હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમની ૪.૮૩ કરોડના ખર્ચે થશે કાયાપલટ
નવુ પેવેલિયન ચાર માળનું બનાવાશે : જીમ ચેન્જીંગ રૂમ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાશે

રાજકોટ, તા.૧૯: શહેરના રેસકોર્સ ખાતે આવેલ શહેરનું પ્રથમ માધવરાવ સિંધિયા ક્રિકેટ મનપાએ હવે સ્ટેડિયમને અલગ અલગ હેતુ માટે ભાડેથી આપવાનો નિર્ણય લીધો છે. અને સાથો સાથ ઘર આંગણાની મેચ આ સ્ટેડિયમ ખાતે યોજાય તે માટે માધવરાવ સિંધિયા સ્ટેડિયમનું રૂા.૪.૮૩ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાંટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હોવાની મનપાની સતાવાર યાદીમાં જણાવાયુ છે.
શાસકોએ મનપાના વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં માધવરાવ સિંધિયા સ્ટેડિયમને અલગ અલગ ફંક્શન માટે ભાડે આપવાનો નિર્ણય લીધો છે. જેના લીધે અમુક લગ્ન સમારંભો તેમજ નવરાત્રી આયોજન દરમિયાન સ્ટેડિયમની ખો નિકળી જશે તેવી ચર્ચા જાગેલ છતાં આ નિર્ણય બરકરાર રાખી સ્ટેડિયમમાં મોટાપાયે ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સુત્રોમાંથી મળતી માહિતી મુજબ માધવરાવ સિંધિયા સ્ટેડિયમમાં વર્ષો જૂનું હાલ ત્રણ માળનું પેવેલીયન છે. જે હવે વિશાળ બનાવવામાં આવશે. તેના માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્ટેડિયમનું જુનું બીલ્ડીંગ તોડી પાડી તેના સ્થાને રૂા. ૪.૮૩ કરોડના ખર્ચે ચાર માળનું અદ્યતન સુવિધા વાળુ નવુ પેવેલિયન તૈયાર કરવામાં આવશે.
માધવરાવ સિંધિયા સ્ટેડિયમનું નવીનીકરણ કરવા માટે રૂા. ૪.૮૩ કરોડનો ખર્ચો કરાશે જેમાં ચાર માળના બિલ્ડીંગમાં સ્ટાફરૂમ તેમજ ખેલાડીઓ માટે ચેન્જીંગરૂમ સહિતની સુવિધાઓ તથા જીમ તેમજ પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સ્ટેડિયમમાં મેચ રમાડવાનું બંધ કરવામાં આવ્યું છે. પરંતુ સ્થાનિક લેવલે રમાતી પ્રતિયોગીતાઓ માટે સ્ટેડિયમ એકદમ ઉપયોગી થઈ શકે તે માટે પેવેલિયનની સાથો સાથ હાલમાં રહેલ પ્રેક્ષકોની બેઠક વ્યવસ્થામાં પણ સુધારા-વધારા કરાશે. પેવેલિયનના નવીનીકરણ માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે બીડ ઓપન થયા બાદ સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરી વર્કઓર્ડર સાથે ઝડપથી કામ શરૂ કરવામાં આવશે.










