તા. ૧૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાસુદ – ૧૪ મંગળવાર
News of Friday, 20th June 2025
૧.૩૦ કરોડની લોનની ઉઘરાણી કરતા લોન ઓફીસરને જામીન દ્વારા ધમકી !
વાંકાનેરની પ્રજાપત કંપનીના માલીકે લોન પેટે આપેલા ૬પ-૬પ લાખના બે ચેક બાઉન્સ થયા બાદ લોન રિકવરીની પ્રક્રિયામાં : પ્રદીપસિંહ રાણાએ ઓફીસર આબીદભાઇ ભારમલને ઉંધા લટકાવી ટાંટીયા ભાંગી નાખવા-મારી નાખવાની ધમકી આપી

રાજકોટ, તા., ર૦: શહેરના એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં આબીદભાઇ નુરૂદીનભાઇ ભારમલ (ઉ.વ.૬૯, રહે. દિવાનપરા શેરી નં. ૬/૪ રાજકોટ) દ્વારા વાંકાનેરના અરણી ટીંબા ગામના પ્રદીપસિંહ તખતસિંહ ઝાલા (રાણા) એ પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરીયાદ નોંધાવી છે.
ફરીયાદમાં જણાવાયું છે કે, હું ઉપરના સરનામે રહું છું અને જીવન કોમર્શીયલ બેંકમાં નોકરી કરૂ છું. તા. ર૦ મીના સાંજે પાંચ વાગ્યે હું બેંકની મુખ્ય શાખા ઢેબર રોડ વનવે ખાતે હાજર હતો ત્યારે બેંકના લોન ધારક વાંકાનેરની પ્રજાપત કંપનીના જામીન પ્રદીપસિંહ તખતસિંહ ઝાલાને મેં તેમના મોબાઇલ નંબર ઉપર ફોન કર્યો હતો કારણ કે સાલ ર૦૧ર માં અમારી બેંક દ્વારા પ્રજાપત કંપનીને ૧ કરોડ ૩૦ લાખની લોન આપવામાં આવી હતી. જે પેટે અપાયેલા ૬પ-૬પ લાખના બે ચેક રીટર્ન થતા કારખાનાના સંચાલકો લોનની રીકવરી કરીએ ત્યારે ગલ્લા-તલ્લા કરતા હોવાથી મેં જામીન પ્રદીપસિંહને આ ફોન કર્યો હતો અને લોનના હપ્તા ભરી આપવા જણાવતા તેઓ ગુસ્સે થઇ ગયા હતા અને અરણીટીંબા આવ તને ઉંધો લટકાવવો છે તેમ કહી હવે જો લોનની ઉઘરાણી કરી છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
આ પહેલા મેં વાંકાનેર પ્રજાપત કંપની ઉપર જઇ સંચાલકો પાસે લોનની રીકવરીની પ્રક્રિયામાં સાથ સહકાર આપવા કહેલું. અને લોનમાં જામીનગીરી માટે અપાયેલ મકાનની સાઇટ પર વિઝીટ કરતા તે મકાન લોન ધારકોએ તોડીને ખુલ્લા પ્લોટમાં જમીન તબદીલ કરી નાખ્યાનું જણાતા મેં જામીન પ્રદીપસિંહને લોન ભરી આપવા વ્યવસ્થા કરવા જણાવ્યું હતું. જેનાથી ઉશ્કેરાઇ જઇ તેમણે એવું કહેલું કે મેં કેસરીસિંહ જાડેજા (કેશુ) જે પ્રજાપત કંપનીના સંચાલક છે તેમને કહયું છે કે હવે જો ઉઘરાણી કરવા બેંક ઓફીસર આવે તો તેને ઢસડીને મારી પાસે અરણી ટીંબા લઇ આવજે. પ્રદીપસિંહે મને ફોન પર ‘રેકોર્ડીંગ કરવુ હોય તો કરી લે, તું મને ઓળખતો નથી, હું ડીવાયએસપી તખુભા રાણાનો દીકરો છું. ત્યારે મેં પોલીસ કમિશ્નર સમક્ષ ફરીયાદ કરવા જાવ છું તેવું કહેતા વધુ ગાળો પી.ટી.રાણાએ આપી હતી'. ર૦ મી તારીખે ઉપરાઉપરી ૩ ફોન કરી જીવન બેંકની લોન રીકવરી કરશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પી.ટી.ઝાલા (રાણા)એ આપી હતી.
ઉપરોકત ફરીયાદ સંદર્ભે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિતા ર૦ર૩ ની કલમ ૩પ૧ (૩) મુજબ ગુન્હો નોંધી હેડ કોન્સ્ટેબલ સાગરભાઇ માવદીયાએ તપાસ હાથ ધરી છે.
(4:15 PM IST)










