<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th June 2025

ગાંધીગ્રામના પંકેશ છૈયાએ પત્‍નિ, સાસુ, સસરાના ત્રાસથી ઝેર પીધું: છૂટાછેડાના ૨૫ લાખ મંગાયા

લગ્ન બાદ પત્‍નિએ સંબંધ જ ન બાંધ્‍યા, પતિએ બાળક વિશે વિચારવાનું કહેતાં કહ્યું-તું તારી રીતે, હું મારી રીતે રહીશ! : એક વર્ષ પહેલા જ બીજા લગ્ન કરનાર યુવાનને અને તેના પરિવારને ખોટા કેસમાં ફીટ કરાવી જિંદગી બગાડી નાખવાની ધમકીઃ સાસુ-સસરાએ છુટાછેડા માટે નાણા માંગ્‍યાઃ ગાંધીગ્રામ પોલીસે સોનલ, તેના પિતા રાયમલભાઇ શિયાર, માતા રાધુબેન વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો

 

રાજકોટ તા. ૨૦: અનેક એવા કિસ્‍સા રોજબરોજ બને છે જેમાં પરિણીતાઓ પતિ કે સાસરિયાના ત્રાસ સામે ફરિયાદ નોંધાવતી હોય છે અને અમુક વખત આપઘાતનો પ્રયાસ કે આપઘાત કરતી હોય છે. પરંતુ રાજકોટ શહેરમાં એક ઉલ્‍ટો કિસ્‍સો સામે આવ્‍યો છે. જેમાં ગાંધીગ્રામ ગોવિંદનગરમાં રહેતાં અને કંપનીમાં નોકરી કરતાં યુવાને પોતાની પત્‍નિ, સાસુ, સસરાના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસે ગુનો નોંધ્‍યો છે. પત્‍નિએ લગ્ન થયા ત્‍યારથી પતિ-પત્‍નિના સંબંધો પણ બાંધ્‍યા નહોતાં અને તમે તમારી રીતે, હું મારી રીતે રહીશ તેમ કહી દીધુ હતું. સાસુ-સસરાએ જો છુટાછેડા જોઇતા હોય તો ૨૫ લાખ આપવા પડશે તેમ કહેતાં યુવાને આ પગલુ ભર્યુ હતું.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ગાંધીગ્રામ ગોવિંદનગર-૫માં ‘શ્રધ્‍ધા' નામના મકાનમાં રહેતાં અને ગોંડલ રોડ પર શિવ હોટેલ પાછળ આવેલી એમ્‍ટેક ઇવેસ્‍ટમેન્‍ટ કાસ્‍ટીંગ નામની કંપનીમાં નોકરી કરતાં પંકેશભાઇ રમેશભાઇ છૈયા (ઉ.વ.૨૫) નામના યુવાનની ફરિયાદ પરથી તેની પત્‍નિ સોનલ તથા સાસુ રાધુબેન રાયમલભાઇ શિયાર અને સસરા રાયમલભાઇ વિરૂધ્‍ધ બીએનએસની કલમ ૩૫૧ (૨), ૫૪ મુજબ ખોટા કેસમાંફસાવી દેવાની ધમકી દઇ હેરાન કરી ત્રાસ આપવાનો ગુનો નોંધ્‍યો છે. સતત ત્રાસને કારણે પરેશભાઇએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

પંકેશભાઇ છૈયાએ જણાવ્‍યું છે કે હું માતા સરોજબેન, પિતા રમેશભાઇ દેસુરભાઇ છૈયા સાથે રહુ છું અને કંપનીમાં નોકરી કરુ છું. એક વર્ષ પહેલા મારા લગ્ન મવડી પ્‍લોટ શ્રીનાથજી સોસાયટી-૯માં રહેતી યુવતિ સાથે જ્ઞાતિના રિવાજ મુજબ થયા હતાં. પણ છુટાછેડા થયા બાદ ૧૦/૧૨/૨૪ના રોજ ૮૦ ફુટ રોડ મહાવીરનગર-૩ રાધે હાર્ડવેર પાસે રહેતાં રાયમલભાઇ શિયારની દિકરી સોનલ સાથે બીજા લગ્ન કર્યા છે. અમે ફુલહાર કરી ઘરમેળે આ લગ્ન કર્યા હતાં. આ લગ્નથી મારે કોઇ સંતાન નથી. અમે પતિ-પત્‍નિ તરીકે સાથે રહેતાં હોવા છતાં મારી પત્‍નિએ લગ્નની પ્રથમ રાતથી લઇ આજ સુધી મારી સાથે લગ્નના કોઇ સંબંધ બાંધ્‍યા નથી. હું પત્‍નિ સોનલને ખુબ સારી રીતે રાખતો હોવા છતાં  તે નાની નાની વાતે મારી સાથે બોલચાલી અને ઝઘડા કરતી હતી.

અમારા કુટુંબમાં કોઇ જગ્‍યાએ પ્રસંગ હોય તો તેને અમારી સાથે આવવાનું કહેવા છતાં આવતી નહિ. આ રીતે નાની વાતોમાં અમારી વચ્‍ચે બોલાચાલી થતી હતી. દરમિયાન ગત ૫/૬/૨૫ના રોજ બપોરે બે વાગ્‍યે હું ઘરે હતો ત્‍યારે મેં પત્‍નિ સોનલને કહેલુ કે-આપણે હવે બાળક વિશે વિચારવું પડશે. જેથી સોનલે કહેલું કે-તુ તારી રીતે રહે, હું મારી રીતે રહીશ! એ પછી તેણે મને ધમકી આપી હતી કે હું આત્‍મહત્‍યા કરી લઇશ અને તમારા બધાના નામ લખાવતી જઇશ, તમને બધાને ખોટા કેસમાં ફીટ કરાવીને તમારી જિંદગી બરબાદ કરી નાંખીશ.

આ રીતે અમારે પતિ-પત્‍નિ વચ્‍ચે બોલાચાલી થતાં તેણી મને જાણ કર્યા વ્‍ગર તેના પિયરે જતી રહી હતી. આ પછી મારા સાળા દેવદાન રાયમલભાઇ શિયારને વાત કરતાં ૭મીએ સવારે દસેક વાગ્‍યે મારા સાળા, સાસુ, સસરા, મારા પત્‍નિ ઘરે આવ્‍યા હતાં અને ઝઘડો કર્યો હતો. મારા સાસુએ મને કહેલુ કે-અમારી દિકરીને તમારે કંઇ કહેવાનું નહિ, તેને જેમ રહેવું હોય તેમ રહેવા દેવાની. તેને કંઇ કહેશો તો તમારા બધાની જિંદગી બરબાદ કરી નાખશું. આ રીતે મારા પત્‍નિ, સાસુએ ધમકી આપી હોઇ અને નાની નાની વાતે વારંવાર કંકા કરી બોલાચાલી કરતાં હોઇ હું માનસિક રીતે હેરાન પરેશાન થઇ જતાં મેં એ દિવસે જ સાતમીએ ઝેરી દવા પી લીધી હતી. મને સદ્દભાવના હોસ્‍પિટલમાં દાખલ કરાયો હતો. આ પછી મારા પરિવારના સભ્‍યો મારા સાસરિયામાં ગયા હતા. જેથી મારા સાસુ-સસરાએ કહેલું કે જો તમારે છુટાછેડા લેવા હોય તો ૨૫ લાખ આપવા પડશે. સારવાર બાદ મને હવે રજા અપાતાં મેં ફરિયાદ નોંધાવવાનું નક્કી કર્યુ હતું. તેમ વધુમાં પંકેશભાઇએ કહેતાં પીઆઇ આર. એસ. મેઘાણીની રાહબરીમાં હેડકોન્‍સ. આર. ડી. બારૈયાએ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. (૧૪.૭)

(2:42 PM IST)