તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
થોરાળામાં સિકંદર જૂણેજાએ દારૂના નશામાં છાતીમાં છરી ભોંકી આપઘાત કરી લીધો
પાંત્રીસ વર્ષના યુવાનને લાંબા સમયથી નશાની આદત હતીઃ રાતે મરી જવાનું રટણ કરી છરી મારી લીધીઃ બે દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવતાં મેરામબાપાની વાડી પાસે રહેતાં પરિવારમાં માતમ

રાજકોટ તા. ૨૧: નશો નાશનું મુળ છે આ વાતના પુરાવા આપતી ઘટનાઓ અવાર-નવાર બનતી હોય છે. દરમિયાન શહેરના નવા થોરાળા વિસ્તારમાં પોલીસ સ્ટેશન સામેના ભાગે મેરામબાપાની વાડી વિસ્તારમાં રહેતાં યુવાને નશાની આદતને કારણે પોતાની જાતે જ છાતીમાં છરીનો ઘા ભોંકી દઇ આપઘાત કરી લેતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ થોરાળા મેરામબાપાની વાડી પાસે રહેતાં સિકંદરભાઇ હુશેનભાઇ જુણેજા (ઉ.વ.૩૫) નામના યુવાને રાતે સાડા બારેક વાગ્યે પોતાની જાતે છાતીમાં છરીનો ઘા મારી લેતાં લોહીલુહાણ થઇ બેભાન થઇ જતાં પરિવારજનોમાં દેકારો મચી ગયો હતો. તેને તુરત જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂ, મહેશભાઇ જોગડા, ધર્મેન્દ્રભાઇ, શક્તિસિંહ, પ્રશાંતભાઇએ જાણ કરતાં થોરાળા પોલીસે કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર સિકંદરભાઇ બે ભાઇ અને સાત બહેનમાં બીજો હતો અને ઇકો ગાડીનુ ંડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતો હતો. તેને સંતાનમાં બે દિકરી છે.
પિતા હુશેનભાઇ જુણેજા હાલ નિવૃત જીવન જીવે છે. તેણે જણાવ્યું હતું કે દિકરા સિકંદરને લાંબા સમયથી નશો કરવાની આદત હતી. જ્યારે પી જાય ત્યારે મરી જાવાની વાતો કરી દેકારો મચાવતો હતો. ગત રાતે પણ દારૂ પીને આવ્યા બાદ ભાન ભુલી દેકારા કરી પોતાની જાતે જ છાતીમાં છરીનો જોશથી ઘા મારી લીધો હતો. અમે તેને સારવારમાં ખસેડયો હતો પણ સારવાર કારગત નીવડી નહોતી. આ બનાવથી પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
(4:19 PM IST)










