<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

શિતળાધાર ૨૫ વારીયામાંથી આજીડેમ પોલીસે નકલી ડોક્‍ટર મીત રંગાણીને ઝડપી લીધોઃ બેચલર ઓફ એન્‍જિનીયરનો અભ્‍યાસ કર્યો હતો અને ડોક્‍ટર બનીને બેસી ગયો હતો

પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણાની ટીમની કાર્યવાહીઃ સંજયભાઇ કોરાટની બાતમી

રાજકોટઃ શહેરમાં વધુ એક વખત લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતાં નકલી ડોક્‍ટરને પોલીસે ઝડપી લીધો છે. કમ્‍પાઉન્‍ડરના અનુભવ ધરાવતાં કે પછી કોઇ હોસ્‍પિટલમાં નોકરી કરી હોય તેના આધારે દવાખાના ખોલીને અમુક લોકો બેસી જતાં હોય છે. દરમિયાન કોઠારીયા સોલવન્‍ટ શીતળાધાર ૨૫ વારીયા ક્‍વાર્ટરમાં શેરી નં. ૨૫/૨૬ના ખુણે વૃંદાવન પાર્ક સામે કનૈયા મોબાઇલની બાજુમાં આવેલા રાધે ક્‍લીનીકમાં નકલી ડોક્‍ટર દવાખાનું ચલાવતો હોવાની બાતમી આજીડેમ પોલીસ સ્‍ટેશનના હેડકોન્‍સ. સંજયભાઇ કોરાટને મળતાં દરોડો પાડવામાં આવ્‍યો હતો.

ક્‍લીનક અંદર એક શખ્‍સ ટેબલ પર ગળામાં સ્‍ટેથોસ્‍કોપ સાથે બેઠો હોઇ તેને પોલીસે ઓળખ આપી હતી અને આ શખ્‍સ પાસે તે ડોક્‍ટર હોવાની ડીગ્રી સહિતના કાગળો માંગતા તેણે ગેંગે-ફેંફેં કર્યા બાદ પોતે કાયદેસરનો ડોક્‍ટર નહિ હોવાનું પણ બેચલર ઓફ એન્‍જિનીયરીંગનો અભ્‍યાસ કર્યો છે. જે દવાખાનુ છે તેમાં તેના સાળી બેસે છે અને સાળી ડોક્‍ટર છે. પોતે અહિ બેસતો હોઇ અનુભવને આધારે ડોક્‍ટર સાળીની ગેરહાજરીમાં દવાખાનુ ચલાવતો હતો. આ બારામાં કોન્‍સ. દેવાભાઇ ધરજીયાની ફરિયાદ પરથી મીત જગદીશભાઇ રંગાણી (ઉ.વ.૨૬-રહે. માધવ રેસીડેન્‍સી-૧, સ્‍વાતિ પાર્ક મેઇન રોડ, કોઠારીયા) સામે બીએનએસની કલમ ૩૧૯, મેડિકલ પ્રેકટીસનર એક્‍ટની કલમ ૩૦ મુજબ નકલી ડોક્‍ટર બની દર્દીઓને તપાસી એલોપેથીક દવા આપી તેમજ બાટલા ચડાવી દઇ લોકોના સ્‍વાસ્‍થ્‍ય સાથે ગંભીર બેદરકારીભર્યા ચેડા કરવાનો ગુનો નોંધી દવા, સાધનો, રોકડા મળી ૧૯૩૨૬નો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો.

પીઆઇ એ. બી. જાડેજા, પીએસઆઇ જે. જી. રાણા, હારૂનભાઇ ચાનીયા, સંજયભાઇ કોરાટ, આકાશભાઇ સોલંકી, દેવાભાઇ ધરજીયા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

(11:42 AM IST)