તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 20th June 2025
ભગવતીપરામાં એક રાત રેઢા ઘરમાંથી ૧૯ લાખની ચોરી
ઘરધણી નીલાબેન ચોૈહાણ અને દિકરી થોરાળામાં ભાઇના ઘરે માતાજીની બેઠકમાં ગયા હતાં: પુત્ર પણ રાતે બહારથી આવી ત્યાં ગયો હતોઃ સવારે છ વાગ્યે ઘરે આવ્યા ત્યારે ચોરીની જાણ થઇ : તસ્કરો પાછળની બારીની ગ્રીલ તોડી અંદર ઘુસ્યાઃ રોકડ-દાગીના ચોરી ગયાઃ ત્રણ શકમંદ સીસીટીવીમાં દેખાયાઃ ભેદ ઉકેલવા લેવા પોલીસની ટીમો ઉંધેમાથેઃ ડોગ સ્ક્વોડ, ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોને સાથે રાખી ડીસીબી, એલસીબી, બી-ડિવીઝન પોલીસ દ્વારા તપાસનો ધમધમાટઃ જમીન મકાન ખરીદવા માટે એકઠી કરેલી મહેનતની કમાણી ચોર લઇ ગયા

જ્યાં ચોરી થઇ તે ચોૈહાણ પરિવારનું મકાન, ઘટના સ્થળે પોલીસ અધિકારીઓ, સ્ટાફ અને વિગતો જણાવતાં પરિવારજનો તેમજ ઘરમાં વેરવિખેર ચીજવસ્તુઓ જોઇ શકાય છે (ફોટોઃ અભિજીત બગથરીયા)
રાજકોટ તા. ૨૦: શહેરમાં તસ્કરોએ ફરી ઉપાડો લીધો છે. ભગવતીપરામાં એક જ રાત માટે રેઢા રહેલા મકાનમાં પાછળની બારીની ગ્રીલ તોડી અંદર ઘુસી રોકડ, દાગીના મળી રૂા. ૧૮,૯૫,૪૦૦ની માલમત્તા ચોરી જતાં ભેદ ઉકેલવા પોલીસની ટીમો ઉંધામાથે થઇ છે. મકાન માલિક વિધવા મહિલા અને તેના દિકરા રાતે થોરાળા વિસ્તારમાં ભાઇને ત્યાં માતાજીનો પાઠ હોઇ ત્યાં ગયા હતાં. એક રાત માટે તેમનું ઘર રેઢુ હોઇ ચોર ત્રાટકીને લાખોની માલમત્તા ઉસેડી ગયા હતાં. ત્રણ શકમંદ સીસીટીવી કેમેરામાં દેખાયા હોઇ તેના આધારે ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
જાણવા મળ્યા મુજબ ભગવતીપરા શેરી નં. ૧૫માં આવેલી પ્રજાપતિની વાડી પાસે રહેતાં પ્રજાપતિ નીલાબેન મુકેશભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૦)ના ઘરમાં ચોરી થયાની જાણ થતાં બી-ડિવીઝન પોલીસ મથકની ટીમ પહોંચી હતી અને કાર્યવાહી કરી હતી. પોલીસે તપાસ કરતાં તસ્કરો બંધ મકાનની પાછળની બારીની ગ્રીલ તોડી અંદર ઘુસી રોકડા રૂા. ૯,૬૦,૦૦૦ તથા ૮.૯૫ લાખના સોનાના દાગીના અને ૪૦ હજારના ચાંદીના દાગીના મળી કુલ ૧૯,૯૫,૪૦૦ની માલમત્તા ચોરી ગયાનું જણાતાં નીલાબેન ચોૈહાણની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો હતો.
નીલાબેન ચોૈહાણના પતિ હયાત નથી. તેમના પુત્ર દર્શનભાઇ મુકેશભાઇ ચોૈહાણ ઘર નજીક જ ગણેશ જલાઉ નામે લાકડાનો ડેલો ચલાવે છે. નીલાબેન ગઇકાલે રાતે થોરાળા વિસ્તારમાં રહેતાં પોતાના ભાઇ મનુભાઇના ઘરે માતાજીની બેઠક હોઇ જેથી દિકરીને લઇને ઘરને તાળુ મારી ત્યાં ગયા હતાં. દિકરા દર્શનભાઇ ચોૈહાણ પણ બહાર તેમના કામ માટે ગયા હતાં. મોડી રાતે પરત આવી તે પણ સીધા થોરાળામાં મામાના ઘરે પહોંચ્યા હતાં. આજે સવારે છએક વાગ્યે માતા-પુત્ર ભગવતીપરામાં પોતાના ઘરે આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થતાં દર્શનભાઇએ પોતાના મોટા બાપુને જાણ કરી હતી અને પોલીસને ફોન કર્યો હતો.
ચોરીની ઘટનાની જાણ થતાં બી-ડિવીઝન પીઆઇ એસ. એસ. રાણે, એએસઆઇ હીરાભાઇ રબારી, ડી. સ્ટાફની ટીમ તેમજ ડીસીપી સજજનસિંહ પરમાર, ડીસીપી ક્રાઇમ ડો. પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીબીની ટીમ, એલસીબીની ટીમ સહિતનો કાફલો પહોંચ્યો હતો. તસ્કરો મકાનની પાછળની બારીની ગ્રીલ તોડી ઘરમાં ઘુસી ગયા હતાં અને સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ ચોરી ગયા હતાં. પોલીસે ડોગ સ્ક્વોડ, ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોને સાથે રાખી તપાસ શરૂ કરી હતી. સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્રણ શકમંદ જોવા મળતાં તેના આધારે તપાસ શરૂ થઇ છે. જે રોકડ રકમ હતી તે દર્શનભાઇએ જમીન કે મકાન ખરીદવા માટે કટકે કટકે ભેગી કરી હતી. મહેનતની કમાણીની આ રકમ તસ્કરો ઉસેડી જતાં ચોૈહાણ પરિવારમાં ચિંતા વ્યાપી ગઇ હતી. પોલીસની અલગ અલગ ટીમોએ ભેદ ઉકેલવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. (૧૪.૬)
(2:40 PM IST)










