરે જઇ મારા દિકરા, વહુને વાત કરી હતી. એ પછી અમે પોલીસ સ્‍ટેશને ગયા હતાં. જે ચેઇન બાઇકચાલક ચિલઝડપ કરીને લઇ ગયો તે આઠેક વર્ષ પહેલા લીધો હતો અને દોઢ તોલાનો હતો. તેની કિંમત આશરે એક લાખ હતી. તાલુકા પીઆઇ ડી. એમ. હરિપરાની રાહબરીમાં હેડકોન્‍સ. ભોજભાઇ મોભે ગુનો નોંધતાં વધુ તપાસ ડી. સ્‍ટાફની ટીમે હાથ ધરી છે.

(2:12 PM IST)