તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 21st June 2025
રાજકોટ શહેર-જીલ્લામાં ૧૨૦૦થી વધુ મતદારો ધરાવતા મતદાન મથકો શોધી કાઢવા ચૂંટણી પંચનો આદેશઃ તો ૭૦૦ બૂથો વધશે
મતદાન મથકો વધશે એટલે ખર્ચ-BLO-સ્ટાફ પણ વધશેઃ કલેકટર તંત્ર દ્વારા આવા બૂથો શોધી કાઢવા કાર્યવાહી શરૂઃ મામલતદારો-BLO હાલ ધંધે લાગી ગયા.. : રાજકોટ જીલ્લામાં ૧૨૦૦થી વધુ મતદારો ધરાવતા બૂથો ૭૦૦ આસપાસ છેઃ પંચનો આ નિયમ લાગુ પડશે તો રાજકોટ-જીલ્લામાં ૩ હજારથી વધુ મતદાન મથકો થશે..

રાજકોટ તા.૨૧: કેન્દ્રીય ચુંટણીપંચે આવનારી લોકસભાની ચૂંટણી અને અન્ય ચૂંટણીઓ સંદર્ભે અનેક નવા નિયમો બનાવ્યા છે જેમાં કોઈપણ મતદાન મથક ઉપર ૧૨૦૦થી વધુ મતદારો નહિ રાખવાનો નિર્ણય અમલમાં મુકયો છે. આ નિયમ અંગે પંચે રાજકોટ કલેકટરને તાકીદની એક સૂચના આપી તેમના જિલ્લામાં બારસો થી વધુ મતદારો હોય તેવા કેટલા મતદાન મથકો છે તે શોધી કાઢી અને એનો રિપોર્ટ પાઠવવા આદેશો કર્યા છે
ચૂંટણી પંચની આ સૂચના બાદ રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક મામલતદાર અને BLO તથા એના નોડલ સુપરવાઇઝરો મારફત જિલ્લામાં ૧૨૦૦ થી વધુ મતદારો ધરાવતા કેટલા મતદાન મથકો છે તે જુદા પાડવા અને તેને શોધી કાઢવા અંગેની કાર્યવાહી છેલ્લા ચાર દિવસ શરૂ થઈ છે
ચૂંટણી પંચ દ્વારા કલેકટર દ્વારા મોકલવામાં આપનાર રીપોર્ટ બાદ જો ૧૨૦૦ મતદારોવાળો નિયમ લાગુ કરાય તો નવા કલેક્ટર માટે પણ આ એક પડકારજનક બાબત છે કારણ કે જો ચૂંટણી પંચ એવી સૂચના આપે કે ૧૨૦૦થી વધુ મતદારો કોઈ પણ મતદાન મથકમાં નહીં રાખવાના તો રાજકોટ શહેર જિલ્લામાં કુલ ૮ વિધાનસભા મત વિસ્તારમાં હાલ જે ૨૨૫૩ મતદાન મથકો છે તેના બદલે ૩૦૦૦ ઉપર મતદાન મથકો થઈ જશે એટલે કે લગભગ ૭૦૦ થી ૭૫૦ જેટલા મતદાન મથકો ૨૦૨૭ની લોકસભાની ચૂંટણીમાં વધે તેવી શકયતા કલેકટર કચેરીના ટોચના અધીકારી વર્તુળોએ દાખવી હતી.
આ મતદાન મથકો વધવાને કારણે કે સ્ટાફ પણ વધશે એટલો ખર્ચો પણ વધશે મહેકમ વધારવું પડશે, હાલ તો ચૂંટણીપંચની ૧૨૦૦ મતદાન મથક અંગેની સૂચનાને કારણે કલેક્ટર તંત્ર અને એમનું સ્ટાફ ભારે દોડધામ કરી રહયો છે. જો નવો નિયમ લાગુ થશે તો કાં તો મતદાન મથકો વધારવા પડશે, અન્યથા એટલા મતદારો અન્ય બુથમાં ટ્રાન્સફર કરવા પડશે.
દરમિયાન બીએલઓને હવે આઈડેન્ટિક કાર્ડ આપવાની તથા રજીસ્ટર માંથી મળત્યુ પામેલા મતદારોની યાદી મંગાવી અને એને નામ કમી કરવાની જે કાર્યવાહી છે એ આવતા જુલાઈથી રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર શરૂ કરશે તેવું અધિકારી સૂત્રો ઉમેરી રહયા છે.
અત્રે એ નોંધનીય છે કે, તાજેતરમાં જ ૪૦૦ જેટલા નામ ચૂંટણી અધિકારી દ્વારા કમી કરવામાં આવ્યા હતા અને જેમને કેટલાય લોકોને કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી છે જ્યારે બીજા લોકોને પોતાના નામ કમી કરવા અંગેની જાણ કરવામાં આવી છે, આ કમી કરાયેલ નામો બેવડાતા હોવાનું, બે સ્થળે બોલતા હોવાનું બહાર આવ્યું હતું, આમાંથી અમૂક તો રાજય બહાર મતદાર તરીકે મતદાર યાદીમાં બોલતા હોવાનું ખૂલ્યું હતું.
(4:20 PM IST)










