<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

પરણેલી પ્રેમિકા અને કુંવારા પ્રેમીનો આપઘાત

ન્‍યારાના પાટીયે દેશી ભાણાની પાછળ આવેલી વાડીમાં સજોડે ઝેર પી લીધું: મહિલા પરણેલી અને ત્રણ સંતાનની માતા હતીઃ યુવાન કુંવારો હતોઃ અગાઉ યુવાનની વાડીમાં પરિવાર સાથે રહી મજૂરી કરતી ત્‍યારથી બંને વચ્‍ચે પ્રેમ પાંગર્યો'તો : અમરેલીના માછીયાળાનો ૩૭ વર્ષિય વિનોદભાઇ જાવીયા ગત રાતે સાવરકુંડલા તરફ રહેતી એમપીની ૪૦ વર્ષિય મહિલા સાથે ભાગી નીકળ્‍યા બાદ પડધરી પંથકની વાડીમાં પગલુ ભર્યુઃ પરિવારોમાં અરેરાટી

 

રાજકોટ તા. ૧૯: પ્રેમપ્રકરણમાં વધુ એક યુગલે જિંદગીનો અંત આણી લીધો છે. પરણેલી અને ત્રણ સંતાનની માતા એવી મહિલાને કુંવારા યુવાન સાથે પ્રેમ થઇ ગયો હતો. ચાર-પાંચ વર્ષથી ખેતર માલિક યુવાન અને મજૂર પરિવારની મહિલા વચ્‍ચે ચાલી રહેલી પ્રેમકહાનીનો બંનેના આપઘાત સાથે કરૂણ અંત આવી ગયો હતો. અમરેલીના માછીયાળા ગામનો ખેડૂત યુવાન ગત રાતે પરણેલી પ્રેમિકા સાથે ભાગી નીકળ્‍યો હતો. બંનેના પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતાં ત્‍યારે બંનેએ રાજકોટના પડધરી તાબેના ન્‍યારા નજીક આવેલી વાડીમાં સજોડે ઝેર પી મોત મેળવી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.

જાણવા મળ્‍યા મુજબ પડધરીના ન્‍યારાના પાટીયા નજીક અંજલી ફાર્મ પાસે દેશીભાણુ હોટલથી અંદરના ભાગે ડાબી સાઇડ પર આવેલી એક વાડીમાં સવારે અજાણ્‍યાસ્ત્રી-પુરૂષ બેભાન હોઇ અને તેણે ઝેર પીધું હોય તેવું જણાતું હોઇ ત્‍યાંથી નીકળેલા રાહદારીએ પડધરી પોલીસ અને ૧૦૮ને જાણ કરી હતી. ૧૦૮ના તબિબે પુરૂષને ઘટના સ્‍થળે મૃત જાહેર કર્યો હતો. જ્‍યારે મહિલાને બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ તેનું સારવાર દરમિયાન મૃત્‍યુ થયું હતું. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્‍દ્રભાઇ, શક્‍તિસિંહ અને પ્રશાંતભાઇએ પડધરી પોલીસમાં નોંધ કરાવી હતી.

પડધરી પોલીસે તપાસ શરૂ કરતાં આપઘાત કરનાર યુવાન પાસેથી મળેલા મોબાઇલ, આધારકાર્ડ સહિતને આધારે તેની ઓળખ થતાં તેના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. આ યુવાનનું નામ વિનોદભાઇ બાબુભાઇ જાવીયા (ઉ.વ.૩૭) હોવાનું અને તે અમરેલીના માછીયાળાનો વતની હોવાનું ખુલ્‍યું હતું. વિનોદભાઇ ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. તે બે ભાઇમાં નાના અને અપરિણીત હતાં.

વિનોદભાઇની સાથે આપઘાત કરનાર મહિલા મુળ મધ્‍યપ્રદેશની હતી. તેણી થોડા વર્ષો પહેલા વિનોદભાઇની વાડીમાં જ પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતી હતી. તેણીને ત્રણ સંતાન છે. પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ વિનોદભાઇ અને આ પરિણીતા વચ્‍ચે પ્રેમ થઇ ગયો હતો. જો કે હાલમાં પરિણીતા તેના પરિવાર સાથે સાવરકુંડલા પંથકની વાડીમાં રહેતી હતી. ગત રાતે આ બંને ભાગી નીકળ્‍યા હતાં. આથી બંનેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બંનેએ રાજકોટના પડધરી પાસે સજોડે આપઘાત કરી લેતાં બંનેના પરિવારજનોમાં કલ્‍પાંત સર્જાયો હતો. પડધરી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૧૦)

(2:58 PM IST)